ઉનાળુ ખેડનું મહત્વ (Importance of summer ploughing)



“ખેડ એ ખાતર બરાબર છે” અને “ખેડ, ખાતર અને પાણી, અન્નને લાવે તાણી” આવી પુરાણી કહેવતો મુજબ જમીન વ્યવસ્થાની સફળ ચાવી ઉનાળુ ખેડ કહી શકાય. વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ જમીન-પાણી-હળ-પાકનો સંબંધ સુવ્યવસ્થિત હોવો જોઈએ કારણ કે પાક ઉત્પાદનના મુખ્ય અંગ તરીકે પાકના મૂળને જમીન એ માધ્યમ પુરૂ પાડે છે, જ્યારે પાકની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીના માધ્યમથી જમીનમાંથી છોડને જરૂરી પોષકતત્વોનું શોષણ કરી જમીનમાં રહેલી હવામાંથી ઓક્સિજન મૂળ વાટે લઈ છોડની દેહધાર્મિક ક્રિયાઓ નિયમિત ચાલતી રહે છે. ઉપરાંત હવામાન કાર્બનડાયોકસાઈડ, સૂર્યપ્રકાશ અને છોડમાં રહેલ કલોરોફીલ તેમજ ભેજ દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી છોડનો સતત વિકાસ થતો રહે છે. આમ જમીન વ્યવસ્થાના મુખ્ય અંગ તરીકે ઉનાળુ ખેડ એ ખૂબજ અગત્યનું ખેડકાર્ય છે.

ઉનાળુ ખેડ

ચામાસુ, અર્ધ શિયાળુ કે શિયાળુ પાકની કાપણી પછી ઉનાળાના સમયે ખાસ કરીને આગામી ચામોસુ પાકના વાવેતર માટે જમીન તૈયાર કરવા જમીનમાં ભેજનું પ્રમાણ વરાપ અવસ્થાએ હોય ત્યારે જમીનને ખેડવી, ઢેફા ભાંગવા જમીન સમતલ કરવી, કરબ ચલાવવી વગેરે ખેડકાર્યો ખેતી ઓજારોથી જમીનને પોચી, ભરભરી તેમજ ઉલટસુલટ કરવામાં આવે છે જેથી જમીનની રચના અથવા બંધારણ સુધરે છે. નીંદણનો નાશ થાય છે અને આગલા પાકના અવશેષો, મૂળ, પાન, ડાંખળા વગેરે જમીનમાં દટાઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થમાં વધારો કરે છે જેને ઉનાળાની ખેડ કરવામાં આવે છે.

ખેડ જુદા જુદા ઘણા નામોથી ઓળખાય છે. ઊંડાઈ પ્રમાણે છીછરી ખેડ, ઊંડી ખેડ જયારે સમય પ્રમાણે પ્રાથમિક ખેડ, વચલી ખેડ, આંતરખેડ, પાછલી ખેડ અને ખેડની સંખ્યા પ્રમાણે ઓછી ખેડ, અનુકુળ ખેડ, કન્વેન્શનલ ખેડ, રીડયુસ ખેડ, વધુ પડતી ખેડ વગેરે કરી શકાય છે.

પાક ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ પડતી ખેડથી થતા નુકશાન અટકાવવા જમીન વ્યવસ્થા માટે જરૂર પૂરતી ખેડ કરવી અતિ આવશ્યક છે.

આદર્શ ખેડ પદ્ધતિ

બળદથી ચાલતા ચવડાવાળા હળથી અને ટ્રેકટરથી ચાલતા ચવડા, દાંતી દ્વારા ખેડ કરવાથી અંગ્રેજી ‘વી’ આકારના બે ચાસ વચ્ચે જમીન ખેડાયા વગર રહી જાય છે. આથી ફાળવાળા હળ દ્વારા ખેડ કરવાથી ખેડાયા વગરની જમીન રહેતી નથી પરંતુ તેમાં નીકપાળા બનતા હોય જમીન સમતલ કરવાનો ખર્ચ વધી જાય છે. આથી હાલમાં ફાળવાવાળુ મલ્ટિ પ્લાઉ જે એક શેઢાથી બીજી શેઢા પાસે વળાંક વળતી વખતે હળની ફાળ ઉલટી જતી હોય પાસ પાસે ખેડાયેલ બે ચાસ વચ્ચે નીકપાળા થતા નથી અને જમીન કાટખૂણે ખેડાતી હોય બે ચાસ વચ્ચે ખેડાયા વગરની જમીન રહેતી નથી. જમીનની સપાટી પરની માટી ઉલટસુલટ થતા જમીન પરના ઘાસ, જડિયા વગેરે જમીનના નીચેના ભાગમાં દટાઈ જાય છે. નીચેની જમીન સપાટી પર આવે છે. આમ ખેતરના દરેક શેઢા સુધી ખેડ કરી સંપૂર્ણ ખેડ કરવામાં આવે છે. આવી ખેડ ઊંડા મૂળવાળા પાક માટે એકાંતર વર્ષે અને છીછરા મૂળવાળા પાક માટે દર ત્રણ વર્ષે ખેડ કરવાથી જમીનની ભૌતિક સ્થિતિ જાળવી આદર્શ ખેડ કરી શકાય છે. ઊંડી ખેડ કરી ઉનાળામાં બે માસ સૂર્યતાપમાં જમીનને તપવા દઈ કરબ ચલાવી હેકટરે ૧ર થી ૧૫ ટન સંપૂર્ણ કહોવાયેલું છાણિયુગળતિયું ખાતર પાથરી રોટાવેટરથી ખેડ કરી જમીનમાં ભેળવી દેવામાં આવે છે.

ખેડની ઉપયોગીતા

આદર્શ ખેડ યોગ્ય સમયે કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે, ભેજશોષક અને ભેજ સંગ્રાહકશક્તિ વધે છે અને છિદ્રાળુતાનું પ્રમાણ વધવાથી જમીનમાં હવાની અવરજવર સારી થાય છે. આથી છોડના મૂળને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતા મૂળ પોતાની વૃદ્ધિ સારા પ્રમાણમાં કરી શકે છે. છોડ તેના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ, પોષકતત્વોનું પુરતા પ્રમાણમાં શોષણ કરી શકે છે અને છોડની દેહધાર્મિક ક્રિયા માટે જમીનમાંથી ઓક્સિજન પણ મેળવી શકે છે. આથી પાકની વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. ખેડથી જમીન ઉલટસુલટ થતા જમીનના અંદરના ભાગમાં રહેલા કીટકોના ઈંડા, ઈયળ અને કોશેટા જમીનની ઉપરની ખુલ્લી સપાટી પર આવતા સૂર્યતાપથી અને પક્ષીઓ દ્વારા ખાઈ જવાથી નાશ પામે છે.

ખેડનું પ્રમાણ

જમીન તૈયાર કરવા ખેડ કેટલી કરવી એ આગળનો પાક, જમીનનો પ્રકાર, આગામી ઋતુમાં લેવાનો પાક અને ખેડકાર્યના સમય ઉપર આધાર રાખે છે. અગાઉના પાક ઊંડા મૂળવાળા જેમકે કપાસ, દિવેલા, શેરડી વગેરે હોય તો ઊંડી ખેડ, જયારે છિછરા મૂળવાળા જેમકે મગફળી, બાજરી, ચણા, મગ, જીરૂ, સૂર્યમુખી વગેરે હોય તો છીછરી ખેડ કરવી. જમીન ભારે તેમજ મધ્યમ કાળી હોય તો ઊંડી ખેડ, જયારે રેતાળ અને હલકા પ્રકારની હોય તો છીછરી ખેડ કરવી જરૂરી છે. આગામી ઋતુમાં લેવાનો પાક ઊંડા મૂળવાળા હોય તો ઊંડી ખેડ, જયારે છીછરા મૂળવાળો હોય તો છીછરી ખેડ કરવી જોઈએ. શિયાળુ પાકની કાપણી અને ચામાસુ પાકના વાવેતર વચ્ચેનો સમય ખૂબ જ વધારે હોય તેથી ઊંડી ખેડ કરવી જોઈએ.

પાક ઉત્પાદકતા વધારવા ખેડનું મહત્ત્વ

  • ખેડથી જમીનના મોટા રજકણો નાના રજકણોમાં રૂપાન્તર થતા છોડના મૂળ વધારે જમીનની રજકણોની સપાટીના સંપર્કમાં આવતા વધુ પ્રમાણમાં પોષકતત્વોનું શોષણ કરી શકે છે.
  • છિદ્રાવકાશનું પ્રમાણ વધતા જમીનમાં હવાની અવરજવર વધે છે તેથી છોડના મૂળ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈ શકે છે.
  • જમીન પોચી અને ભરભરી બનતા વરસાદનું પાણી જમીનમં ઉતરતા જમીનનું ધોવાણ ઘટે છે, જમીનની ભેજશોષણ શક્તિ અને ભેજસંગ્રાહક શક્તિમાં વધારો થાય છે.
  • યોગ્ય પ્રમાણમાં ખેડ થતા જમીનની સપાટી પરના નીંદણનો નાશ થાય છે. જે મુખ્ય પાક સાથે હવા, જગ્યા, પ્રકાશ, જમીનમાં ભેજ અને પોષક તત્વોના શોષણમાં હરિફાઈ કરતા નથી. આથી મુખ્ય પાકની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે.
  • જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થતા જમીનમાં રહેલ ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. જમીનનું જીવંત જળવાઈ રહે છે.

ઉપરોક્ત દરેક ફાયદાઓના સંકલિત પ્રયાસથી પાકની ઉત્પાદકતા વધે છે.

વધુ પડતી ખેડના ગેરફાયદાઓ

  • વધુ પડતી ખેડથી જમીનમાં હવાનું પ્રમાણ વધે છે જેથી જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થનું ઉપચયન વધારે થાય છે. આથી જમીનની ઘનતા ૧.૫પ ગ્રામ પ્રતિ ઘન સે.મી. કરતા વધારે હોય તો સારા પાક ઉત્પાદ માટે યોગ્ય નથી.
  • વધારે પડતી ખેડ કરવાથી જમીનના કણોનું કદ નાનું થતુ જાય છે. જેમ જેમ રજકણોનું કદ નાનું થતુ જાય તેમ તેમ જમીનમાં પેટાતળમાં એકઠા થઈ સખત પડ બનતુ જાય છે. સખત પડ બનવાથી જમીનની નિતારશક્તિ વધે છે અને મૂળનો વિકાસ ઘટે છે.
  • સેન્દ્રિય પદાર્થનું ઉપચયન થવાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટે છે. આથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ ધીમી પડે છે અને જમીનની ઉત્પાદકતા ઘટે છે.
  • વધુ પડતી ખેડથી જમીનના ઉપરના પડમાં રજકણો છૂટા પડે છે જેથી પવન અને પાણીથી જમીનનું ધોવાણ ૬૫ થી ૭૦ ટકા જેટલું થાય છે.
  • વધુ પડતી ખેડ કરવાથી બળદના એકમ, યંત્રના એકમ માનવીના એકમમાં વધારો થતા ખેતી ખર્ચમાં વધારો થાય છે અને એકદંરે ચોખ્ખો નફો ઘટે છે.

ઉનાળામાં જમીનમાં વરાપ અવસ્થાએ યોગ્ય પ્રમાણ અને પદ્ધતિથી જરૂર પૂરથી જ ખેડ કરવામાં આવે તો જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો કરી એકમ વિસ્તારમાંથી ઓછા ખેડકાર્યના ખર્ચથી વધારેમાં વધારે ચોખ્ખો નફો મેળવી શકાય છે.

સંદ્ર્ભ: આણંદ ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

8 thoughts on “ઉનાળુ ખેડનું મહત્વ (Importance of summer ploughing)”

Comments are closed.