બાજરીની ઉનાળુ ખેતી (summer pearl millet cultivation)

Summer Pearl Millet Cultivation બાજરી એ ડાંગર, ઘઉં અને જુવાર પછીનો અગત્યનો ધાન્યપાક છે. દેશના સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજયોમાં આશરે ૯૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. ગુજરાત રાજય બાજરીના વાવેતરની દ્રષ્ટિએ ભારતનું ત્રીજા નંબરનું રાજય છે. જેમાં આશરે ૮.૫૦ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર સાથે ૧૪૪૦ કિ.ગ્રા.હેિકટર ઉત્પાદકતા ધરાવે છે. આપણા રાજયમાં બાજરીનો પાક ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે પરંતુ રાજયમા પિયતની પૂરતી સગવડતા ધરાવતા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર અંદાજે ૨.૩૦ લાખ હેકટર વિસ્તારમાં થાય છે જેમાંથી ૫.૩૦ લાખ ટન ઉત્પાદન મળે છે જેની સરેરાશ ઉત્પાદકતા ર૩૦૦ કિ.ગ્રા./હેકટર થાય છે.

છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસું બાજરી હેઠળનો વિસ્તાર ઘટી રહ્યો છે અને ઉનાળુ બાજરી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે. ખાસ કરીને ઉનાળુ બાજરીનું વાવેતર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને કચ્છ જીલ્લાઓમાં પિયતની સગવડતાવાળા વિસ્તારમાં થાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદ જીલ્લામાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જીલ્લાઓમાં ઉનાળુ તથા પૂર્વ શિયાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર થાય છે.ઉનાળુ ઋતુમાં બાજરીનું ઉત્પાદન ચોમાસાની સરખામણીમાં વાતાવરણના સાનુકૂળ પરિબળોને લીધે બમણું ઉત્પાદન મળે છે. ચોમાસાની ઋતુની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં રોગ જીવાતનો ઉદભવ નહિવત રહેતો હોય છે વળી ઉનાળાની ઋતુમાં દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશના કલાકો ચોમાસાની ઋતુ કરતાં વધારે હોવાથી પ્રકાશસંશ્લેષણના દર ઊંચો રહે છે. ઉનાળુ ઋતુમાં ખેતીકાર્યો જેવા કે વાવણી સમયે ખાતર, પારવણી, ધામાં પૂરવાં, નીંદામણ, આંતરખેડ અને પિયત વગેરે જરૂરિયાત મુજબ સમયસર કરી શકાય છે. બાજરીના પાક માટે નીચે મુજબના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

જમીન અને આબોહવા

બાજરીના પાકને રેતાળ ગોરાડું, મધ્યમ કાળી તથા સારા નિતારવાળી સમતલ જમીન અને વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે. આા પાકને ગરમ અને મધ્યમ ભેજવાળી આબોહવા વધુ અનુકૂળ આવે છે.

જમીનની તેયારી અને સેન્દ્રિય ખાતર

જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ ટન (રપ ગાડી) સારૂ કોહવાયેલું છાણિયું ખાતર નાખ્યા બાદ ટ્રેકટર/હળ/કરબની ર થી ૩ ઊંડી ખેડ કરી જમીનમાં બરાબર ભેળવી જમીન તૈયાર કરવી. ઉનાળુ ઋતુમાં પિયતથી પાક લેવાનો હોવાથી જમીનને પોચી, ભરભરી અને સમતલ બનાવવી જોઈએ.

યોગ્ય જાતની પસંદગી

ચોમાસું બાજરીની સરખમણીએ ઉનાળું ઋતુમાં બાજરીના વધુ ઉત્પાદન ક્ષમતાની શકયતાને ધ્યાનમાં લઈને બાજરી સંશોધન યોજના, સરદાર ક્રુષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર તથા જામનગર કેન્દ્ર ખાતે ચાલતાં ઘનિષ્ઠ સંશોધનના પરિણામે ઉનાળુ ઋતુમાં વાવણી માટે નીચે મુજબની સંકર જાતોનું વાવેતર કરવા ભલામણ કરેલ છે.

(૧) જી.એચ.બી.-પર૬ : દાણાનું વધુ ઉત્પાદન આપતી મોટા દાણા અને હૂંડાનો સારો દેખાવ ધરાવતી તેમજ કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી આ જાત ઉનાળુ અને પૂર્વ શિયાળુ ઋતુમાં વાવણી માટે ભલામણ કરેલ છે. આ જાત ૭૫ થી ૮૦ દિવસે પાકે છે. દાણા અને સૂકાચારાનું મહત્તમ ઉત્પાદન ૪૮૦૯ કિ.ગ્રા./હે અને ૮૯૯૦ કિ.ગ્રા./હે આ જાત એમ.એચ.૧૬૯ જાત કરતાં દાણાનું ૧૪.૭% વધુ ઉત્પાદન આપે છે.

(ર) જી.એચ.બી.-૫૫૮ : કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી, મધ્યમ મોડી પાકતી, દાણાની આકર્ષક રંગ તથા આકાર ધરાવતી આ જાત સમગ્ર દેશમાં ચોમાસુ અને ઉનાળુ એમ બંન્ને ઋતુમાં વાવણી માટે ભલામણ કરેલ છે. આ જાત દાણા અને સૂકાચારાનું વધુ ઉત્પાદન આપે છે. ડુંડા જાડા અને આર્કષક દેખાવવાળા હોય છે. આ જાતનું દાણા અને ઘાસચારાનું મહત્તમ ઉત્પાદન અનુક્રમે ૪૬૩૮ કિ.ગ્રા./હે. અને ૯૯૫૦ કિ.ગ્રા./હે. મળેલ છે. આ જાત એમ.એચ. ૧૭૯ જાત કરતાં દાણા અને ઘાસચારાનું અનુક્રમે ૧૭% અને ૮% વધુ ઉત્પાદન આપે છે.

(૩) જી.એચ.બી.પ૩૮ : સૂકા તથા પાણીની અછતવાળા વિસ્તારો માટે ભલામણ કરેલ છે. આ જાત વહેલી (૭૦-૭૫ દિવસે) પાકતી, પાણીની અછતની પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી, કુતુલ રોગ સામે તથા સાંઠાની માખી અને ગાભિમારાની ઈયળ સામે પ્રતિકારકશક્તિ ધરાવતી, ઢળી ન પડવાની ક્ષમતા ધરાવે છે. આ જાત પુસા-૧ર૩ કરતાં દાણાનું ર૭.૧% અને સૂકાચારાનું ૧ર.૫% વધુ ઉત્પાદન આપે છે.

વાવણી સમય

કોઈપણ પાકની સમયસરની વાવણી એ ઉત્પાદન માટેનું અગત્યનું ખેતીકાર્ય છે. સમયસરની વાવણીથી છોડનો વિકાસ સારો થાય છે પરિણામે ઉત્પાદન સાથે સંકળાયેલા છોડના ભાગોનો વિકાસ સારો થાય છે. ઉનાળુ બાજરીના વાવેતર માટે ઠંડી ઓછી થતાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધીનો સમય વધુ અનુકૂળ છે. આ સમય દરમિયાન વાવેતર કરવાથી દાણાનું વધુ ઉત્પાદન મળે છે. ઠંડીમાં વાવેતર કરતાં અંકુરણ મોડુ અને ધીમુ થાય છે. વળી, વાવેતર મોડું કરતાં પાક થુલી અવસ્થામાં હોય ત્યારે ચોમાસાની શરૂઆત થતાં પાકને નુકશાન થવાની શકયતા છે. માર્ચ પછી વાવણી કરતાં ઉત્પાદન ઓછું મળે છે. ઘણા ખેડૂતો એપ્રિલ માસ સુધી બાજરીની વાવણી કરતા હોય છે જે હિતાવહ નથી.

વાવણી અંતર

પાકનું હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે એકમ વિસ્તારમાં નિર્ધારિત છોડની સંખ્યા હોવી ખૂબ જ જરૂરી છે. જો છોડની સંખ્યા વધારે હોય તો છોડને ફૂટ ઓછી આવે છે અને તેનો વિકાસ બરાબર થતો નથી. જો છોડની સંખ્યા ઓછી હોય તો ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. બાજરીના પાકમાં હેકટર દીઠ આદર્શ છોડની સંખ્યા ૧.૭૫ થી ૨.૦ લાખ જેટલી જાળવવા માટે બે હાર વચ્ચે ૪૫ સે.મી.નું અંતર જાળવી વાવણી કરવી અને હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી.નું અંતર પારવણીથી જાળવવું.

બિયારણનો દર

હેકટર દીઠ ૩.૭૫ થી ૪.૦૦ કિ.ગ્રા. પ્રમાણિત બિયારણનો દર રાખી વાવણી કરવી.

બીજ માવજત

બીજના સારા ઉગાવા માટે બાજરીના બીજને વાવણી પહેલા ર થી ૩ કલાક પાણીમાં પલાળી, બીજને છાંયામાં સૂકવી પારાયુકત દવા થાયરમ ૧.૦ કિ.ગ્રા. બીજ દીઠ ૩.૦ ગ્રામ દવાનો પટ આપવો. પરિણામે એકમ વિસ્તાર દીઠ નિર્ધારિત છોડની સંખ્યા જાળવી શકાય છે. આ ઉપરાંત જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટ/એઝોસ્પાઈરીલમ અને પીએસબી કલ્ચરની બીજ માવજત આપવી જેનાથી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકાય છે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.

રાસાયણિક ખાતર

સંશોધન પરિણામો બતાવે છે કે સંકર બાજરી ઉનાળુ ઋતુમાં રાસાયણિક ખાતરોને સારો પ્રતિભાવ આપે છે કારણકે આ પાકમાં સૂર્યપ્રકાશના કાર્યક્ષમ ઉપયોગથી પ્રકાશસંશ્લેષણ વિસ્તારમાં વધારો કરી વધુ પોષક તત્વ ઊંચા દરે શોષણ કરી સંગ્રહ કરવાની અગાધ શક્તિ રહેલી છે. સામાન્ય રીતે ઉનાળુ બાજરીના પાકને રાસાયણિક ખાતર જમીનના પૃથકકરણ અહેવાલ મુજબ જ આપવું જોઈએ. તેમ છતાં ઉનાળુ બાજરીમાં હેકટરે ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો જોઈએ. ઉત્તર ગુજરાતની રેતાળ ગોરાડું જમીનમાં ૧૬૦ કિ.ગ્રા.નાઈટ્રોજન આપવાની ભલામણ છે. બાજરીના પાક્માં પાયાનું ખાતર નીચે મુજબ આપવું જોઈએ.

(૧) ઉત્તર ગુજરાતની રેતાળ ગોરાડું જમીન: પાકની વાવણી પહેલા જમીનમાં ૭ થી ૮ સે.મી. ઊંડાઈએ વાવણિયાથી ઓરીને ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન  + ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ હેકટર દિઠ અને ૧૩૦ કિ.ગ્રા. ડીએપી + ૧રપ કિ.ગ્રા.યુરિયા રાસાયણીક ખાતર હેકટર દિઠ આપવું

(ર) ગુજરાતનો બાકીનો વિસ્તાર: પાકની વાવણી પહેલા જમીનમાં ૭ થી ૮ સે.મી. ઊંડાઈએ વાવણિયાથી ઓરીને ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન  + ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ હેકટર દિઠ અને ૧૩૦ કિ.ગ્રા. ડીએપી + ૮૦ કિ.ગ્રા.યુરિયા રાસાયણીક ખાતર હેકટર દિઠ આપવું

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ભલામણ કરેલ છે કે મધ્ય ગુજરાતના ખેડૂતોને ફેરરોપણી કરી બાજરીનું વાવેતર કરતી વખતે વર્મિકમ્પોસ્ટ હેકટરે ર ટન આપી ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજના હેકટરે બે સરખા હપ્તામાં પ્રથમ હમો ફેરરોપણી વખતે અને બીજો હપ્તો ફેરરોપણી પછી ૩૦ દિવસે આપવાથી વધુમાં વધુ ઉત્પાદન તેમજ ચોખ્ખો નફો મળી શકે છે.

વાવણી પદ્ધતિ

ઉનાળુ બાજરીનું વાવેતર પિયતથી ઓરવણ કરી વરાપ થયે સાંજના સમયે બે ચાસ વચ્ચે ૪૫ સે. મી.નું અંતર જાળવી વાવણી કરવી. બીજ ૪ સે. મી. ની ઊંડાઈએ પડતાં સારો ઉગાવો મળે છે. મધ્ય ગુજરાત વિસ્તારોમાં ખેત આબોહવા વિસ્તારમાં ધરૂઉછેર કરીને ફેરરોપણી દ્વારા વાવણી કરતાં વધુ ઉત્પાદન મળે છે. આ માટે ધરૂને ર૦ થી રપ દિવસે ફેરરોપણી કરવાની ભલામણ છે. આ માટે ધરૂના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઈરીલમ કલ્ચરના ચાર પેકેટને ૧૫ લિટર પાણીમાં ભેળવી દ્રાવણમાં ધરૂના મૂળને ૧૫ થી ર૦ મિનિટ બોળીને વાવણી કરવી અને હેકટરે ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન આપવાથી મહત્તમ ઉત્પાદન મળે છે.

ફેરરોપણી

સામાન્ય રીતે ઉનાળુ બાજરીનો પાક શિયાળુ પાકની કાપણી પછી લેવામાં આવે છે. ઘણી વખત શિયાળુ પાકની કાપણી મોડી કરવામાં આવે છે જેથી જમીન તૈયાર કરવામાં થોડો સમય જાય છે અને બાજરીની વાવણી મોડી કરવી પડે છે. આવા સંજોગોમાં બાજરીની સમયસરની વાવણી માટે શિયાળુ પાકની કાપણી કરવાના ર૦ થી રપ દિવસ પહેલાં બાજરીનું ધરૂ નાખવું જોઈએ અને શિયાળુ પાકની કાપણી પછી ધરૂની ફેરરોપણી કરવાથી બાજરીનો પાક સમયસર લઈ શકાય છે. ધરૂ તૈયાર કરવા માટે ૭.૫ મીટર x ૧.૨ મી. કયારા બનાવવા. એક હેકટરની ફેરરોપણી માટે પ૦૦ થી ૬૦૦ ચો.મી. ના વિસ્તારમાં ધરૂ તૈયાર કરવામાં આવે છે. ઉપર મુજબના માપના કયારા તૈયાર કરી તેમાં પ થી ૧૦ કિ.ગ્રા.નાઈટ્રોજન આપવો અને કયારામાં ૧૦ સે.મી. ના અંતરે છીછરા ચાસ કાઢી તેમાં બાજરીનું બીજ વાવવું. જે માટે ર કિ.ગ્રા. બીજ એક હેકટર વિસ્તારની વાવણી માટે પૂરતુ છે. જયારે ધરૂ ૩ અઠવાડીયાનું થાય ત્યારે ધરૂવાડીયામાં હળવું પિયત આપી બાજરીના છોડ ખેંચી લેવા અને છોડના ઉપરના ભાગના પાન દૂર કરવા. જેથી ધરૂમાંથી ઉત્સવેદન ઓછું થાય છે. જેથી જલદી સેટ થઈ જાય છે. બાજરીનું વધુ ઉત્પાદન મેળવવા માટે ધરૂના મૂળને રોપણી પહેલાં એઝોસ્પાઈરીલમ કલ્ચરના ચાર પેકેટને ૧૫ લિટર પાણીના દ્રાવણમાં ૧૫ થી ર૦ મિનિટ બોળી રાખી રોપણી કરવી અને પાયાનું ખાતર ઉપર મુજબ આપવું. ધરૂ રોપવા માટે ચાલુ પિયતે જ ધરૂ રોપવું. ત્યાર પછી બીજા દિવસે એક હલકું પિયત આપી દેવું જેથી ધરૂ સારી રીતે સેટ થઈ શકે.

પાછલી માવજત

(૧) પારવણી અને ગામાં પુરવા : બાજરીનો પાક ર૦ થી રપ દિવસનો થતાં ચાસમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર જળવાય તે રીતે છોડની પારવણી કરવી તેમજ પારવણી પછી પિયત પાણી આપી જયાં ખાલાં પડયા હોય ત્યાં પારવણી કરેલા છોડથી ફેરરોપણી કરી ખાલાં પૂરવા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ મીની ટ્રેકટરથી ચાલતુ પારવણી ઓજાર વાપરવાથી બે છોડ વચ્ચેનું અંતર ૧૦ થી ૧ર સે. મી. જળવાઈ રહે છે અને હાથથી કરવામાં આવતી પારવણીની સરખામણીમાં અંદાજે ૭૦% જેટલો માનવ કલાક પ્રતિ હેકટરે બચાવી શકાય છે.

(ર) આાંતરખેડ અને નીંદામણ : બાજરીના પાકની વાવણી પછી ૧૫ દિવસથી શરૂ કરી ત્રણ હાથ નીંદામણ ૧૫ દિવસના અંતરે કરી કુલ ૪૫ દિવસ સુધી પાકને નીંદણ મુકત રાખવો. પાકની વાવણી પછી ૧૫ માં દિવસથી નિંધલ અવસ્થા આવે ત્યાં સુધીમાં નીંદણ નિયંત્રણ માટે તેમજ જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે બે થી ત્રણ વખત આંતરખેડ કરવી. છેલ્લી આંતરખેડ વખતે ચાસ પર પાળા ચઢાવવા, જેથી પાકને ઢળી પડતો બચાવી શકાય અને પૂરતો ભેજ જળવાઈ શકે.

જે વિસ્તારમાં મજૂરોની અછત હોય તે વિસ્તારમાં નીંદણનાશક દવા એટ્રાજીન ૦.૫૦૦ કિલોગ્રામ સક્રિય તત્વ હેકટર મુજબ વાવણી બાદ તુરત જ પરંતુ બીજના ઉગાવા પહેલા (પ્રિ. ઈમરજન્સ તરીકે) પ૦૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પૂર્તિ ખાતર

પારવણી અને નીંદણ થઈ ગયા પછી જયારે બાજરીનો પાક ર૧ થી ૩૦ દિવસનો થાય ત્યારે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૩૦ કિ.ગ્રા. યુરિયા) આપવો. પૂર્તિ ખાતર પિયત આપ્યા બાદ આપવું. પરંતુ હલકી રેતાળ જમીનમાં પૂર્તિ ખાતર નીચે દર્શાવ્યા મુજબ બે હપ્તામાં આપવું.

(૧) પ૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૬૦% નાઈટ્રોજન) અને ૧૧૦ કિ.ગ્રા. યુરિયા અથવા રપ૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ ૨૧ થી ૩૦ દિવસ પિયત આપ્યા પછી છોડની હારથી ૮ થી ૧૦ સે.મી. દૂર પાટલામાં આપી જમીનમાં ભેળવી દેવું.

(ર) ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૪૦% નાઈટ્રોજન), ૬૫ કિ.ગ્રા. યુરિયા અથવા ૧૫૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ ૪૫ દિવસનો પાક થાય ત્યારે એટલે નિંધલ અવસ્થાએ છોડની હારથી ૮ થી સે.મી. દૂર પાટલામાં આપી જમીનમાં ભેળવી દેવું.

પુરક ખાતરનો જથ્થો પાકને પાણી આપ્યા બાદ આપવો. જેથી ખાતરમાં રહેલ નાઈટ્રોજન તત્વ જમીનમાં પાણી સાથે નીચે ઉતરી જવાનો ભય રહેતો નથી.

પિયત

ઉનાળુ બાજરીના પાકને પિયત પાણીની સંખ્યા અને બે પિયત વચ્ચેનો ગાળો જે તે વિસ્તારની જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ઉનાળુ બાજરીના પાકને ૭ થી ૧૩ પિયત આપવાની જરૂરિયાત પડે છે.

  • મહેસાણા જીલ્લામાં કે જયાં જમીન ગોરાડું અનેજમીનનું સ્તર ઉંડું છે ત્યાં ૬ થી ૭ પિયત લગભગ ૧૫ દિવસના ગાળે દરેક પાણી ૭૫ મિ.લિ. જથ્થામાં આપવું જોઈએ.
  • ઉનાળુ બાજરીના પિયત અંગેના અખતરાઓના પરિણામો દર્શાવે છે કે ઉનાળુ બાજરીને વાવણી પછી ૧ર, ર૪, ૩૪, ૪૩, ૬ર અને ૭૦ દિવસે એમ કુલ સાત પિયત આપવાથી વધારે ઉત્પાદન મળે છે.
  • બનાસકાંઠા વિસ્તારમાં રેતાળ જમીનમાં ફેબ્રુઆરી- માર્ચ દરમિયાન ૮ થી ૧૦ દિવસે અને ત્યારબાદ દરમિયાન પ થી ૬ દિવસે પિયત આપવું.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં જમીનનું પડ છીછરૂ હોવાથી પાકના મૂળ ઊંડા જઈ શકતા નથી જેથી આવા વિસ્તારમાં કુલ ૧૨ થી ૧૩ પિયત આપવા જરૂરી છે તેમ છતાં પિયતની કટોકટીની અવસ્થાને અવશ્ય પિયત આપવું. પાક થુલી અવસ્થાએ હોય ત્યારે પાકને પાણી આપી ભેજવાળું વાતાવરણ રાખવું જરૂરી છે.

પિયતની કટોકટીની અવસ્થાઓ જેવી કે અંકુર અવસ્થા, ફુટની અવસ્થા, નીધલની અવસ્થા, થુલીની અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.

સંદર્ભ: સરદાર ક્રૂષિનગર દાંતીવાડા ક્રૂષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “બાજરીની ઉનાળુ ખેતી (summer pearl millet cultivation)”

Comments are closed.