વરસાદના પાણીનું સંચય (rain water conservation) કઇ રીતે કરવુ?

drop ખેડુતમિત્રો, ચોમાસું આવવામાં જ છે. આવા સમયે, વરસાદના પાણીનું સંચય (rain water conservation) કઇ રીતે કરવું જેથી ચોમાસા પછી પાક સારો મળી શકે એ જાણવું જરુરી છે.

જળ સંચયનની મુખ્ય ત્રણ રીતો

  • જમીન સપાટી પરથી ઝમણ દ્વારા જળ સંચયન
  • જમીન સપાટી પરના નાના સંગ્રહ સ્થાનોમાં વહી જતું પાણી રોકીને સંચયન
  • વહી જતા પાણીને સીધું જ જમીનમાં ઉતારીને જળસંચય

જમીન સપાટી પરથી ઝમણ દ્વારા જળ સંચયન

આ ખૂબ સરળ અને નિરંતર ચાલુ રહેતી જળ સંચય પ્રક્રિયા છે. વરસાદ પડતા તેનો કેટલોક ભાગ જ્મીનના પડમાં ઉતરે છે જેને ઝમણ કહેવામાં આવે છે. ઝમણ દ્વારા જમીનમાં ઉત્તરના પાણીનો કેટલોક ભાગ જમીનમાં ભેજરૂપે જ જળવાય છે. અમુક ભાગ સપાટી પરથી સીધો જ બાષ્પીભવન દ્વારા ઉડી જાય છે અને બાકી ભાગ જમીનમાં ઉંડ ઉતરી ભૂગર્ભજળમાં વધારો કરે છે. ભુગર્ભ જળ સંચયની આ કુદરતી પ્રક્રિયામાં વધારો કરવાની કેટલીક સરળ રીતોનું વર્ણન નીચે મુજબ છે.

સબ સોઇલીંગ: સબ સોઇલીંગનો મુખ્ય હેતુ ખાસ કરીને કરીને જયાં જમીનનું પડ સખત હોય કે અન્ય રીતે પાણીનું પ્રસરણ અટકતું હોય તેવા કિસ્સામાં પેટાળનું સખત પડ તોડી પેટાળને પોચું બનાવીને ઝમણ દર વધારવાનો છે.  આ માટે બજારમાં ખાસ પ્રકારનું ક્રુષિ ઓજાર ઉપલબ્ધ છે. જેને સબ સોઇલર કહેવામાં આવે છે. તેની ખાસ પ્રકારની રચના, ઉપરની જમીનને કોઈ ખાસ અસર કર્યા વગર સવા થી દોઢ ફૂટનું નીચેનું પડ તોડી શકે છે. આ ઓજાર ૩૫ હોર્સપાવર કે તેથી મોટા ટ્રક્ટરથી ચાલી શકે છે. જમીનની સખતાઇ, તેનો ઢાળ, જ્મીનનો પ્રકાર, સખત પડની ઉંડાઈ અને વરસાદના ગુણધર્મો તથા ભૌગોલીક પરિસ્થિતિ અનુરૂપ સોઇલીંગનો અંતર ગાળો નક્કી કરવામાં આવે છે. દા.ત. ત્રણ ફુટના ગાળે એક ટ્રેક્ટર એક દિવસમાં એક હેકટેર વિસ્તારમાં સબ સોઇલીંગ કરી શકે તેનો અંદાજી ખર્ચ હેકટર દીઠ રૂ. ૨૦૦૦ જેટલો આવે છે.

એક અંદાજ મુજબ આમ કરવાથી ઝમણ દરમાં દસ ટકા જેટલો વધારો થઇ શકે. એટલે કે કોઇ વિસ્તારમાં સરેરાશ ૮૦૦ મી.મી. વરસાદ પડત હોય તો તેના દસ ટકા વધારાનું ઝમણ થવા હેકટર દીઠ ૮૦૦ ઘન મીટર વધારાનું પાણ જમીનમાં ઉતરે જેનો આશરે ૬૦ ટકા ભાગ ભૂગર્ભમાં ઉમેરાય તો પણ ૪૮૦ ઘન મીટર જેટલા વધારાના પાણીનો સંચય થાય. આમ. ચાર રૂપિયા જેવી નજીવી કિંમતે એ ઘનમીટર પાણીનો ભૂગર્ભજળ સંચય થઇ શકે છે.

ઉંડી ખેડ: ડિસ્ક પ્લાઉની મદદથી ઢાળની આડી દિશામાં ઉંડી ખેડ કરવાથી ર૦ થી ૩૦ સે.મી. સુધીનો ભાગ ખૂબ જ પોચો બને છે અને તેમાં સરળતાથી પાણી ઉતરે છે. વધુ વખત પાણી ચાસમાં ભરાઈ રહેવાથી વધુ પાણી જમીનમાં ઉતરવાની તક પૂરી પાડે છે તથા ઢાળની આડી દિશામાં આવી ઉંડી ખેડ વહેતા પાણીને અવરોધે છે અને એ રીતે જમીન પરથી નકામા વહી જતા પાણીને જમીનમાં ઉતરવાની વધુ અવકાશ મળે છે.

વાનસ્પનિક આાવરણ: સમતલ કે ઢાળવાળું જમીન તેમજ પાણીના નાળાઓમાં ઘાસ વનસ્પતિ વાવવાથી પાણી વહેવાની ગતિ ઘટે છે આાથી પાણીનો જમીન સાથેનો સંપર્કંગાળો વધવાથી વધુ માત્રામાં પાણી જમીનમાં ઉતરે છે. ઉપરાંત પાણી વહેવાથી થતું જમીનનું ધોવાણ પણ ઘટે છે. વધુમાં વનસ્પતિના અસંખ્ય મુળીયાઓ પાણીને જમીનમાં ઉતારવા માટે વહનનલીકા તરીકે ભાગ ભજવે છે.

પાણીનો રેલાવ ઃ આ પદ્ધતિમાં એક સાથે વહે પાણીને રોકીને તેને સમતલ જમીન પર વહે મુકવાથી તેની વહન ગતિ ઘટે છે તથા પાણી અને જમીનનો સંપર્ક ગાળો વધે છે. જેને લીધે વધ માત્રામાં પાણી જમીનમાં ઉતરે છે. આ પદ્ધતિ સમતલ જમીનમાં અપનાવવાથી જરૂરી નાણાંકીય સગવડ ન હોય તેવા સંજોગોમાં આ પધ્ધ્તિ ખુબ અનુકુળ પડે છે. આ ટેક્નીક દુનિયાભરમાં ઝ્ડ઼અપથી મોટા પાયે અમલમાં મુકાય રહેલ છે.

ઉંડા ખાડા બનાવવા: જે વિસ્તારમાં માટીનું સ્તર નાનું હોય અને તેની નીચે આવેલ સખત પડ પાણીને પસાર થવામાં અવરોધક હોય ત્યાં આવા સખત પડ તોડીને ઉંડા ખાડા બનાવવામાં આવે છે જેથી નીચેના સ્તર દ્વારા પાણી ઝડપથી ભૂગર્ભમાં પ્રસરી જાય છે. પાણી સાથે આવતા ડહોળાશ ખાડાને તળીયે જમા થતી હોય છે અને સ્વચ્છ પાણીનું ઝમણ ખાડાની દિવાલોવડે થાય છે.

ક્યારા પધ્ધતિ: કૃત્રિમ જળ સંચય માટેની આ પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે, જેમાં રીચાર્જ માટે ઉપલબ્ધ પાણીનો બંધ પાળા કે ખોદકામ કરીને મનાવવામાં આવેલ ખાસ પ્રકારની ક્યારીઓમાં છોડવામાં આવે છે. આ ક્યારીઓનો માપ, સાઈઝ અને રીચાર્જ માટેના ઉપલબ્ધ પાણીના જન્મા પરથી નક્કી કરી શકાય છે. જે વિસ્તારમાં માત્ર થોડા સમય માટે વહેતા નદી નાળાના પાણીને વાળીને કૃત્રિમ સંચય કરવાનું હોય ત્યાં સ્થળ અને સાનુકૂળતા પ્રમાણે નદી કે નાળાને સમાંતર એક કરતા વધુ ક્યારીઓની હારમાળા વધુ અસરકારક છે. અલબત, આ પદ્ધતિમાં ક્યારીનું તળ જામ થવાથી મુશ્કેલીઓ રહેતી હોય છે. જો કે તે માટે ઉપરનો જામેલો થર ખોદીને દૂર કરી શકાય છે અથવા ક્ય઼આરીના તળમાં ઉંડી ખેડ કરી શકાય છે. એકથી વધુ ક્યારીઓ હોય તો તેને ક્રમાનુસાર વારાફરતી સુકવી અને આ પ્રકારની જાળવણી કરી શકાય છે. જ્યાં ઉપલબ્ધ પાણી ખુબ ડહોળું હોય તો ઉંચામાં ઉંચી ક્યારીને ડોળ બેસડવા માટેની ક્યારીઓમાં રેલાવી શકાય઼ છે.

વહેતા ઝરણાઓમાં પાળા બાંધીને: આ પદ્ધતિમાં કુદરતી ઝરણાઓમાં વહેતા પાણીને જમીનમાં ઉતારવા માટે તેના આકારમાં જરૂરીયાત પ્રમાણે ફેરફાર કરીને પાણીની વહન ગતિ ઘટાડવાથી પાણી જમીન સાથે વધુ સમય માટે સંસર્ગમાં રહે જેના લીધે મહતમ માત્રામાં પાણી જમીનમાં ઉતારી શકાય છે. ઉપરાંત ઝરણાઓમાં અમુક અમુક અંતરે ચેકડેમની જેમ નાના નાના હંગામી પાળા બાંધીને તેમજ છીછરા ખાડા બનાવીને કે અન્ય કોઇ આડસ ઉભી કરીને તેમાંથી નકામા વહી જતા પાણીને રોકવામાં આવે છે.

જ્મીન એક્સરખી કરી પાળા બાંધવા:  જ્મીનને ખાડા ટેકરા દુર કરી ઢાળની વિરૂધ્ધ  દિશામાં સમોચ્ચ રેખા પર પાળા બાંધવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં પચે છે. હલકી અને મધ્યમ જમીન સાનુકુળ છે. જયારે ઉંડી કાળી જમીનમાં તીરાડો પડવાથી પાળા લાંબો  સમયઅ ટકી શકતા નથી. આથી પાળા ઉપર જીપટો અથવા અન્ય ઘાસનું વાવેતર કરવું જોઇએ. ખુબ જ ઉંચાણવાળી જમીનમાં  પગથીયા પદ્ધતિ અપનાવવી,

ઢાળની આડી દિશામાં ખેત કાર્યો કરવા: ઢાળની આડી દિશામાં ખેડ કાર્યો કે પાકનૂ વાવેતર કરવાથી પાણી વહેણ ગતિ ઘટે છે અને વધુ પાણી જમીનમાં ઉતરે છે.

વરસાદ પહેલા ચાસ ખુલ્લા રાખવા: વરસાદ પહેલા ચાસ ખુલ્લા રાખવાથી પહેલા વરસાદથી પડેલ પાણી વધુમાં વધુ જમીનમાં ઉતરે છે. જેથી જમીનમાં તળમાં પાણી ઉમેરાય છે, તેમજ વાવણી માટે પૂરતો ભેજ પણ ઉપયોગી બને છે

જ્મીન સપાટી પર વહી જતું પાણી રોકીને નાના સંગ્રહ સ્થાનોમાં જળ સંચય

નદી-નાળા તેમજ ખેતરોમાંથી વહી જતા પાણીને ખેત તલાવડી, પાકા ચેક ડેમ, માટીના ચેકડેમ કે અન્ય રીતે સંગ્રહ કરીને રોકવામાં આવે તો આ પાણી વહી જતું અટકાવી શકાય છે. આ રીતે રોકાયેલ પાણી ધીમે ધીમે ભૂગર્ભ જળમાં સંચય આાય છે અથવા તેનો સીધો ખેતીમાં કે અન્ય વપરાશમાં ઉપયોગ થાય છે. સંગ્રહ સ્થાનોમાં ભરાયેલ પાણીને સપાટી પર બાષ્પીભવન દ્વારા થતો વ્યય ઓછો થાય તેની કાળજી લેવી જરૂરી છે. પાકા ચેક ડેમ: સામાન્ય રીતે મોટા વોકળા કે નદી જેમાં બંને કિનારા સાંકડા, પથ્થર વાળા અને તુટે નહીં તેવા મજબુત હોય અને વેસ્ટસ્વીયરનો બાજુમાં માર્ગ ન હોય તેવી જગ્યાએ પાકા ચેકડેમ બનાવીને પાણીનો સંગ્રહ કરી શકાય છે. આવા ચેકડેમના વિસ્તારમાં ભારે વરસાદ હોય તે સમયે વધારે આવતું પાણી ચક્રમની ઉપરથી પસાર થઈ જાય છે માટે નીચેની બાજુ ધકામનું ધોવાણ ન થાય તેવી રીતે ડિઝાઇન તૈયાર કરવી જોઇએ.

માટીનો ચેકડેમ: પાણીના નાળા કે વોંકળા પર પાણીનો સંગ્રહ કરવા માટીનો આાડો પાળો. ખાંધવામાં આવે તેને માટીનો ચેકડેમ કહે છે. માટીનો ચેકડેમ મોરમ અથવા કાળ માટીના વિસ્તારમાં બનાવવો જોઇએ. ચેકડેમ બનાવવાની જગ્યા પર નાળાની પહોળાઇ ખૂબ વધારે કે ખૂબ ઓછા ન હોવી જોઇએ. તેમજ વધારાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા આપી શકાવી જોઈએ. વધારે ઢાળવાળો વસ્તાર કે જયાં પુષ્કળ પ્રમાણમાં ઝડપથી પાણી વહે ત્યાં માટીનો ચેક્ડેમ બનાવવા જોઇએ નહી.

ખેત તલાવડી: ખેતરનું પાણી ખેતરમાં રહે તે હેતુ સિધ્ધ કરવા માટે ખેતરમાંથી બહાર નીકળતા પાણીને નિચાણવાળી જગ્યાએ ખત તલાવડી બનાવી સંગ્રહી શકાય છે. ખેત તલાવડી કેટલા માપની બનાવવી અને તેમાં કેટલું પાણી એક્ઠું થશે તેનો આધાર સ્ત્રાવ વિસ્તાર, જમીનનો પ્રકાર, જમીનનો દાળ અને વરસાદ પર રહેલ છે. જો દરેક ખેડૂતો પોતાના ખતરે ખેત તલાવડી બનાવે તો જમીન તળમાં પાણી એકદ ઉંચું આવશે. તેમ જ પાકની પાણીની જરૂરીયાન સમયે વરસાદ ન હોય તો તેમાંથી પિયન આપીને પાકને બચાવી શકાશે. પાણીની ટાંકીઓ: માનવ રહેણાંકના વિસ્તારમાં અાવતા ઘરોની અગાશી અને પાકા ફળીયામાંથી વરસાદનું વહી જતું પાણી રોકીને પાડી ટાંકીમાં એકઠું કરીને અછતના સમયે ઉપયોગ કરવામાં આવે છે. આવી ટાંકીઓ પાકી અને સામાન્ય રીત બંધ પ્રકારની બનાવવામાં આવતી હોય છે જેથી ઝમણ અને બાષ્પીભવનથી પાણીનો વ્યય નહીવત થાય છે.

વહી જતા પાણીને સીધું જ જ્મીનમાં ઉતારી જળ સંચય

આ પદ્ધતિમાં વરસાદના વહેતા પાણીને સીધુ જ ભૂગર્ભમાં ઉતારીને જળ સંચય કરવામાં આવે છે.

કુવા રીચાર્જીગ: નદી નાળા કે ખેતરના નીચાણવાળા વિસ્તારમાં વહેતા વરસાદના પાણીને સીધું જ કુવામાં નાખવાની પદ્ધતિ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં કુવાની બાજુમાં 6 X 6 X 4 ફૂટ માપનો ખાડો કરી તળથી થોડે ઉંચે  પાઇપ ગોઠવી પાણીને ખાડા મારફતે કુવામાં નાખવામાં આવે છે જેથી માટીના મોટા કણ ખાડાના તળીયે બેસી જઇ કુવામાં ન જાય. અલબત, આ પદ્ધતિથી પાણીનું ગાળણ ન થઇ શકતું હોય કુવામાં કાંપ ભરાવો તેમજ સરવાણીઓ બંધ થવાના ભય સાથે ભૂગર્ભ જળની ગુણવતા પટ પણ વિપરીત અસર કરે છે અને તેથી જ કુવામાં નાખવામાં આવતું પાણી યોગ્ય રીતે ફીલ્ડર કરીને જ નાખવું જોઇએ. સંશોધન વિજ્ઞાનિક (ખેતી ઇજનેરી)ની કચેરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ધ્વારા સ્થાનિ માલ-સામાનમાંથી ખૂબ જ ઓછા ખર્ચે શકાય તેવું સેન્ડ ફિલ્ટર વિકસાવવામાં આવેલ છે અને આ ફિલ્ટરનો ઉપયોગ કરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પ્રાપ્ય નાણાંકીય સ્ત્રોતને અનુરૂપ નદી નાળા કે તળાવને કાંઠે સમાંતર કુવા તૈયાર તથા કરી વરસાદના વહેતા પાણીને ફિલ્ટર કરીને તેમાં વાળીને પણ ભુગર્ભ જળ સંચય કરી શકાય.

બોરવેલ રીચાર્જીગ : કુવાની જેમ જ બોરવેલને પણ રીચાર્જીગ કરી શકાય છે. આ કિસ્સામાં પણ રીચાર્જ માટે પ્રાપ્ય પાણીનું બરાબર ફિલ્ટ્રેશન કરવું જરુરી છે. અન્યથા પાણીનો ડહોળ બોરવેલની સરવાણોમાં ભરાઇ જઇ આવક ધટે અથવા સદંતર બંધ થવાની સંભાવના રહે છે. બોરવેલ રીચાર્જીગ પદ્ધતિની ગોઠવણમાં પાણીને ચોક્કસ રીતે કાટખુણે વાળવાની કાળજી રાખવી જોઇએ. જેથી અંદર ઉતરતું પાણી બોરવેલના સપાટી સાથે અથડાય નહીં અને એ રીતે નુકસાન ન થાય. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી વગરના નકામાં બોરવેલની સંખ્યા ઘણી છે. આવા ખાલી બોરવેલનો રીવાજીંગ માટ ઉપયોગ કરવો હિતાવહ છે.

સંદર્ભ: જુનાગઢ ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “વરસાદના પાણીનું સંચય (rain water conservation) કઇ રીતે કરવુ?”

Comments are closed.