સુકી ખેતી (Dry farming)

pearl-millet

ગુજરાત રાજ્યની કુલ ૧૦૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૨૨% વિસ્તારમાં જ પિયત થાય છે જયારે બાકીના ૭૮% વિસ્તારને ખેત ઉત્પાદન માટે ફક્ત વરસાદના (આકાશીયા ) પાણી ઉપર જ આધાર રાખવો પડે છે . આવા વિસ્તારો માં ખેત ઉત્પાદનની ક્ષમતા ઓછી છે અને એકધારૂં ઉત્પાદન ટકી રહેતું નથી. સૂકી ખેતી (Dry farming) વિસ્તારમાં ક્ષેત્રપાક વ્યવસ્થાનો નિર્ણય કરવામાં વરસાદની માત્રાનો પ્રસાર અગત્યનો છે અથવા તો જમીનમાં પ્રાપ્ય (લભ્ય) ભેજ મહત્ત્વની બાબત છે. કોઈપણ સ્થળની પાકની વૃધ્ધિની ઋતુ નક્કી કરવા માટેનો આધાર ‘વરસાદનું પાણી” અથવા જમીનનો ભેજ મહત્તમ બાષ્પોત્સવેદનની માંગણીને કેટલે અંશે સંતોષી શકે છે તેના પર છે.

સૂકી ખેતીમાં (dry farming) ભેજ સંગ્રહ શા માટે ?

ખેડૂતમિત્રો ! કહેવાય છે કે જુવાનીમાં બચત કરેલ પેસો તેની વૃદ્ધાવસ્થામાં (કટોકટીએ) અતિ મહત્વનો છે. તેમ ચોમાસાના સારા સાનુકૂળ દિવસોએ પડેલ પાણીનો વ્યવસ્થિત અને જમીનમાં , ખેત તલાવડીમાં, ખેતરમાં વિવિધ પદ્ધતિએ રોકેલ હોય, બચાવેલ કે પચાવેલ હોય તો તે પાણી સૂકી ખેતીના પાકોની તેની ક્રાંતિક પળે અવશ્ય ઉપયોગમાં લઈ પાકને જીવતદાન આપી બચાવી શકાય છે અને પાક ઉત્પાદન લીધાનો યશ મેળવી શકાય છે. માટે જ પાકની વૃધ્ધિ અને ઉત્પાદનને સારી અને માઠી અસર કરતાં પરિબળોમાં પાણી (ભેજ) એ અગત્યનું એક પરિબળ છે . આ ઉપરાંત ઉષ્ણતામાન , પ્રકાશ , જમીનની ફળદ્રુપતા, બંધારણ, નીંદામણ, રોગ-જીવાત વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં ભેજ અગત્યનું અંગ છે. આ ભેજ છોડને તેની વૃધ્ધિની કઈ અવસ્થામાં અને કેટલા પ્રમાણમાં મળે, સમગ્ર વૃદ્ધિકાળ દરમ્યાન જરૂરીયાત મુજબ ઉપલબ્ધ છે કે કેમ વગેરે બાબતો મહત્ત્વની છે કારણ કે (૧) છોડ જરૂરી પોષક તત્ત્વો દ્રાવણના રૂપમાં લે છે. (૨) પાણી છોડનો મુખ્ય ઘટક છે, છોડના બંધારણમાં ૭૫ થી ૯૦% પાણી છે. (૩) વાનસ્પતિક દેહધર્મવિધાની અનેક ક્રિયાઓમાં પાણી મુખ્ય છે. (૪) છોડમાં પાણીનું વહન થવાથી તેના વિવિધ ભાગોમાં પોષકતત્ત્વોનું પણ વહન થાય છે. (પ) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પાણી જરૂરી છે. (૬) છોડની ઉત્સવેદનની ક્રિયામાં પણ પાણી વપરાય છે. આ ભેજ (પાણી) વિના છોડનું જીવન જીવંત બની શકતું નથી માટે “ભેજ સંગ્રહ’ એ છોડના સંઘર્ષોને ટાળવા માટેનું એક મહત્વનું પરિબળ છે. સૂકી ખેતી ઉત્પાદનમાં મહત્વનો ફાળો આપતા આધુનિક અભિગમો : પાકના મૂળ વિસ્તારમાં પાણીનો સંગ્રહ વધારવો જરૂરી છે. જમીનમાં પાણીનો વ્યય બાષ્પીભવન ઉપરાંત જમીન પરથી વરસાદનું પાણી નકામું વહી જાય છે. જો જમીનની ભેજ સંગ્રહશક્તિ ઓછી હોય તો ભેજનો સંગ્રહ ઓછો થાય અને પાણી જમીનમાં ઉતરી જાય અને પાકને ઉપયોગમાં આવતું નથી. પાકના મૂળ વિસ્તારમાં પાણીનો સંગ્રહ વધારવા માટે વિવિધ પધ્ધતિઓનું અમલીકરણ કરવું જરૂરી છે

ઊંડી ખેડ: સૂકી ખેતીમાં જમીનની ઊંડી ખેડ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે જેથી જમીન ઉપરથી વહી જતા પાણીનું પ્રમાણ ઘટે છે અને જમીનમાં પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં થાય છે. ઉપરાંત જમીનની ઊંડી ખેડ કરવાથી પાકના મૂળ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરી શકે છે અને પાણીની અછત સામે ટક્કર ઝીલી શકે છે.

ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ કરવી: ખોડથી નાની પાળીઓ બંધાય છે જે વરસાદના વહેતા પાણીની ગતિમાં અવરોધ પેદા કરે છે. પરિણામે જમીનમાં પાણીનો સંગ્રહ વધે છે, જમીનનું ધોવાણ અટકે છે અને પાકને લાંબા સમય સુધી પાણી મળી રહે છે.

ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું: ઢાળની વિરુદ્ધ દિશામાં પાકોનું વાવેતર કરવાથી વરસાદનું વધારેમાં વધારે પાણી જમીનમાં સંગ્રહ થાય છે અને પાકના મૂળને લાંબા સમય સુધી પાણી મળી રહે છે તેમજ જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ૫ થી ૬ ટકા સુધી જો જમીનનો ઢાળ હોય તો “પટ્ટીપાક” પધ્ધતિ વધારે અનુકૂળ પડે છે.

સેન્દ્રિય ખાતરનો વપરાશ: સેન્દ્રિય ખાતર, રેતાળ, ગોરાળુ કે મધ્યમ કાળી જમીનમાં ઘણું જ ઉપયોગી બને છે જે જમીનમાં ઉમેરવાથી જમીનનું બંધારણ સુધરે છે, જમીન પોચી બને છે. હલકી અને રેતાળ જમીનની ભેજધારણ શક્તિ વધે છે જયારે ભારે કાળી જમીનની નિતારશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત સેન્દ્રિય ખાતરના વપરાશથી મુખ્ય અને ગેોણ પોષકતત્ત્વો છોડને લાંબા સમય સુધી મળી રહે છે.

પટ્ટીપાક પધ્ધતિ: પટ્ટીપાક પધ્ધતિમાં જમીનનું ધોવાણ ઘટાડી ન શકે તેવા અને ધોવાણ અવરોધક પાકોને વારાફરતી પટ્ટીના રૂપમાં વાપરવામાં આવે છે. મોટાભાગના ધાન્યપાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ વગેરે જમીનનું ધોવાણ અટકાવતા નથી કારણ કે આ પાકો હારમાં વવાતા પાકો છે, જમીન પર ફેલાતા નથી અને મૂળ જમીનને જકડી રાખતા નથી જ્યારે મોટાભાગના કઠોળ કે ઘાસ વગના પાકો જમીન અવરોધક પાકો છે કારણ કે આ પાકો જમીન ઉપર ફેલાય છે પાકના મૂળ ઊંડે સુધી જમીનમાં ફેલાય છે અને જમીનને જકડી રાખતા હોઈ જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે.

જમીન સમતળ કરવી: ખાડા ટેકરાવાળી જમીન હોય તો વરસાદનું પાણી વહી જાય છે. જે પાણી ઉત્પાદનમાં ઉપયોગમાં આવતું નથી, પરંતુ જમીનનું ધોવાણ થાય છે. જમીન સમતળ કરવાથી જમીન પર પાણીની વહેંચણી એક સરખી રીતે થાય છે અને જમીનમાં પાણી પચતું હોવાથી પાકને લાંબા સમય સુધી મળી રહે છે.

કન્ટર પાળા અને કન્ટર પાક પધ્ધતિ: જમીનનો ઢાળ વધુ અને ખૂબ જ અસ્તવ્યસ્ત હોય ત્યારે યાંત્રિક પધ્ધતિથી કન્ટ્રર પાળા તૈયાર કરી પાકનું વાવેતર કરવું જોઈએ. કન્ટ્રર પાક પધ્ધતિ અપનાવવાથી જમીનનું ધોવાણ અટકે છે અને જમીનમાં ભેજનો સંગ્રહ વધુ પ્રમાણમાં થાય છે જેથી પાકને લાંબા સમય સુધી ભેજ મળી રહે છે.

ટેરેસિંગ (સોપાન ક્ષેત્ર): જ્યાં ઢાળનું પ્રમાણ ઘણું જ વધુ પ્રમાણમાં હોય અને સહેલાઈથી ખેતીકાર્યો થઈ શકે તેમ ન હોય તો આ ટેરેસિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં ઢાળની જમીન કાપીને નાના નાના પ્લેટફોમસ તેયાર કરવામાં આવે છે . આ પ્લેટફોર્મસને સમતળ કરી તેના ઉપર પાકનું વાવેતર કરવામાં આવે છે.

જમીનનો બાંધો સુધારીને: ઉત્તર ગુજરાત વિસ્તારમાં વધુ ગરમીને કારણે જમીનમાં સેન્દ્રિય તત્ત્વોનું પ્રમાણ ઘણું જ ઓછું છે જેના કારણે જમીનની ભેજ સંગ્રહશક્તિ ઘણી જ નબળી છે. જમીનની ભેજ સંગ્રહશક્તિ વધે તે માટે જમીનમાં છાણિયું ખાતર, લીલો પડવાશ કે ખોળ જેવા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી રેતાળ જમીનની ભેજધારણ શક્તિ વધે છે અને કાળી જમીનની નિતારશક્તિ સુધરે છે. ઉપરાંત યોગ્ય વરાપે ખેડ કરવાથી જમીનનો બાંધો સુધારી શકાય છે.

જમીન ઉપર ફેલાય તેવા પાકોનું વાવેતર તથા આવરણનો ઉપયોગ: જમીન ઉપર ફેલાય તેવા પાક જેવા કે કઠોળપાક , મગફળી વગેરે લેવાથી જમીનનું ધોવાણ અટકે છે. વરસાદની તિવ્રતા વધુ હોય ત્યારે વરસાદ સીધો જમીન ઉપર નહીં પડતાં છોડ ઉપર પડે છે જેથી જમીનના રજકણો વરસાદના ટીપાથી છૂટા પડતા નથી અને ધોવાણ ઓછું થાય છે. એટલું જ નહીં આવા પાકો જમીન ઉપરથી વહી જતાં પાણી પણ અટકાવે છે જેથી જમીનમાં પાણી વધુ ખેંચે છે. આ પાકના પાન વગેરે જમીન ઉપર ખરવાથી જમીનમાં સેન્દ્રિય તત્ત્વનો ઉમેરો કરે છે જેથી જમીનની ભેોતિક સ્થિતિમાં સુધારો થાય છે અને ભેજસંગ્રહ શક્તિ વધે છે. આ પાકનું જમીનની સપાટી ઉપર આરછાદન થવાથી બાષ્પીભવનથી નાશ થતા ભેજનો બચાવ કરી શકાય છે. બાષ્પીભવનથી ઉડી જતું પાણી અટકાવવા આર્થિક રીતે પોષાય તેવા આવરણનો પણ ઉપયોગ કરી શકાય. ખેતીવાડીની આડપેદાશ જેવી કે જુવાર-બાજરીના ટૂંટા, ઘઉંનું પરાળ, ડાંગરનું પરાળ, ઘાસ, દિવેલાની ફોતરી, પ્લાસ્ટિકની શીટ વગેરેનો આવરણ તરીકે ઉપયોગ કરી શકાય. આવરણનો ઉપયોગ ચોમાસું પાક કરતા શિયાળુ પાક કે જે ચોમાસામાં પડતર રહેલ જમીનમાં ભેજસંગ્રહ કરી લેવામાં આવે છે તે માટે વધુ અનુકૂળ રહે છે.

વાવણી પધ્ધતિ: સૂકી ખેતી વિસ્તારમાં રાસાયણિક ખાતર ચાસમાં આશરે ૧૦ થી ૧૨ સે.મી. ઊંડે તેમજ બિયારણની નીચે અોરવામાં આવે તથા ખાતર અને બિયારણનું મિશ્રણ કર્યા સિવાય એક ખેતકાર્યમાં જો સીડ કમ ફર્ટિલાઈઝર ડ્રિલથી ઓરવામાં આવે તો આર્થિક રીતે તથા ઉત્પાદનની દૃષ્ટિએ ફાયદાકારક બને છે. આ પધ્ધતિમાં ચાસ બે વખત ખુલ્લા કરવાના નથી અને ઓછા સમયમાં ખેતકાર્ય પુરું કરવાથી જમીનમાંનો ભેજ જળવાઈ રહે છે જે પુરતો ઉગાવો મેળવવા માટે ખૂબ જરૂરી છે. વાવણી જમીનમાં ઢાળની વિરુધ્ધ કરવી જોઈએ.

સમયસર નીંદામણ તથા આાંતરખેડ: નીંદામણ જમીનમાંથી ભેજ, પોષક તત્ત્વો વગેરે બાબતે પાક સાથે હરિફાઈ કરે છે તેથી નીંદામણનો સમયસર નાશ કરવો જરૂરી છે. મજૂરો રોકીને નીંદામણ કરવાનું આર્થિક રીતે ન પરવડી શકે ત્યાં તેમજ જે જમીનની ભેોતિક સ્થિતિ પ્રતિકૂળ હોય, જમીનમાં પાણીનું સ્તર ઊંચું હોય અને જે જમીન ઉપર સખત પોપડી થવાથી વરસાદનું પાણી જમીનમાં હોય તેવા સંજોગોમાં જરૂરીયાત મુજબ આાંતરખેડ કરી નીંદામણનો નાશ કરવો જોઈએ. આાંતરખેડનો મુખ્ય ઉદેશ નીંદામણ નાશ કરવાનો છે એટલે જો નીંદામણનો પ્રશ્ન હોય તો એક થી બે વખત આાંતરખેડ કરવી.

ઉત્સવેદનનો દર ઘટાડવો: છોડના મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ છોડની દેહધાર્મિક ક્રિયાઓમાં થાય છે પરંતુ મોટાભાગનું પાણી પર્ણ છિદ્રો મારફત વરાળરૂપે હવામાં ઉડી જાય છે. છોડના વિકાસમાં ઉત્સવેદનની ક્રિયા જરૂરી છે કારણ કે શોષણ થતું નથી અને પરિણામે છોડનો વિકાસ બંધ થાય છે. પરંતુ સૂકી ખેતી વિસ્તારમાં ઉષ્ણતામાન અને પવનની ગતિ વધુ પ્રમાણમાં હોવાથી મૂળ દ્વારા પાણીનું શોષણ કરવામાં આવે છે. તેના કરતાં ઉત્સવેદન દ્વારા પાણીનો વ્યય વધુ પ્રમાણમાં થાય છે. પાણીની તંગીના ઉત્સવેદનનો દર ઘટે તે માટે નીચે મુજબ પગલાં લેવા જોઈએ.

(ક) છોડના પાન ઓછા કરવા : પાણીની અછત ઉભી થાય તેવા સંજોગોમાં પાક પરના બે ભાગના પાન રહેવા દઈ બાકીના ત્રીજા ભાગના પાન ઓછા કરવાથી ઉત્સવેદનનું પ્રમાણ ઘટે છે અને પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયા સિવાય પુરતું ઉત્પાદન મેળવી શકાય છે.

(ખ) ઉત્સવેદન અવરોધક : ઉત્સવેદનનો દર ઘટાડવા માટે છોડના પાન કે અન્ય ભાગ પર જે પદાર્થનો કે રસાયણનો છટકાવ કરવામાં આવે છે તેને ઉત્સવેદન અવરોધક કહેવામાં આવે છે . દા.ત , ફીનાઈલ મરકયુરીક એસીટેટ અને આલ્કનાલ સક્સીનીડ એસિડ જેવા રસાયણો છોડના પર્ણ છિદ્રોનું નિયમન કરે છે અને ઉત્સવેદનનો દર ઘટાડે છે. ઘણાં પદાર્થો છોડના પાન ઉપર ચીકણું પડ બનાવે છે જેથી વરાળરૂપે પાણીનો વ્યય ઘટાડે છે. આ ઉપરાંત છોડના પાનનું ઉષ્ણતામાન નીચું રહેવાથી ઉત્સવેદનનો દર ઘટે છે.

(ગ) પવન અવરોધક : સૂકી ખેતી વિસ્તારમાં પવનની ગતિ ઝડપી હોય છે જેથી ઉત્સવેદનનો દર વધે છે અને પાણી વપરાશની કાર્યક્ષમતા ઘટે છે. જે દિશામાંથી પવન આવતો હોય તે દિશામાં ખેતરના શેઢા કે પાળા ઉપર પવન અવરોધકો ઉગાડવા જોઈએ / વિકસાવવા જોઈએ. આામ કરવાથી પવનની ગતિનો વેગ ઘટાડી શકાય છે પરિણામે ઉત્સવેદનનો દર ઘટે છે અને પાક ઢળી પડતો નથી. પવનની ગતિને અવરો ધવા તથા બળતણ લાકડું અને ઢોરને માટે ચારો પુરો પાડવા શેવરી, નિલગીરી , શણ, દેશી તેમજ વિલાયતી બાવળ , સુબાબુલ અને દશરથા ઘાસ ઉગાડી શકાય છે. આ ઉપરાંત દેશી બોરડીનો પણ પવન અવરોધક તરીકે ઉપયોગ કરી શકાય છે.

સૂકી ખેતીમાં પાયાના નૂતન અભિગમો

(૧) જળ અને જમીન સંરક્ષણ માટે વોટરશેડનો અભિગમ અપનાવો.

(૨) વધારાના વહી જતા પાણીનો ખેત તલાવડીમાં સંગ્રહ કરવો.

(૩) સમયસરની વાવણી માટે અગાઉથી જમીન તેયાર કરી રાખવી.

(૪) ઢાળની વિરુદ્ધ દિશામાં તમામ ખેતીકાર્યો અને વાવેતર કરવું.

(૫) જમીનમાં ગળતિયું અથવા છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરો ભલામણ મુજબ આપવા.

(૬) મગફળી, બાજરી, જુવાર અને કપાસ જેવા ચોમાસુ પાકો વાવણીલાયક વરસાદ પડે કે તુરત જ વાવી દેવા.

(૭) નીંદામણને ઉગતું જ અટકાવવું.

(૮) એકમ વિસ્તાર દીઠ ભલામણ કરેલ છોડની મહત્તમ સંખ્યા જાળવવી.

(૯) પાક સંરક્ષણના તમામ પગલાં સમયસર અને સમજપૂર્વકના લેવા.

(૧૦) આાંતરપાક પધ્ધતિ અપનાવી, જોખમમાં ઘટાડો કરવો.

(૧૧) સુકી ખેતી વિસ્તાર માટે ભલામણ મુજબ પાક અને પાકની જાતિનો ઉપયોગ કરવો.

અન્ય ચાવીરૂપ ભલામણો

(૧) મગફળીમાં સૂયા બેસતી વખતે ડોડવાના વિકાસ વખતે ભેજની ખેંચ હોય તો પૂરક પાણી આપવું.

(૨) ઉભડી મગફળીમાં જમીનમાં ભેજસંગ્રહ માટે નીકપાળા બનાવવા.

(૩) બિયારણને દવાનો પટ આપવો.

(૪) બાજરી, જુવાર અને મગફળીના પાક માટે સામાન્ય સંજોગોમાં વધુ પડતી ઊંડી ખેડનો ખર્ચ કરવાની જરુર નથી.

(૫) સૂકી ખેતીમાં વધુ જોખમ હોવાથી નાણાંનું ઓછું રોકાણ કરવું પડે તેવી ઓછી ખર્ચાળ પધ્ધતિઓ અપનાવવી જેમ કે તમામ ખેતીકાર્યો સમયસર કરવા, ખાલાં પુરવા, પારવણી કરવી, ખાતરની કાર્યક્ષમતા વધારવી, ખેતર ચોખાં રાખવાં વગેરે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “સુકી ખેતી (Dry farming)”

Comments are closed.