બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૧ (BT Cotton cultivation)

cotton મુખ્ય રોકડીયા પાકોમા કપાસ આગવુ સ્થાન ધરાવે છે અને દેશના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વના જે દેશોમાં કપાસનો પાક લેવામાં આવે છે, તેમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ ( ૧૨૧.૯૧ લાખ હેકટર) ઉગાડવામાં આવે છે, જ્યારે કપાસનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ચીન પછી આપણા દેશનો ઉત્પાદનની દ્રષ્ટિએ બીજો નંબર છે. ગુજરાતમાં કપાસના કુલ વાવેતરના ૮0% વિસ્તારમાં બીટી જાતોનું વાવેતર કરવામાં આવે છે. અત્યારે દેશની ઉત્પાદકતા ૪૮૧.૨૩ કીલો રૂ/હેક્ટર છે જે કપાસ પકવતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે, તે વધારવાની ખાસ જરૂરીયાત છે. ઉત્પાદકતા વધારવા માટે સંશોધન આધારિત ઘણી ખેતી પધ્ધતીઓ કપાસના પાકમાં વિકસાવવામાં આવેલ છે, તે અપનાવવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં ખાસો વધારો થઈ શકે તેમ છે.

જમીનની પસંદગી

કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં કપાસનું વાવેતર કરવામાં આવે છે તે બધા જ વિસ્તારમાં આવી જમીન ન હોવા છતા કપાસનો પાક લેવામાં આવે છે, જેથી ધાર્યું ઉત્પાદન મળતુ નથી.

પ્રાથમિક ખેડ

જમીનને હળથી ઊડી ખેડી ઉનાળામાં તપવા દેવી જોઈએ, જેથી અગાઉના પાકના ઝડીયા, ઘાસ વગેરે સુર્યના તાપથી સુકાઈ જશે અને પાકના અવશેષો સાથે રહેલ રોગ અને જીવાત સૂર્યના તાપમા ખુલ્લા થવાથી નાશ પામશે. આમ, ઉનાળામા ઊડી ખેડ કરવાથી જમીનમાં વરસાદના પાણી તેમજ ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. જેથી જ્યારે કપાસનું વાવેતર કરવામાં આવશે ત્યારે બીજનો ઉગાવો સારો થશે અને ખેતરમાં ઘામાનું પ્રમાણ ઓછુ રહેવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહેવાથી કપાસનું ઉત્પાદન સારૂ મેળવી શકાશે.

જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને જમીનમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય તેવી જમીનમાં ઢાળીયા પાળી બનાવી પાળી ઉપર કપાસના બીજની વાવણી કરવાથી બીજનો ઉગાવો સારો થશે અને બીજ કોહવાઈ જતા અટકે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષે ટ્રેકટરથી જમીનને ઊડી ખેડવાથી કાયમી, હઠીલા નિંદણનો નાશ થશે અને ઉપદ્રવ ઓછો થવાથી પાકનો વિકાસ સારો થશે.

જાતની પસંદગી

કપાસનું ઉત્પાદન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પાક ઉત્પાદન પર અસર કરતા પરિબળોમાં બિયારણની યોગ્ય પસંદગી ઉપર ઉત્પાદનનો મુખ્ય આધાર રહેલો છે. ગુજરાતમાં વવાતા કપાસના ૮૦% કરતાં વધુ વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે અન્ય વિસ્તારમાં કે જ્યાં ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાઈ રહે છે અથવા જમીનના પ્રશ્નો છે, તેવા વિસ્તારમાં જ હવે દેશી કપાસનું વાવેતર થાય છે.

સારૂ, શુધ્ધ અને પ્રમાણિત બીજની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. બીટી કપાસની લગભગ ૫૦૦ કરતા વધુ જાતોને ભારત સરકારા દ્વારા ગુજરાત રાજ્યમાં વાવેતર માટે માન્યતા મળેલ છે, તેમાંથી યોગ્ય જાતને પસંદ કરી બિયારણની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ.ખાસ કરીને ડબલ જીન (બીજી-૨) વાળી જાતો પસંદ કરવી જોઈએ જેથી કપસની ચારેય અગત્યની ઈયળો સમે રક્ષણ મળે. વર્ષ-૨૦૧૨માં ભારત સરકારે માન્ય કરેલા જાહેર ક્ષેત્રની પ્રથમ બીટી જાતો ગુ.કપાસ સંકર-૬ (બીજી-૨) તથા ગુ. કપાસ સંકર-૮ (બીજી-૨) ખુબ જ અનુકુળ માલુમ પડેલ છે. કપાસની બીટી જાતોના બિયારણના ભાવ ઘણા ઊંચા હોવાથી પોતાની જમીન, વાતાવરણ અને પિયતની સગવડતા પ્રમાણે બિયારણની પસંદગી કરવી જરૂરી છે.

વાવણીનો સમય

કપાસનાં વાવેતર માટે વાવણીનો સમય ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વાવેતર શકય એટલુ વહેલુ, એટલે કે મે માસનાં છેલ્લાં પખવાડિયામાં કરવાથી ચોમાસાનો વરસાદ થાય તે પહેલા પાકનો ઉગાવો વ્યવસ્થિત થઈ જવાથી વરસાદ થયા બાદ પાકનો વિકાસ સારી થશે અને તંદુરસ્ત છોડનો વિકાસ સારો થવાથી પાકમાં ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધે છે, જેથી કપાસનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરતજ જુન માસના અંતમા અથવા જુલાઇ માસની શરુઆતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે.

કપાસનુ આગોતરુ વાવેતર

પિયતની સગવડતા હોય ત્યાં મે મહિનાના અંત થી જુન મહિનામાં પિયત આપી કપાસનુ વાવેતર કરવાથી કપાસ લીધા પછી શિયાળુ ઋતુમાં બીજો પાક લઇ શકાય છે. કપાસનાં પાકમાં રોગ અને જીવાતનુ પ્રમાણ પણ ઓછુ રહેવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. વળી કપાસનાં પાક પર હિમની માઠી અસર થતી હોય, જે વિસ્તારમાં ઠંડી વધુ પડતી હોય ત્યાં કપાસનું વાવેતર વહેલુ કરવાથી શિયાળામાં હિમથી થતાં નુકસાનથી પાકને બચાવી શકાય.

બીજનું પ્રમાણ અને વાવણી અંતર

કપાસના ઉત્પાદનમાં વાવેતર અંતર (બે છોડ અને બે હાર વચ્ચે) ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, તે માટે હેકટર દીઠ ભલામણ કરેલ બીજનું પ્રમાણ જાળવવુ ખૂબ જ જરૂરી છે. બીજનુ પ્રમાણ અને વાવણી અંતર નીચેની બાબતો પર આધાર રાખે છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતી અને પસંદ કરેલ જાતની વૃધ્ધિ વગેરે પર આધાર રહે છે. પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃધ્ધિ વધુ હોય તો વાવણી અંતર ઓછી વૃધ્ધિ પામતી જાતો કરતાં વધુ રાખવુ જોઇએ, કે જેથી છોડને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે તથા છોડને પુરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે હરીફાઇ ઓછી થવાથી છોડની ઉચાઇનું નિયમન થઇ શકે અને ખેતી કાર્યો કરવામાં પણ અનુકુળતા રહેવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. સંશોધનના પરિણામ સ્વરૂપે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બીટી કપાસની ફરતે ૨૦% અથવા પાંચ લાઈનો બે માંથી જે વધુ હોય તે પ્રમાણે જે તે જાતોની નોન બીટીનું અથવા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નક્કી કરેલા અન્ય પાકનું પણ વાવેતેર કરવું જરૂરી છે. આ લાઈનો સંરક્ષણ પટ્ટી તરીકેનું કામ કરે છે.

બીજ માવજત

કપાસનાં બીજનો ઉગાવો સારો થાય અને શરુઆતથી જ ઉગાવા બાદ ચુસિયા પ્રકારની જીવાતોથી છોડને રક્ષણ મળી રહે તે માટે કપાસનાં બીજને વાવતાં પહેલાં એક કીલોગ્રામ બીજ દીઠ ઇમીડા ક્લોપ્રિડ ૧૦ ગ્રામ અથવા કાર્બોસલ્ફાન ૧૦ ગ્રામ અથવા એસિટામિપ્રિડ ૨૦ ગ્રામ અથવા થાઇમીથોક્ઝિામ ૨.૮ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી જોઇએ, જેથી કપાસના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આ ઉપરાંત કપાસના પાકમા રાસાયણિક ખાતરનો બચાવ થઈ શકે તે માટે એઝોટોબેક્ટર તથા ફોસ્ફેટ કલ્યારનો બીજને પટ આપીને વાવેતર કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પ્રદૂષણનો પ્રશ્ન મહદ અંશે ઘટવાથી પર્યાવરણને થતી અસર ઓછી કરી શકાય છે.

વાવણીની રીત

સંકર કપાસ અને તેમાય બીટી કપાસની જાતોના બિયારણની કિંમત ઘણી વધારે હોવાથી બીજને યોગ્ય અંતરે થાણીને વાવેતર કરવાથી બિયારણની જરૂરીયાત ઓછી રહે છે અને થાણીને બીજનું વાવેતર કરવાથી બીજનો ઉગાવો સારો થાય છે. કપાસના બીજની જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪-૬ સેમી ઊંડાઈએ વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે અને ઘામાનું પ્રમાણ ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાઈ રહેવાથી સરવાળે સારૂ ઉત્પાદન મળે છે.

કપાસની પારવણી

કપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.

ખાતર વ્યવસ્થા

કપાસને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.

કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.

બીટી કપાસની ખેતી વિશે બાકીની માહિતી ભાગ ૨  અને ભાગ ૩ માં આપવામાં આવશે..

સંદ્રભ – નવસારી ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

1 thought on “બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૧ (BT Cotton cultivation)”

Comments are closed.