રીંગણની ખેતી (Brinjal Farming)

Brinjal

રીંગણ એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ઘરાવતો અગત્યનો પાક છે. રીંગણમાંથી પોષણ માટે જરૂરી એવા બધા પોષકતત્વો મળી રહે છે. મનુષ્યની દરરોજની શાકભાજીની જરૂરિયાતોમાં રીંગણનો ફાળો વઘારી શકાય તે માટે તેનું એકમ વિસ્તારમાંથી ઉત્પાદન વધારવાની ખાસ જરૂરિયાત છે. એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે રીંગણની આધુનિક ખેતી પદ્ધતિના (Brinjal farming) વિવિધ પાસાઓની પૂરતી જાણકારી મેળવવી જરૂરી છે.

આબોહવા

ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર દરેક ઋતુ દરમ્યાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે જેથી શિયાળા દરમ્યાન ફેરરોપણી કરવામાં આવે તો વૃદ્ધિ ઝડપથી થતી નથી પરંતુ ફલ બેસવા માટે અને ફળની વૃદ્ધિ માટે ઠંડી અને સૂકી આબોહવા વધુ માફક આવે છે. વાદળવાળું હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતો નથી. ચોમાસા દરમ્યાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનની પસંદગી કરવી.

જમીનની તેયારી

રીંગણના પાકની રોપણી માટે જમીનની જરૂરિયાત મુજબ ખેડ, કરબ અને સમાર મારી તૈયાર કરવી. પાયાના ખાતરો જમીન તૈયાર કરતી વખતે એકસરખી રીતે જ મીનમાં ભેળવી દેવા. જમીનના ઢાળ, પ્રકાર અને પિયતને અનુકૂળ જરૂરી માપના ક્યારાઓ બનાવવા.

સુધારેલી જાતો

રીંગણના ઉપયોગને ધ્યાનમાં લઈને જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી જાતોની ભલામણ કરવામાં આવેલ છે. રાજ્યમાં વિસ્તાર પ્રમાણે જોઈએ તો મધ્ય ગુજરાત વિસ્તાર માટે ડોલી-પ (નાના અને થોડા લાંબા) તેમજ ગુજરાત સંકર રીંગણ-૧ (નાના અને થોડા લાંબા), દક્ષિણ ગુજરાતનાં વિસ્તાર માટે સુરતી રવૈયા (ગોળ રીંગણ), સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પી.એલ.આર.-૧, (નાના અને ગાળ) જાતોની ભલામણ કરવમાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત લાંબા રીંગણ – ૧ કે જેના ફળો આછા ગુલાબી રંગના હોય છે તેની ભલામણ વર્ષ ૨૦૦૩ દરમ્યાન કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૫ દરમ્યાન ગુજરાત લંબગોળ રીંગણ-૧ કે જેના ફળો માટે, કાળા અને ચળકાટ ઘરાવતા, લંબગોળ અને ખૂબ જ આકર્ષક છે. તેની ભલામણ કરવામાં આવેલ છે. આથી શાક તેમજ ભડથુ(ઓોળો) બનાવવા માટે અનુકૂળ છે.

ધરૂઉછેર

ઘરૂવાડિયા માટે પાણી ભરાઈ રહેતું ન હોય અને નીંદામણનો ઉપદ્રવ ઓછો હોય તેવી જમીન પસંદ કરવી. ઘરૂવાડિયા માટે ગાદી ક્યારા બનાવવા. રીંગણનું તંદુરસ્ત ઘરૂ એક હેક્ટરના વિસ્તારમાં રોપણી કરવા માટે ૪૦૦ થી ૫૦૦ ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. બીજને વાવેતર કરતા પહેલા પારાયુક્ત દવાનો પટ એક કિ.ગ્રા. બીજ માં ૩ ગ્રામ પ્રમાણે આપવો. ઘરૂવાડિયામાં જરૂરિયાત મુજબ પાણી ઝારા વડે આપવું અને જરૂર જણાય ત્યારે નીંદામણ, રોગ અને જીવાતનું નિયંત્રણ સમયસર કરવું. ઉનાળામાં રોપણી કરવાની હોય તો જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના દરમ્યાન ઘરૂ તૈયાર કરવું.

વાવણી અંતર અને ફેરરોપણી

ફેરરોપણી માટે તૈયાર કરેલ ખેતરમાં રીંગણની જાત, જમીનની ફળદ્રુપતા અને સીઝનને ધ્યાનમાં રાખીને ૩૦ થી ૩૫ દિવસના ઘરૂને ૯૦ સે.મી.x ૬૦ સે.મી. અથવા ૯૦ સે.મી.x૭૫ સે.મી.ના અંતરે જીસલી ખેંચીને દરેક થાણે એક છોડની રોપણી કરવી, ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં લેવામાં આવતા ગોળ રીંગણના પાકમાં વધુ ઉત્પાદન માટે જાતો સુરતી રવૈયા અથવા મોરબી-૪-ર માટે ૯૦ સે.મી.x૭૫ સે.મી.ના અંતરે રોપણી કરવાની ભલામણ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં રીંગણની જાત પી.એલ.આર.-૧ ની ફેરરોપણી ૪૦સે. મી. x૪૦ સે.મી.ના અંતરે કરવાની ભલામણ છે. ઘરૂ ૩૦-૩૫ દિવસનું થાય ત્યારે ફેરરોપણી કરવી. સામાન્ય રીતે ચોમાસું પાકની ફેરરોપણી જુલાઈ માસમાં, શિયાળુ પાકની અૉક્ટોબર-નવેમ્બર અને ઉનાળુ પાકની ફેરરોપણી ફેબ્રુઆરી-માર્ચ માસમાં કરવામાં આવે છે.

ખાતર

જમીન તૈયાર કરતી વખેત હેક્ટર દીઠ ૧૫-૨૦ ટન સારૂં કહોવાયેલું છાણિયું ખાતર આપવું. પાયાના ખાતર તરીકે રોપણી પહેલા જમીન તૈયારી ના સમયે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરો દરેક પ0 કિ.ગ્રા. પ્રમાણે હેક્ટર વિસ્તારમાં આપવા. પૂર્તિ ખાતર તરીકે રીંગણના પાકમાં ફૂલ આવવાના શરૂ થાય તે સમયે ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હેક્ટર દીઠ આપવો. ગુજરાત સંકર રીંગણ-૧ માં ૨૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હેક્ટરે આપવાથી ઉત્પાદન વઘારી શકાય છે. ઉત્તર ગુજરાતમાં રીંગણની જાતો (સુરતી રવૈયા અથવા મોરબી-૪-૨)માં વધુ ઉત્પાદન મેળવવા માટે પાકને નાઈટ્રોજન અને ફોસ્ફરસ દરેક પ૦ કિ.ગ્રા. પાયાના ખાતર તરીકે હેક્ટર દીઠ અને ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન હેક્ટર દીઠ બે વખત (એક ફેરરોપણીના ૨૧ દિવસ પછી અને બીજો ફૂલ આવવાના સમયે) આપવાની ભલાણમ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં રીંગણની જાત પી.એલ. આર.૧ ના વાવેતર માટે પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ અને પોટાશ દરેક ૩૭.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે.

પિયત

રીંગણના પાકને ચોમાસા દરમ્યાન હવામાન, વરસાદની પરિસ્થિતિ, જમીનની જાત અને પાકની વૃદ્ધિના સમયને ધ્યાનમાં રાખીને પિયત આપતા રહેવું. મધ્ય ગુજરાતમાં રીંગણમાં પિયત માટે ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી ૨૪% પાણીનો બચાવ કરી શકાય છે. ટપક સિંચાઈ પદ્ધતિની ગેરહાજરીમાં સપાટી પરનું પિયત ૬ સે.મીના ઊંડાઈએ આપવાની ભલામણ છે. મધ્ય ગુજરાતની કાળી જમીનમાં રીંગણના પાકને મ૯ચીંગ સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાની ભલામણ છે જેથી ૪૦% પાણીના બચાવ સાથે, હેક્ટર દીઠ ૩૫% ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. મધ્ય ગુજરાતની નર્મદા કમાન્ડ વિસ્તારની કાળી જમીનમાં વાવવામાં આવતા રીંગણના પાકને ૧૨ પિયત આપવાની ભલામણ છે (૮૦સે. મી. ઊંડાઈ). પહેલું પિયત ફેરરોપણી વખતે, પછીના ત્રણ પિયત ૧૦-૧૨ દિવસના અંતરે, પછીના પાનું પિયત ૧૫-૧૭ દિવસના અંતરે અને છેલ્લા ૩ પિયત ૨૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે. દક્ષિણ ગુજરાતમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં લેવામાં આવતી સુરતી રવૈયાની મોસમને ૭ પિયત આપવાની ભલામણ છે સાથે સાથે કાળા પ્લાસ્ટિકના (પ૦ માઈક્રોન, ૧૦૦% આવરીત વિસ્તાર) મલ્યિોગની ભલામણ છે.

નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્રમાં શિયાળું રીંગણના પાકની જાત ગુજ રાત રીંગણ લાંબા-૧માં બીજ સ્કૂરણ પહેલા ૦.૫ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની અને એક હાથ નીંદામણ ફેરરોપણીના ૩૦ દિવસ પછી કરવાની ભલામણ છે જેથી કરીને અસરકારક નીંદણ નિયંત્રણની સાથે વધારે ઉત્પાદન અને વળતર મળી રહે છે.

પાક સંરક્ષણ

સ્વમાન્ય રીતે રીંગણમાં મુખ્યત્વે ડૂખ અને ફળ કોરી ખાનાર ઈયળ, તડતડીયા, સફેદ માખી અને પાનકથીરી જેવી જીવાતોનું નુકશાન જોવા મળે છે જેના નિયંત્રણ માટે ભલામણ કરેલ સંકલિત કીટ નિયંત્રણની પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. આ ઉપરાંત રીંગણમાં ઘરૂનો કહોવારો તેમજ ઘટ્ટીયા પાન (નાના પાન)નો રોગ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતોનો ફેરરોપણીમાં ઉપયોગ કરવો જોઈએ.

વીણી અને ગ્રેડિંગ

રીંગણની જાત પ્રમાણે ફળોના કદ અને રંગને ધ્યાનમાં રાખીને વીણી કરવી. વીણી કર્યા બાદ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત રીંગણ ઉતારવા જોઈએ. બજારમાં લઈ જતા પહેલાં, વીણી કેરલા ફળો સાફ કરવા, ગ્રેડિંગ કવું, રોગ અને જીવાતથી નુકશાન પામેલા ફળો દૂર કરવા અને વ્યવસ્થિત પેકિંગ કરવાથી સારા બજારભાવ મળી રહે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.

2 thoughts on “રીંગણની ખેતી (Brinjal Farming)”

Comments are closed.