ટ્રેકટરની (tractor) ખરીદી કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો

ખેતીમાં વિવધ પ્રકારના ખેત કાર્યો સમયસર કરવા ખૂબ જ જરૂરી હોય છે. માનવ અને પશુબળથી ચાલતા ખેતયત્રોની કેટલીક મર્યાદાઓને કારણે આજના સમયમાં ટ્રેકટરનો (tractor) જ પ્રકારના ખેતકાર્યો કરવામાં મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. ટ્રેકટરના પીટીઓ શાફટ અને થ્રી-પોઈન્ટ હિંચની મદદથી બધા જ પ્રકારના ખેતકાર્યો કરવા માટે જુદા જુદા યંત્રો જેવા કે પ્લાઉ, હેરો, રોટાવેટર, બીજ અને ખાતરનો વાવણીયો, વીડર, રીપર, શ્રેશર, વીનોવર, કલીનર કમ ગ્રેડર વગેરે સરળતાથી ચલાવી શકાય છે. ટ્રેકટરની હાઈડ્રોલિક સીસ્ટમથી યંત્રોને જરૂરિયાત મુજબ ઊંચાનીચા પણ કરી શકાય છે. આમ ટ્રેકટર એ ખેતરના મુખ્ય પાવરસોર્સ ઉપરાંત મોટા ભાગના ખેતકાર્યો કરવા ખુબ જ લોકપ્રિય બની રહેલ છે.

ટ્રેકટરની પસંદગી

ભારતમાં ૨૦ થી વધુ ટ્રેકટર ઉત્પાદકો રપ થી ૭૫ હોર્સપાવરની રેન્જમાં ૧૦૦ થી વધુ મોડેલો બનાવે છે. આમ વિવિધ ઉત્પાદકો, મોડેલો, માર્કેટિંગ પદ્ધતિઓના કારણે ટ્રેકટરની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. સામાન્ય રીતે ખેડૂતો ટ્રેકટર પસંદગીના યોગ્ય માપદંડોને ધ્યાનમાં લીધા વિના પોતાના ખેતરની જરૂરિયાત કરતાં ઊંચા કે નીચા હોર્સપાવરના ટ્રેકટરોની પસંદગી કરે છે. જો ઊંચા હોર્સપાવરના ટ્રેકટરની પસંદગી કરે તો વધુ મૂડીનું રોકાણ થાય, તેનું વ્યાજ પણ વધુ આવે તેથી ખેડૂતે આર્થિક નુકસાનની ભોગવવી પડે છે અને જો નીચા હોર્સપાવરના ટ્રેકટરની પસંદગી કરે તો ખેતકાર્યો સમયસર ના થાય, વધારે સમય લાગે અને તેથી પાક ઉત્પાદન પર તેની વિપરીત અસર પડવાથી ખેડૂતને આર્થિક નુકસાન જાય. આમ, ટ્રેકટરની યોગ્ય રીતે પસંદગી કરવાથી ખેડૂતો બધા જ ખેતકાર્યો ઓછા સમયમાં, ઓછા ઉત્પાદન ખર્ચથી કરી શકે અને આર્થિક નુકસાનીમાંથી બચી શકે છે

ટ્રેકટરની પસંદગી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

  • જો વર્ષમાં એક જ પાક લેવામાં આવતો હોય, તો જરૂરી પાવરની ગણતરી કરવા ૦.૫ હોર્સપાવર પ્રતિ હેકટર લેવું અને બે કે બેથી વધુ પાક લેવામાં આવતા હોય તો એક હોર્સપાવર પ્રતિ હેકટર ગણતરીમાં લેવું જોઈએ.
  • જમીનના પ્રકાર મુજબ ટ્રેકટરની સાઈઝ નક્કી કરવી જોઈએ કારણ કે જમીનના જુદા જુદા પ્રકાર મુજબ ખેડ સામેનો જમીનનો અવરોધ પણ જુદો જુદો હોય છે.
  • જો રેતાળ જમીન હોય, તો વહીલ બેજ (આગલા વ્હીલ અને પાછલા વ્હીલ વચ્ચેનું અંતર) ઓછું હોય ગ્રાઉન્ડ કલીયરન્સ (ટ્રેકટરના સૌથી નીચેના ભાગ અને જમીનની ઉપરની સપાટી વચ્ચેનું અંતર) વધુ હોય તથા વજન ઓછું હોય તેવું ટ્રેકટર પસંદ કરવું જોઈએ.
  • જો જમીન ભારે માટીયાળ હોય, તો વહીલ બેજ વધુ હોય, ગ્રાઉન્ડ કલીયરન્સ ઓછું હોય તથા વજન વધુ હોય તેવું ટ્રેકટર પસંદ કરવું જોઈએ.
  • ટ્રેકટરની મુળ ખરીદ કિંમત ઓછી હોય અને રીસેલ વેલ્યુ વધુ મળે તે ખરીદતી વખતે અચૂક જોવું જોઈએ.
  • નજીકમાં સર્વિસ અને રીપેરીંગની સગવડતા મળી શકે તેવા ટ્રેકટર ઉત્પાદકોને અગ્રિમતા આપવી જોઈએ.
  • વિસ્તારની આબોહવા મુજબ એટલે કે ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં વોટરકૂલ્ડ એન્જન અને ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં એરકૂલ્ડ એન્જન ટાઈપના ટ્રેકટરની પસંદગી કરવી જોઈએ.
  • કેન્દ્રિય ટ્રેકટર અને ટ્રેનિંગ સેટર, બુધની (મ.પ્ર.) ના ટેસ્ટ રીપોર્ટનો ગહન અભ્યાસ કરી તેના દર્શાવેલ માપદંડ મુજબ ટ્રેકટરની પસંદગી કરવી જોઈએ.
  • ટ્રેકટરના ઉપયોગ ખર્ચ (રનિંગ કોસ્ટ)માં ઈધણ વપરાશ પ્રતિ એકર અથવા હેકટર, ઓઈલ વપરાશ તથા રીપેર મેઈન્ટેનન્સ ખર્ચ ટ્રેકટરની પસંદગી વખતે ધ્યાનમાં લેવા જોઈએ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.