ઉનાળુ શાકભાજીની ખેતી (summer vegetable crop)

ઉનાળુ, શાકભાજીની ખેતી (summer vegetable crop) વરસાદઆધારીત ન હોવાથી ચોમાસુ શાકભાજી કરતા વધારે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત રોગ-જીવાત ઓછા પ્રમાણમાં આવે છે જેથી પાકસરક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. વધુમાં ગુણવત્તા એકસરખી અને સારી તેમજ બજારભાવ પણ સારા મળી રહે છે. તેથી ઉનાળુ શાકભાજીની ખેતી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ કરવી જોઈએ. ઉનાળામાં મુખ્યત્વે ભીંડા, ગુવાર, ચોળી, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે

ભીંડા

ઉનાળુ ભીંડા માટે ભલામણ કરેલ જાતો

ઉનાળુ ભીંડીના પાકોમાં પચરંગીયા રોગનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે એટલે પચરંગીયા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ગુજરાત જુનાગઢ ભીંડા – 3, ગુજરાત હાઈબ્રીડ ભીંડા – 2, હિસાર ઉન્નત, અરકા અનામિકા તેમજ પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીના હાઇબ્રીડ જાતો વાવેતર માટે પસંદ  કરવી જોઈએ. ઉપરાંત આ રોગનો ફેલાવો કરતી જીવાતના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા થાયોમિથોકઝામ 5 ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ 5 ગ્રામ પ્રતિ કિલો બીજદીઠ માવજત આપવી તેમજ પાક જ્યારે 40, 55 અને 70 દિવસનો થાય ત્યારે 10 ગામ એ સીફટ, ૭-૧૦ ગ્રામ થાયોમિથેકઝામ અથવા 10 મિ.લિ. ઇમીડાકલોપ્રિડ 10 લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો જોઈએ.

ઉનાળુ ભીંડામાં આવતી કથીરી (માઇટ) નું નિયંત્રણ

ઉનાળ ભીંડામાં આવતી કથીરીના અસરકારક નિયંત્રણ માટે ફેનIઝાકવીન (10 મિલિ) અથવા ડાયફેન્થીયુરોન (10 મિલિ) દવા 10 લિટર પાણીમાં ભેળવી પ્રથમ છટકાવ ઉપદ્રવ જોવા મળતા અને બીજો છટકાવ 10 દિવસના સમયગાળે કરવો.

ઉનાળુ ઋતુમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ભીંડાનું વાવેતર

ઉનાળુ ભીંડાનું ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરવાથી ઉત્પાદનમાં ૨૬ ટકા અને ચોખ્ખી આવકમાં 11 ટકાનો વધારો જોવા મળેલ છે. જેમાં 60 સે.મી. X 60 સે.મી. ના અંતરે ભીંડાનું વાવેતર કરવું જોઈએ. લેટરલ અને ડીપરનું અંતર પણ 60 સે.મી. રાખવું. ડ્રીપર ડીસચાર્જ 4 લિટર / કલાક રાખવો અને એકાંતરે દિવસે 1 કલાક અને 45 મિનિટ ટપક સિંચાઈ ચાલુ રાખવી જોઈએ.

ચોળી

ઉનાળુ શાકભાજી ચોળીના વાવેતર માટે ગુજરાત ચોળી-3, 3, પુસા કોમળ, આણંદ શાકભાજી ચોળી-1, અરકા ગરિમા જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. જેમાં પાયાના ખાતર તરીકે 25 કિગ્રા નાઇટ્રોજન અને 50 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો જોઈએ અને વધુમાં વધુ 9 પિયતની જરૂરીયાત પડે છે. જ્યારે શીંગ કોરી ખાનાર ઈયળ અને તડતડીયાના નિયંત્રણ માટે ઈન્ડોકઝાકાબં 10 મિલિ અથવા થાયોમીથોકઝામ 10 ગ્રામ/10 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છટકાવ કરવા જોઈએ.

ગુવાર

ઉનાળુ શાકભાજીના ગુવાર માટે પુસા નવબહાર જાત વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. જેમાં પાયાના ખાતર તરીકે 20 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો જોઈએ અને બે હાર વચ્ચે 45 સે.મી. અને બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી. અંતર રાખી વાવેતર કરવું જોઈએ. ઉપરાંત ગુવારમાં આવતા ભૂકીછારાના રોગના અસરકારક નિયંત્રણ માટે ડીનો કેપ અથવા કાર્બેન્ડાઝીમ 0.025 ટકાના બે થી ત્રણ છટકાવ 10 થી 12 દિવસના અંતરે કરવા જોઈએ.

વેલાવાળા શાકભાજી

ઉનાળુ ઋતુમાં વેલાવાળા શાકભાજીનું વાવેતર મલ્ચ સાથે ટપક સિંચાઈ પદ્ધતિથી કરવાથી વધારે ગુણવત્તાવાળા ઉત્પાદન સાથે પાણીની પણ બચત કરી શકાય છે. ઉપરાંત વેલાવાળા શાકભાજીનું મંડપ પધ્ધતિથી વાવેતર કરવાથી ઉત્તમ ગુણવત્તાવાળા ફળ મળે છે, ફળની લંબાઈ વધે છે, ફળ ઉતારવામાં, પિયત, નીંદામણ તેમજ દવા છંટકાવ જેવા કાર્યોમાં ખૂબ જ સરળતા રહે છે, રોગ-જીવાત ઓછા આવે છે અને ઉત્પાદન વધારે મળે છે. વેલાવાળા શાકભાજીમાં આવતા ભૂકીછારાના રોગના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર 0.2 ટકા (20 ગ્રામ) અથવા ડીનોકેપ 0.025 ટકાના (5 ગ્રામ) 15 દિવસના અંતરે બે છટકાવ કરવાથી સારી રીતે નિયંત્રણ કરી શકાય છે તેમજ તળછારાના રોગના નિયંત્રણ માટે મેનકોઝેબ અથવા કેપ્ટાફોલ 0.2 ટકાના 12 થી 15 દિવસના અંતરે ત્રણ થી ચાર છટકાવ કરવાથી સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. વેલાવાળા શાકભાજીમાં આવતી ફળમાખીના અસરકારક નિયંત્રણ માટે 1 લિટર પાણીમાં 50 ગ્રામ ગોળ અને 0.05 ટકા મેલાથીયોન અથવા મિથાઇલ પેરાથીયોન અથવા 0.07 ટકા ડીડીવીપીનું મિશ્રણ કરી 15 દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા જોઈએ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.