શ્રી પધ્ધતિથી ડાંગરનું વધુ ઉત્પાદન

peddyખેડુતમિત્રો, સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચોખા જલજ વનસ્પતિ છે અને સ્થગિત પાણીમાં ઉગે છે. ચોખા જલજ વનસ્પતિ નથી. તે પાણીમાં ટકે છે, પરંતુ પ્રાણવાયુના ઘટેલા પ્રમાણમાં વૃદ્ધિ પામે નહીં. સ્થગિત પાણીમાં ડાંગરનો છોડ તેના મૂળીયામાં વાયુ કોટરો (એરેન્કીમા ટીશ્યુ) વિકસાવવા તેની ઘણી ઉર્જા વાપરે છે. છોડને ફુલ આવે તે પછી વનસ્પતિના મૂળની ટોચોનો લગભગ 70 ટકા હિસ્સો નાશ પામે છે.

સીસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેસીફીકેશન (એસ. આર. આઇ. અથવા શ્રી પધ્ધતિ) નામની આ સુધારેલ ખેતી પધ્ધતિથી ઓછા ખર્ચે ડાંગરનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. શ્રી પધ્ધતિથ હેઠળ ડાંગરના ખેતરો પાણીથી ભરી દેવામાં આવતા નથી, પરંતુ વનસ્પતિના વૃદ્ધિ કાળમાં તેને ભેજ હેઠળ રાખવામાં આવે છે. ડાંગરની સિંચાઈથી થતી ખેતીમાં સામાન્યપણે વપરાતા પાણી કરતા અડધા ભાગનું જ પાણી શ્રીમાં જોઇએ. હાલ દુનિયાભરમાં લગભગ એક લાખ ખેડુતો આ પદ્ધતિને અજમાવી રહ્યા છે. આ પધ્ધતિ મેડાગાસ્કર નામના દેશમાં વિકસાવવામાં આવી હતી જે હવે દુનિયાના ડાંગર પકવતા મોટા ભાગના દેશોમાં અપનાવવામાં આવી રહી છે. આપણા દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં એસ.આર.આઇ પધ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પધ્ધતિથી બિયારણ, પાણી, ખાતર અને મજુરીનો ઓછો ઉપયોગ થાય છે સાથે સાથે 20-25 ટકા વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે.

  1. 10 લિટર પાણીમાં 100 ગ્રામ મીઠું ઓગાળીને આ પાણીમાં બિયારણ નાખવા. હલકું બિયારણ જે પાણીની ઉપર તરતું હોય એને કાઢી નાખવું અને બાકીનુ બિયારણ ઉપયોગમાં લેવું.
  2. બિયારણને ફણગાવવા માટે ભીની ટાટ પટ્ટીમાં ત્રણ દિવસ માટે બિયારણ મુકવું અને પુરતુ ભેજ જાળવવું. ત્રીજે દિવસે બિયારણ ફણગી જાય ત્યારે બિયારણને નર્સરીમાં વાવીને ધરુ તૈયાર કરવું.
  3. નર્સરી બનાવવા માટે તાડપત્રી અથવા પ્લાસ્ટીક કાપડ઼નો ઉપયોગ કરવો. તાડપત્રી પર 70% માટી, 20% છાણીયુ/ઓર્ગેનીક ખાતર, 10% કમ્પોસ્ટ ખાતરનું મિશ્રણ પથરાવીને તે પછી ઉપર ફણવાવેલા બીયારણ પાથરવું અને માટીના મિશ્રણથી ઢાંકી દેવું. ધરુ10 દિવસનું થાય ત્યારે ખેતરમાં રોપણી કરવી.
  4. આ પધ્ધતિમાં ધરુની રોપણી પોહ્તા પાટલે વર્ગાકાર પધ્ધતિ (30X30 સે.મી. અથવા 40X40 સે.મી.) એક જ્ગ્યામાં એકજ છોડ રોપીને કરવામાં આવે છે.
  5. જમીનનું લેવલિંગ કાળજીપૂર્વક થવું જોઇએ, જેથી પાણી સરખી રીતે આપી શકાય.. ખેતરમાં રોપણીના 2 દિવસ પહેલા પાણી આપવું. રોપણી વખતે ખેતરમાં પાણી ભરાયેલું હોવું જરૂરી નથી. વાવણી પછી પાણી આપવું.
  6. બે પિયતના ગાળા વચ્ચે જ્મીન પર તિરાડો પાડવી જરૂરી છે જેથી વાયુનું પ્રસરણ સારું થાય અને છોડના મુળા ઉંડા બેસે અને છોડનો વિકાસ સારો થાય. જરૂર પ્રમાણે 5-6 પિયત આપવા.
  7. પાક 45 દિવસનો થાય ત્યારે પુરતી ખાતર આપવું.
  8. પહેલા અને બીજા પિયતના ગાળા વચ્ચે હારોની વચ્ચે વીડર ફેરવીને જમીનમાંથી નિંદામણ દૂર કરો.
  9. આ પધ્ધતિમા ખેતરમાં સતત પાણી ભરાયેલ રાખવાની જરૂર નથી જેથી કરીને 40%-50% પાણીની બચત થાય છે સાથે સાથે હેક્ટેર દિઠ 60 થી 100 ક્વિંટલ ઉતારો મળે છે.

લેખક

ડો. એસ. એન. ગોયલ

મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.