નફાકારક ખેતી માટે જમીનનું યોગ્ય વ્યવસ્થાપન ખૂબ જ આવશ્યક છે. જમીનની પરિસ્થિતિનો આધાર જમીનના ભૌતિક ગુણધર્મો જેમ કે પોત, જમીનનો બાંધો, પ્રત, નિતાર વગેરે છોડની વૃદ્ધિ માટે ભેજનો સંગ્રહ, હવાની અવર જવર, ઉષ્ણતામાન, પોષકતત્વોની હેરફેર વગેરે ઉપર સીધી અસર કરે છે. તેથી જે ખેતરમાં પાક લેવાનો હોય તે ખેતરની જમીનના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરીને તે મુજબ જમીન અને પાકનું વ્યવસ્થાપન કરવાથી ખેતી ખર્ચ ઘટે છે. તદ્ઉપરાંત જમીનની તંદુરસ્તી તથા ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે છે. ખેડૂત ઘર બેઠાં પોતાની જાતે કેટલીક સરળ પદ્ધતિઓ દ્વારા ખેતરની જમીનની ચકાસણી (soil testing) કરીને તેનું વ્યવસ્થાપન કરી શકે છે.
પદ્ધતિ-૧
જમીનના પોત માટે પરિક્ષણ
ખેતી માટેની આદર્શ જમીનમાં રેતી અને માટીનું યોગ્ય પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. જે જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય તો જમીનમાં ભેજ અને પોષક તત્વો લાંબા સમય સુધી ટકી રહી શકતા નથી તથા જમીનનું ધોવાણ વધુ થાય છે. તેનાથી વિપરીત જે જમીનમાં માટીનું પ્રમાણ વધારે હોય તો ભેજ અને પોષક તત્વો લાંબા સમય સુધી ટકી રહે છે. પરંતુ આવી જમીન ચીકાશવાળી હોવાથી તેમાં અન્ય ખેત કાર્યો કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે.
તમારા ખેતરમાં જમીનનો પ્રકાર નકકી કરવા માટે તમારા ખેતરમાંથી ભેજવાળી જમીનમાંથી થોડી માટી લો. પછી તમારા હાથમાં લઇ તેનાથી લાડુ બનાવો.
૧. જે લાડુ બનાવતા જમીનના કણ તમારા હાથમાં ચોંટી જાય, હાથમાં ચીકાશ અનુભવાય અને બનાવેલ લાડુને તડકામાં સુકવ્યા પછી જે લાડુને સરળતાથી તોડી ન શકાય તો તમારી જમીનમાં માટીનું પ્રમાણ વધારે છે એટલે કે તમારા ખેતરની જમીન ચીકણી છે.
ર. જે લાડુ બનાવતા જમીનના કણ તમારા હાથમાં ચોંટે નહીં પણ લાડુ બનાવવામાં મુશ્કેલી પડે અને બનાવેલ લાડુને તડકામાં સુકવ્યા પછી જે તે સરળતાથી તોડી શકાય તો તમારી જમીનમાં રેતીનું પ્રમાણ વધારે છે એટલે કે તમારા ખેતરની જમીન રેતાળ છે.
૩. જે લાડુ બનાવતા જમીનના કણ તમારા હાથમાં ચોંટે નહીં અને લાડુ સરળતાથી બની જાય તથા બનાવેલ લાડુને તડકામાં સુકવ્યા પછી જે તે સરળતાથી તોડી શકાય તો તમારી જમીનમાં રેતી અને માટીનું પ્રમાણ યોગ્ય છે એટલે કે તમારા ખેતરની જમીન ખેતી માટે આદર્શ છે.
પદ્ધતિ-२
નિતાર પરિક્ષણ
છોડના સારા વિકાસ માટે ફક્ત ભેજ જરૂરી છે. વધુ પડતા પિયતના કારણે છોડના મૂળમાં પાણી ભરાઇ રહેવાથી છોડ મરી જાય છે. તેથી જમીનમાં યોગ્ય નિતાર હોવો જરૂરી છે. જમીનની નિતારશક્તિ ચકાસવા માટે,
૧. તમારા ખેતરમાં છ ઇંચ પહોળો અને એક ફૂટ ઊંડો ખાડો ખોદો.
ર. તે ખાડાને પાણીથી ભરી અને સંપૂર્ણપણે પાણીને નીચે ઉતરી જવા દો.
૩. ત્યારબાદ ફરીથી તેમાં પાણી ભરી.
૪. કેટલા સમયમાં ખાડામાંથી સંપૂર્ણપણે પાણીને નીચે ઉતરી જાય છે તે નોંધો.
- જે ખાડામાંથી પાણી તરત જ ઉતરી જાય તો તમારા જમીનનો નિતાર વધુ છે.
- જે ખાડામાંથી પાણી ઉતરતા ચાર કલાકથી વધુ સમય લે તો તમારી જમીનનો નિતાર નબળો છે.
- જે ખાડામાંથી પાણી ઉતરતા બે-ત્રણ કલાકનો સમય લે તો તમારી જમીનનો નિતાર મધ્યમ છે.
પદ્ધતિ-૩
અળસિયાની સંખ્યાનું પરિક્ષણ
જે ખેતરની જમીન જીવંત એટલે કે તેમાં બેકટેરીયા, ફુગ, કીડી, મકોડા, અળસિયા જેવા સૂક્ષ્મજીવો હાજર હોય તો એ તમારા ખેતરની જમીન ફળદ્રુપતા સારી હોવાની નિશાની છે. તમારા ખેતરની જમીનમાં રહેલાં સૂક્ષ્મજીવો જમીનમાં રહેલાં અથવા બહારથી આપેલા પોષકતત્વોને છોડ લઇ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. તમારા ખેતરની જમીનમાં હાજર રહેલા અળસિયાની સંખ્યા ખેતરની જમીન તંદુરસ્તીનું સૂચન કરે છે. તેનું પરિક્ષણ કરવા માટે,
૧. તમારા ખેતરમાં મહદઅંશે ભીની અને થોડી હુંફાળી જમીનવાળી જગ્યા પસંદ કરો.
ર. તે જગ્યાએ ૧ થી ૧.૫ ફૂટ ઊંડો અને ૧ ફૂટના ઘેરાવાવાળો જમીનમાં ખાડો કરો.
૩. ખાડાની માટીને કાર્ડ પેપર કે પુંદા ઉપર એકઠી કરો.
૪. તેમાં રહેલાં અળસિયાની સંખ્યા નોંધો.
જે તમારી આટલી જમીનમાં ઓછામાં ઓછા દસ અળસિયા હાજર હોય તો તમારી જમીન ખૂબ સારી ગણાય. જે હાજર અળસિયાની સંખ્યા પાંચ કરતાં ઓછી હોય તો તે સૂચવે છે કે જમીનમાં પૂરતાં પ્રમાણમાં સેન્દ્રિય જવિક પદાર્થ નથી અથવા તમારી જમીન તેજાબી અથવા આલ્કલાઇન હોઇ શકે.
પદ્ધતિ-૪
અમલતાં આાંક માટે પરીક્ષણ
જમીનનો અમલતા આાંક જમીનની ક્ષારીયતા અને અમલીયતા (ખાટાશ) નો માપદંડ છે. અમલતા આાંક શૂન્યથી ચૌદ વચ્ચે હોય છે. જે જમીનનો અમલતા આાંક ૬.૫ કરતાં ઓછો હોય તો જમીન અમલીય (ખાટી) ગણાય અને જે અમલતા આાંક ૭.૫ કરતાં વધારે હોય તો જમીનને ક્ષારીય ગણવામાં આવે છે. આ બંને પરિસ્થિતિમાં છોડની વૃદ્ધિ અટકી જાય છે. તેથી પાક ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. જમીન સુધારણા માટે તેનો અમલતા આાંક જાણવો ખૂબ જરૂરી છે. આ પરીક્ષણ કરવા માટે,
૧. એક પાત્રમાં બે ચમચા જેટલી માટી લો. પછી, તેમાં થોડું પાણી અને અડધો કપ સરકો ઉમેરો. જે પરપોટા ઉત્પન થાય તો જમીન ક્ષારયુક્ત છે.
ર. જે કોઇ પ્રતિક્રિયા ન થાય તો બીજા પાત્રમાં બે ચમચા જેટલી માટી લો. તેમાં પાણી અને અડધો કપ ખાવાનો સોડા ઉમેરો. જે પરપોટા ઉત્પન થાય તો જમીન ખૂબ અમલીય (ખાટી છે).
તમારા પરીક્ષણ પછી જમીન અમલીય જણાય તો તેની સુધારણા માટે લાકડાની રાખ, ચૂનો વગેરેનો ઉપયોગ કરવો અને જે જમીન ક્ષારીય અથવા ભામિક જણાય તો તેની સુધારણા માટે ગંધક, ચિરોડી, મંદ સલ્ફયુરીક એસિડ વગેરેનો ઉપયોગ કરવો.
ઉપરોક્ત પરિક્ષણો કરવાથી ખેડૂત પોતાની જાતે જમીનનું પોત, બાંધો, પ્રત, નિતાર વગેરે જાણીને તે મુજબ જમીન અને પાકનું વ્યવસ્થાપન કરી શકે છે. જેમ કે નિતાર વ્યવસ્થા, સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો તેમજ જમીન સુધારણા અંગેના પગલાં લઇ શકે છે.
તમારા ખેતરની જમીન અને પાણીની સચોટ પરીક્ષણ માટે તમે ચકાસણી કીટનો ઉપયોગ કરી શકો છો અથવા નમૂનાને નજીકની જમીન અને પાણી ચકાસણી પ્રયોગશાળામાં મોકલી પરીક્ષણ કરાવી શકો છો.