સાયલેજ (silage) દ્વારા લીલા ઘાસચારાનો ઉનાળા માટે સંગ્રહ

Cows

આપણા દેશમાં પશુઓ માટે લીલા ઘાસચારાની ઉપલબ્ધતા ઋતુ આધારીત છે. વર્ષાઋતુમાં તેમજ શિયાળામાં પશુઓને લીલો ચારો મળી રહે છે. આ ઋતુમાં વધુ પડતો લીલોચારો ઉત્પન્ન થતાં તેની જાળવણી કરવી જોઈએ જેથી તે ચારો ઉનાળા / અછતના સમયમાં પશુઅો ને ખવડાવવા માટે ઉપયોગી થઈ પડે તેથી લીલાચારાનો સાયલેજમાં (silage) સંગ્રહ કરવો જોઈએ.

સાયલેજ એટલે શું?

સાયલેજ એ લીલા ધાસચારાને હવા રહિત પરિસ્થિતિમાં લીલી અવસ્થામાં જ લાંબા સમય સુધી આથવીને તેયાર કરવામાં આવતો ઘાસચારો. સાદી અને સરળ ભાષામાં કહેવું હોય તો સાયલેજ એટલે “લીલા ઘાસચારાનું અથાણું”.

સાયલેજ બનાવવા માટે ઘાસચારાના પાક

મકાઇ, જુવાર, બાજરી, ગજરાજ ઘાસ વગેરે સાયલેજ બનાવવા માટેના લીલા ચારાનાં ઉત્તમ પાકો છે કારણ કે તેમાં કાર્બોદિત પદાર્થો માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે. લીલી મકાઈ એ શ્રેષ્ઠ પાક છે જ્યારે જુવાર બીજા ક્રમે આવે છે. સાયલેજ બનાવવા લીલા ઘાસચારાની કાપણી પ૦ ટકા ફૂલ આવી ગયા પછી કરવી જોઈએ. આ સમયે જરૂરી પોષક તત્વો લીલાચારામાં વધુ માત્રામાં સંગ્રહાયેલા હોય છે. કઠોળ વર્ગના લીલાચારામાંથી સારી ગુણવત્તાનું સાયલેજ બનાવી શકાય નહીં.

સાયલેજ કેવી રીતે બનાવી શકાય

સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે ટાવર આકારનો સાયલો અને પીટ (ખાડો) સાયલો મુખ્ય છે. જે ઘાસચારામાંથી સાયલેજ બનાવવું હોય તેની કાપણી કર્યા પછી તે ચારાને તડકામાં ૪ થી ૬ કલાક સુધી સુકવવા દેવું જોઈએ. આમ કરવાથી પ થી ૧૦ ટકા ભેજ ઉડી જતા સાયલેજ માટે આદર્શ ૬૦ થી ૭૦ ટકા ભેજ રહેશે. ત્યારબાદ તેને ચાફકટર અથવા સૂડા વડેથી (૪ સે.મી.ના નાના ટુકડા) નાના-નાના ટુકડા કરી ખાડામાં હવાચુસ્ત ભરવું જોઈએ. જેમાં ફૂટ-ફૂટના થર બાદ હવાચુસ્ત દબાવીને ૧ થી ૨ ટકા મીઠું નાખવું જોઈએ. ઉપરાંત 3 ટકા ગોળની રસી (મોલાસીસ) નાખવાથી ઉત્તમ કક્ષાનું સાયલેજ બનાવી શકાય છે. શકય તેટલી ઓછી હવા રહે તો જ સાયલેજ સારું બને છે તેમજ લેક્ટોબેસીલાઈ ટેબલેટ ઉમેરવાથી બગડવાનો ભય રહેતો નથી. ત્યારબાદ તેની ઉપર બે ફૂટ જેટલો હલકા સુકા ઘાસનો થર કરી ઉપરના ભાગને પ્લાસ્ટિકની શીટથી બરાબર ઢાંકી દેવું અને તેની ઉપર આશરે ૩૦ સે.મી. જેટલો માટીનો થર પાથરી તેની ઉપર લીંપણ કરી દેવું. તીરાડો પડતા ફરી લીંપણ તીરાડો પર કરવું. આમ કરવાથી સાયલોપીટની અંદર ઉપરની હવા પ્રવેશી શકે નહીં. સાયલો ભયા બાદ કેટલા દિવસે સાયલેજ ખવડાવી?

સામાન્ય રીતે સાયલે જ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા ૪ થી ૬ અઠવાડીયામાં પૂર્ણ થાય છે પરંતુ સાવચેતી માટે ૬૦ દિવસે સાયલો ખોલી સાયલેજ પશુઓને ખવડાવી શકાય. ચાફ કરેલ ઘાસ એક ઘન મીટરમાં ૬૦૦ થી ૭૦૦ કિ.ગ્રા. અને ચાફ કર્યા વગરનું ઘાસ આશરે ૫૦૦ કિ.ગ્રા. જેટલું સમાય છે.

સાયલેજ માટે રાખવાની કાળજી

 • ભરતી વખતે હવા ન રહે તે રીતે દબાવવું (હવારહિત કરવું.)
 • સાયલા માટે ઊંચી/ પથરાળવાળી જગ્યા પસંદ કરવી.
 • ભીનું ઘાસ સાયલામાં ભરવું નહીં.
 • સાયલેજ ૨૪ કલાકમાં ભરી દેવો જોઈએ. એક જ જગ્યાએથી ખોલી આખા દિવસનો સાયલેજ કાઢી લીધા બાદ બરાબર ઢાંકી દેવો.
 • સાયલેજને સૂર્યપ્રકાશ, ભેજ, વરસાદ વગેરે લાગવા ન દેવા.

ઉત્તમ સાયલેજના ગુણો

 • ઉત્તમ સાયલેજનો રંગ લીલાશ પડતો ભૂરો અથવા પીળો હોય છે.
 • સાયલેજની સુગંધ સરકા જેવી મીઠી અને પશુઓને ભાવે તેવી હોય છે. ઉત્તમ સાયલેજ ફૂગ રહિત તેમજ દુર્ગધ રહિત હોય છે.
 • ઉત્તમ સાયલેજ પશુઓને રૂચિકર હોય છે. સાયલેજની અમ્લતાનો આાંક ૪.૨થી વધુ ન હોવો જોઈએ તેથી ઓછો આાંક હોય તો સાયલેજ સારું કહેવાય.
 • સાયલેજમાં એસીટિક એસિડના પ્રમાણ કરતા વધુ ન હોવા જોઈએ તેની સાથે એમોનિયાનું પ્રમાણ કરતા વધુ ન હોવું જોઈએ.
 • ઉત્તમ સાયલેજમાં બલ્યુટારીક એસિડનું પ્રમાણ નહિવત એટલે કે ૦.૨ ટકા કરતા પણ ઓછું હોવું જોઈએ.

સાયલેજના ફાયદાઓ

 • લીલી અવસ્થામાં જ ચારાનો સંગ્રહ કરી શકાય છે તેથી પોષક તત્વોનું પ્રમાણ સુકા ચારા કરતા વધુ હોય છે.
 • સાયલેજ લીલા ચારાનાં ૮૫ ટકા પોષક તત્વો જાળવી રાખે છે જ્યારે સુકો ચારો ૬૦ ટકા પોષક તત્ત્વો જાળવી રાખે છે.
 • કેરોટીન તથા પ્રજીવક (વિટામિન) “એ” પ્રમાણ સાયલેજમાં વધારે હોય છે. ચારાના પાકને સામાન્ય રીતે ફૂલ બેસે ત્યારબાદ રોગ આવે છે. સાયલેજ માટે ચારાનો પાક પ૦ ટકા ફૂલ બેસતા જ કપાઈ જતો હોવાથી રોગનો પ્રશ્ન રહેતો નથી. સાયલેજમાં ચારાનો સંગ્રહ અોછી જગ્યામાં થઈ શકે છે તથા આગનો ભય રહેતો નથી.
 • સાયલેજ દૂધાળા જાનવર માટે સારો ખોરાક છે. તે સ્વાદિષ્ટ અને રેચક છે. આથી ગાયો પેટ ભરીને સાયલેજ ખાય છે જેથી દૂધ ઉત્પાદન વધે છે.
 • જ્યારે સૂકવણી પધ્ધતિથી ઘાસ જાળવવાનું શક્ય ન બને ત્યારે આ પધ્ધતિ ઉપયોગી થાય છે.
 • લીલા ચારામાં રહેલા ઝેરી તત્વો ઘટે છે.

પશુપાલન વિશે સફલ કિસાન પર વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.