ગુજરાત રાજયનો લગભગ ૭૦ ટકાથી વધુ વિસ્તાર સૂકો અને અર્ધસૂકો છે. જેમાં વરસાદ ઓછો અને અનિયમિત છે. તેમજ દર બે ત્રણ વર્ષે દુકાળનો સામનો કરવો પડે છે. વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદનું પાણી નદી, તળાવ, કૂવાઓ મારફતે ખેતી હેતું મેળવાય છે. વરસાદના પાણીનો બાવન ટકા જેટલો જથ્થો બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં ઉડી જાય છે. વીસ ટકા પાણી વહી જાય છે. દસ ટકા પાણી ભેજરૂપે સંગ્રહ પામે છે. જયારે આઠ ટકા પાણી ભૂજળ રૂપે સચવાય છે. જે કૂવાઓ અને ટયુબવેલ મારફતે ખેતી અને અનય વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે હાલમાં જેટલું પાણી રીચાર્જ થાય છે તેના કરતાં બમણો વપરાશ થાય છે. આથી હાલના આઠ જગ્યાએ સોળ ટકા રીચાર્જ થાય તો પાણીનો પ્રશન હલ થઇ શકે તેમ છે. આ માટે વહી જતાં પાણીને એકઠું કરી જમીનમાં સંચય કરવાની (groundwater recharge) જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી જોઇએ.
ભૂગર્ભ જળસંચય – વરસાદના વહી જતા પાણીને અનુકૂળ ગોઠવણ (સ્ટ્રકચર) દ્વારા નીચાણવાળા વિસ્તારમાં એકઠુ કરીને કૂવા, તળાવ, જળ સંચયખાડા, ડંકી વગેરેમાં વાળીને ભૂગર્ભ જળસ્તર ઉંચુ લાવવાની પદ્ધતિને ભૂગર્ભ જળસંચય (groundwater recharge) કહે છે.
ભૂગર્ભ જળસંચયના હેતુઓ
૧. ઉત્તરોત્તર ઘટતા જતા જળસ્તરને જાળવવું અને તે દ્વારા કૂવા તથા બોરવેલમાંથી પાણીનો અવિરત પ્રવાહ મેળવવો.
૨. જમીન સપાટી પરના વરસાદના વહેણને અટકાવવું અને તે દ્વારા જમીન સંરક્ષણ.
૩. ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવી.
વરસાદના વહી જતાં પાણીનો યોગ્ય રીતે નીચેની વિગતે પરિસ્થિતિને અનુકૂળ પદ્ધતિ દ્વારા સંચય કરી શકાય છે.
૧) ખેત તલાવડીમાંથીકુવામાં પાણી ઉતારવું.
૨) ઘરના છાપરાં કે અગાશી ઉપરનું ચોખનું પાણી ઠંકીના દારમાં ઉતારવું.
૩) નદી-વોંકળાના પાણીને કુવામાં ઉતારવું.
૪) ખેતરની ખાળ (છેલ્લા) માંથી પાણી ઉતારવું.
પ) ખેતરના છુટા પાણીને કુવામાં ઉતારવું.
૬) ખેતરના પાણીને બોર (દાર) માં ઉતારવું.
૭) બકનળીના સિદ્ધાંતથીકુવામાં અથવા દારમાં પાણી ઉતારવું.
૮) ગામના પાદર કે ખેતરના શેટે નાળું, નદી કે વોંકળો હોય તો ત્યાં પણ આડબંધ / ચેકડેમ બાંધી પાણીને જમીનમાં ઉતારવું.
ખેત તલાવડીમાં થી કુવામાં પાણી ઉતારવું
ખેતરના અથવા ખેતર બહારથી આવતા પાણીને એકઠું કરી કૂવામાં ઉતારવા ખેતરના શેઢે ખેત તલાવડી કરી તેમાંથી પાઇપ (૯’’ અથવા ૧૨’ ના વ્યાસવાળી એક કે વધારે) દ્વારા પાણી કૂવામાં ઉતારી શકાય. પાઇપના બદલે ૧’ X ૨’ ના માપની ઇંટ / સિમેન્ટનું ચણતર કરી શકાય. ખેત તલાવડીની બાજુના મુખ પરથી આવતો કચરો અટકાવવા જાળી ગોઠવવી જરૂરી છે.
વરસાદના પાણીઘરના છાપરાં કે અગાશી ઉપરનું ચોખનું પાણી ડંકીના દારમાં ઉતારવું.
ડંકી તેની મૂળ અવસ્થાથી થોડે ઉંચી અને બંને બાજુ ઇંટ કે લાકડાના કટકા મૂકવા અને અગાશી – નેવાના આઉટલેટ સાથે જોડેલી પાઇપનો બીજો છેડો ડંકીની નીચે બલરમાં ગોઠવી દેવો અને પાઇપના ઉપલા છેડે ગરણું કે ઝીણી જાળી બાંધવી.
નદી-વોંકળાના પાણીને કુવામાં ઉતારવું
નદી વિસ્તારમાં જમીનની અંદર રેતીના થરો આવેલા હોય છે. આ રેતીના થરોમાં વરસાદનું પાણી સંગ્રહ થાય છે. જેનો આપણે ટયુબવેલ અથવા ચણતરવાળા ખુલ્લા કુવા બાંધી ઉપયોગ કરીએ છીએ. ખુલ્લા કુવામાં માત્ર એક નદીનું પાણી લેવામાં આવે છે. જયારે ટયુબવેલમાં એક કરતાં વધુ નદીનું પાણી લેવામાં આવે છે. રેતાળ વિસ્તારમાં આ નદીઓને રીચાર્જ કરવા માટે મોટા તળાવો બાંધી અથવા નજીકમાં રેતાળ નદીઓ વહેતી હોય તો તેના તળમાં જમીનના તળીયે રહેલી નદીઓ કપાય તે રીતે ત્રણથી ચાર ઉડા બોર કરી બોરમાં જાળી વાળી પાઇપ ઉતારી દેવી. ત્યારબાદ તે પાઇપનો ઉપરનો છેડો નદી અથવા તળાવના તળીયામાં પાંચથી છ ફૂટ ઉંચો રહે તે રીતે રાખવો. પાઇપના મોઢા પર ઝીણી જાળી બેસાડવી, જેથી તળાવ કે નદીમાં ભેગા થતાં વરસાદનાં પાણી ફીલ્ટર થઇ જમીનનાં તળીયે નદીઓની રેતીમાં સંગ્રહ થશે અને કુવા તથા ટયુબવેલમાં પાણીનું ઉલેચ કરીશું ત્યારે આ રીચાર્જ થયેલુ પાણી જમીનમાંથી મળતુ રહેશે. કુવા રીચાર્જ કરતી વખતે જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તથા જમીનનાં સ્તરની પરિસ્થિતિ જાણીને જમીનમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે તો જવરસાદના પાણીને મહદઅંશે જમીનમાં ઉડેઉતારી શકીશુ.
ખેતરની ખાળમાંથી પાણી કુવામાં ઉતારવાની રીત
ખેતરના વહી જતાં પાણીને સીધેસીધુ કુવામાં ઉતારવા માટે સૌપ્રથમ પાણીને નીક / ધોરિયા દ્વારા ખેતરની ખાળમાંથી કુવાથી નજીકમાં કરેલા ૪’ x 3′ X ૩’ માપના ખાડામાં લઇ જવું.
- ખાડામાં આવતા પાણીમાંનો કચરો/કાંપ વગેરે ખાડામાં જમા થશે ત્યારબાદ ઉપરથી પાણીને નહેર/ધોરિયા દ્વારા કુવાની દીવાલ સુધી લઇ જવું.
- કુવાની દીવાલમાં કાણું પાડી આશરે ૩’ ની પાઇપ મૂકી તેના બહારના છેડે જાળી રાખવી.
- પાઇપનો અંદરનો છેડો કુવાની અંદરની દીવાલથી આશરે ૨ ફૂટ સુધી દૂર રહે તેમ ગોઠવવો જેથીકુવામાં આવતું પાણી દીવાલને નુકશાન ન કરે.
ખેતરનાં પાણીને બોર (દાર) માં ઉતારવાની રીત
ખેતરમાં માત્ર બોર (દાર) હોય ત્યાં નીચાણવાળા ભાગમાં જમાં થતાં ખેતરના પાણીને બોર દ્વારા ભૂગર્ભમાં ઉતારી શકાય છે.
કનળીના સિદ્ધાંતથી નદીનું પાણીકુવા તથા દારમાં ઉતારવાની રીત
ખેતરનાં બોરમાં ગોઠવેલ પંપની લાઇન અને નદીના પાણીને એક હવાચુસ્ત પાઇપલાઇનથી જોડાણ કરવું અને નદીમાં રહેલ પાઇપના છેડાને જાળી બાંધવી.
ઉપર મુજબની ગોઠવણ કર્યા બાદ પંપ ચાલુ કરવાથી બોરનું પાણી નદીમાં જશે. ત્યારબાદ તરત જ પંપ બંધ કરવો જેથી હવાચુસ્ત લાઇન બકનળી બની જશે અને નદીનું પાણી સતત બોરમાં જશે. આ રીતે ભૂગર્ભ જળસંચય થઈ શકે છે.
ગામના પાદર કે ખેતરના શેટે નાળું, નદી કે વોંકળો હોય તો ત્યાં પણ આડબંધ / ચેકડેમ બાંધી પાણીને ઉતારવું
ગામના પાદર કે ખેતરના શેટે નાળું, નદી કે વોંકળો હોય ત્યાં પણ આડબંધ બાંધીને પણ આકૃતિમાં બતાવ્યા મુજબ પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ પાણી જમીનમાં ઉડ્ડઉતરે છે અને ભૂગર્ભજળ રૂપે સચવાય છે.
ભૂગર્ભ જળસંચય હેતું વરસાદી પાણી ગાળવાની રીત
ભૂગર્ભ જળસંચય હેતુ વરસાદી પાણી સીધુ જ કુવામાં કે બોરમાં ઉતારવામાં આવે તો આ પાણીમાં માટી, ડોળ, કાદવ (સીલ્ટ પાર્ટિકલ) જેવા તત્વો ઓગળીને આવેલ હોય છે તે કુવામાં જઇને સરવાણીમાં જામ થઇ જાય તો સરવાણી લાંબાગાળે બંધ થઇ જવાથી કુવો કોઠી જેવો બની જવાનો સંભવ છે. તેમજ આવું સંચિત પાણી માનવ સ્વાસ્થય માટે ઘણી વાર હાનિકારક નીવડી શકે છે. આ માટે વરસાદી પાણી સરળ પદ્ધતિથી ગાળવાની જરૂર છે. વરસાદી પાણી ગાળવા માટે કુવાની આજુબાજુમાં નીચાણવાળી જગ્યાએ જયાં વરસાદનું એકઠુ થયેલ પાણી નીકળતું હોય
ત્યાં અંદાજે ૬ ફુટ ઉંડી x ૬ ફુટ પહોળી ચોરસ કુંડી કરીને તેમાં જમીનથી ૨ ફુટ નીચે કુંડીમાં પાઇપ મુકવી અને તેનો બીજો છેડો લેવલ મુજબ કૂવાની દીવાલમાં કાણું પાડીને ગોઠવવો, જેથી વરસાદનું ચોખનું પાણી કુવામાં જશે અને કચરો વગેરે નીચે ખાડામાં રોકાઇ જશે. ગાળણ કુંડીમાં પાણી ગાળવા માટે તળિયેથી ઉપરની તરફ આકૃતિ ૪ માં બતાવ્યા મુજબ મોટા કાંકરા, નાના કાંકરા, કાંકરી અને રેતીના યોગ્ય જાડાઇના થઇ પાથરવા.
આ ઉપરાંત વરસાદી પાણીની નીક સતત સાફ રહેવી જોઇએ અને તેના માટે જરૂરી કાળજી અનિવાર્યપણે હાથ ધરાવી જોઇએ.
ભૂગર્ભ જળસંચયના ફાયદા
૧. જળપ્રાપ્તિ દ્વારા આત્મનિર્ભરતા ઉભી કરી શકાય છે.
૨. ભુગર્ભજળ ઊંચા આવે છે. તેથી પાણી ઉલેચવાના (પમ્પીંગ) ખર્ચમાં ઘટાડો થાય છે.
૩. જમીન સંરક્ષણ કરી શકાય છે.
૪. પાણીની ગુણવત્તા સુધરે છે.
પ. સાદી ગોઠવણ દ્વારા ઓછા ખર્ચે વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભુગર્ભજળ સ્તર ઊંચા લાવી શકાય છે.