ટૂંકા ગાળામાં વધુ કમાણી આપતા પાક મશરૂમની (mushroom) ખેતી

પંચતારક હોટલો, રેસ્ટોરંટ અને ઘરેલુ લીલા શાકભાજીમાં મશરૂમનો (mushroom) વપરાશ સારા એવા પ્રમાણમાં વધવા લાગ્યો છે. સૂપમાં, પંજાબી શાકભાજીમાં, સલાડમાં, પુલાવમાં, પકોડા – પીઝામાં તેમજ સેન્ડવીચમાં પણ મશરૂમનો વપરાશ થવા લાગ્યો છે. આમ હાલમાં મશરૂમની વાનગીઓ આરોગવી એ એક ફેશન છે.

ખોરાક તરીકે મશરૂમની અગત્યતા

 • મશરૂમ સ્વાદ સુગંધ અને ઊંચી ગુણવત્તા તથા પોષકતત્વોવાળો ઉત્તમ ખોરાક છે. તેમાં પ્રોટીન અને ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. સોડિયમ અને પોટેશીયમ જેવા ખનીજ તત્વો, વિટામીન બી (થાયમીન, રાઈબોફ્લેવીન), વિટામિન સી, વિટામિન કે, કાર્બોહાઈડ્રેટસ, એમિનો એસિડ્રેસ તેમજ કેટલાક રોગોના પ્રતિકાર કરે તેવા પ્રતિદ્રવ્યો આવેલા હોય છે.
 • વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ૧૦૦ થી ૨૦૦ ગ્રામ સૂકા મશરૂમ પુખ્ત વયના માણસ માટે પોષણની જરૂરિયાત પૂરી કરે છે. આમ ૪૫૪ ગ્રામ તાજા મશરૂમ ૧૨૦ કિલો કેલરી આપે છે.
 • મશરૂમમાં રહેલી પ્રોટીનની પાચકતા ૭૨ થી ૮૩ ટકા જેટલી છે જે પ્રાણીજન્ય પ્રોટીનની સમકક્ષ છે. મશરૂમમાં લાઈસીન અને ટ્રીપ્ટોફેન એમિનો એસિડ પૂરતા પ્રમાણમાં હોય પૂરક પોષકતત્વ ધરાવે છે. તેમાં ચરબીનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું અને મુક્ત ફેટી એસિડનું પ્રમાણ વધુ છે.
 • હદયરોગના દર્દીઓ માટેનો ઉત્તમ ખોરાક છે તેમજ કાર્બોહાઈડ્રેટસ (સુગર) હાઇપર ટેન્શન જેવા રોગો માટે આશીર્વાદરૂપ છે.

ઓઈસ્ટર મશરૂમની ખેતી

આ મશરૂમની ખેતી પણ બંધ રૂમમાં યોગ્ય ભેજ અને તાપમાન ઊભુ કરી સરળતાથી કરી શકાય છે. એમતો મશરૂમની ઘણી બધી જાતો છે. પરંતુ ઓયસ્ટર મશરૂમ એ ર૦° થી ૩૦° સે. તાપમાનની વચ્ચે વધારે ઉત્પાદન આપે છે અને ખેત ઉત્પાદનની ઊપજ જેવી કે ઘઉં, ડાંગરનું પરાળ વગેરે પર સહેલાઈથી ઉગાડી શકાય છે. આ મશરૂમને પોલીથીન બેગ, નાયલોન નેટ, બાસ્કેટ ટ્રે વગેરેમાં સરળતાથી ઉગાડી શકાય છે. આ મશરૂમને સુકવીને ઓરડાના તાપમાને એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે. એક માસના ટુંકા ગાળામાંજ તેનો પાક લઈ શકાય છે.

ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે ઓછામાં ઓછી જરૂરિયાતો :

 • ઘાસ/પરાળ (ડાંગર કે ઘઉંનું)
 • સ્પાન બોટલ (બિયારણ)
 • ફોર્મેલીન (૩૭ ટકા)
 • કાર્બેન્ડાઝીમ (બાવિસ્ટીન ૫૦ ટકા વે. પા.).
 • પ્લાસ્ટિકની કોથળી (૧૦૦ ગેઈઝ, ૩૪ x ૫૦ સે. મી. માપની)
 • લાકડાના કે વાંસના ઘોડા
 • કાપવાનું સાધન (કાતર કે કટર)
 • પાણી છાંટવા માટે પંપ કે ઝારો
 • થર્મોમીટર અને ભેજ માપક યંત્ર
 • કંતાન, ખસની ટટ્ટી અને રેતી વગેરે

આ મશરૂમ ઉગાડવા માટે ૩૦ ફૂટ x ૧૫ ફૂટના માપનો ઓરડો બનાવવો કે જેમાં ૨૦૦૦થી ૩૦૦૦ જેટલી કોથળીઓ રહી શકે. શેડ ઉપર ગરમી અવરોધક તરીકે ડાંગર કે ઘઉંનું પરાળ પાથરવું અને હવાની અવરજવર માટે દિવાલમાં યોગ્ય અંતરે સામ-સામે બારીઓ કે વેન્ટિલેશન રાખવાં અને બારી આગળ ખસની ટટ્ટી કે કંતાન અથવા એકઝોસ્ટ ફેન મૂકવો.

ખેતી પદ્ધતિ

ઓઈસ્ટર મશરૂમ આપણા રાજ્યમાં બે રીતે ઉગાડી શકાય તેમ છે.

પ્લાસ્ટીકની કોથળીમાં બેડ બનાવીને મશરૂમની ખેતી

મશરૂમ ઉગાડવા માટે ડાંગર કે ઘઉંના સારા ગુણવત્તા વાળા પૂળીયાં પસંદ કરી ૩ થી પ સે.મી. ના ટુકડા કરવા. થ્રેસરમાંથી નીકળેલ ઘઉંનું પરાળ વધારે અનુકુળ છે કારણકે પરાળના ટુકડા કરવાની મહેનત બચી જાય છે. આ પ્રકારના મશરૂમ ઉગાડવા માટે ૧૦૦ ગેઈઝની ૩૫ સે.મી. x ૫૦ સે.મી. માપની પ્લાસ્ટિક કોથળી, ફોર્મેલીન (૩૭ ટકા), કાર્બેન્ડાઝીમ (બાવીસ્ટીન) દવા અને બિયારણ (સ્પાન બોટલ) ની જરૂરિયાત રહે છે. સૌ પ્રથમ પરાળને (થ્રેસરમાંથી નીકળેલું) ૪ થી ૮ કલાક સાદા તાજા પાણીમાં પલાળી રાખવું, ત્યારબાદ કાઢી વધારાનું પાણી નીતરી જવા દેવું અથવા આ પરાળને એક કલાક સુધી ૮૦° સે. + સુધી પ સે તાપમાનવાળા ગરમ પાણીમાં બોળી રાખવું અને ત્યારબાદ પાણી નીતારી દેવું અને ઠંડું પડ્યા બાદ જ પ્લાસ્ટિકની કોથળીમાં ભરવું.

આ રીતે તૈયાર કરેલ પરાળમાં ૬-૭૦ ટકા સુધી ભેજ રહે ત્યારે તેને આગળ જણાવ્યા મુજબની ૩૫ સે.મી. x ૫૦ સે.મી. માપની પ્લાસ્ટિકની કોથળીમાં પાંચથી છ કિલો પ્રમાણે ભરવું, પરંતુ આ પરાળ ભરતી વખતે પ થી ૮ સે.મી. ના થર પછી દરેક વખતે પરાળના ૨ ટકા પ્રમાણે (૧૦ કીલો પરાળ દીઠ ૨૦૦ ગ્રામ) બિયારણના સ્પાન ભભરાવવા અને હલકું દબાણ આપતા રહેવું. કોથળી ભરાઈ જાય એટલે તેનું મોઢિયું ચુસ્ત રીતે બાંધી દેવું અને ચારેય બાજુથી ટાંકણીથી ૨૦ થી ૨૫ જેટલાં ઝીણા કાણા પાડવાં જેથી હવાની અવર-જવર થઈ શકે. આમ તૈયાર કરેલ કોથળાઓને લાકડાના ઘોડા ઉપર ગોઠવીને ૧૫ દિવસ સુધી ર૦° થી ૩૦° સે. તાપમાને ૭૫ થી ૮૦ ટકા ભેજવાળી જગ્યામાં અંધારામાં રાખવા. આમ ૧૫-૨૦ દિવસમાં પરાળ મશરૂમ ફૂગના સફેદ તાંતણાથી (માયસેલિયમ) સંપૂર્ણ રીતે છવાઈ જશે. ત્યારબાદ સાચવીને ધારદાર ચપ્પથી પ્લાસ્ટિકની કોથળી ખોલી નાખીને પરાળનો જથ્થો ખુલ્લો કરવો. આમ કરવાથી ચાર-પાંચ દિવસમાં ટાંકણીના માથા જેવા મશરૂમ નીકળવા લાગશે અને એક અઠવાડિયામાં કાપવા લાયક મશરૂમ તૈયાર થશે. જેને કાપણી કરીને વેચી શકાય છે.

ક્યારા બનાવીને મશરૂમની ખેતી

મશરૂમ ઉગાડવા માટેનું ડાંગરનું પરાળ લીલા રંગનું કે વરસાદના કે અન્ય પાણીથી ભીજવેલ કે સડેલ ન હોવું જોઈએ તથા દાણા વગરનું અને કડક હોવું જોઈએ અને બળદના પગ નીચે કચડાયેલ ન હોવું જોઈએ.

સૌ પ્રથમ ડાંગર કે ઘઉંના પરાળને તડકામાં પહોળું કરી સૂકવીને બે ફૂટ (૧ મીટર) લંબાઈમાં કાપીને કાપડની થેલીમાં ભરવું અને મોટું બાધી દેવું. ક્યારો બનાવી આ કોથળાઓને 100 લિટર (૧૦ ડોલ) જેટલા પાણીમાં ૭.૫ ગ્રામ કાર્બેન્ડાઝીમ (બાવિસ્ટીન) અને ૬૭.૫ મિ.લિ. ફોર્મેલીન (ફોર્માલ્ડીહાઇડ) ઉમેરીને ૧૨ થી ૧૮ કલાક ડૂબાડી રાખવા. બીજે દિવસે આ કોયડાઓને પાણીમાંથી બહાર કાઢી પરાળને ઢાળવાળી જગ્યા પર પાણી નિતારી દેવું.

ક્યારો બનાવવાની રીત

ઈટો પર વાંસ કે લાકડાના ખપાટીયાને એવી રીતે ગોઠવવા કે જેથી નીચેની હવાની અવર જવર થઈ શકે. ક્યારની લંબાઈ, પહોળાઈ એક મીટર જેટલી અથવા પૂળાની (પરાળની) લંબાઈ જેટલી રાખવી. આવા ક્યારામાં પરાળ આડું ઊભું એમ ચોકળી આકારમાં ગોઠવવામાં આવે છે જેથી બધા છેડા બહારની બાજુએ રહે. આવો એક ક્યારો તૈયાર કરવા ૧ કિલો જેટલું પરાળ વાપરવું જોઈએ.

ડાંગરના પરાળને ૩ થી ૪ ઇંચના થરમાં પાથરવું અને તેના પર બિયારણના સ્પાનને ધારેથી ૧૫ સે.મી. જેટલી જગ્યા છોડી ૧૫-૧૫ સે.મી. ના અંતરે સ્પાન પૂખવા/વાવવાં અને પછી તેની ઉપર સોયાબીનદાળ અથવા તુવેરદાળનો પાઉડર, ભૂકો/ઝીણો લોટ ભભરાવવો. આ રીતે એક આડું તો બીજું ઊભું એવા એકબીજા ઉપર કુલ ત્રણ થર કરવા અને દરેક થર ઉપર આગળ મુજબ જ સ્પાન અને સોયાબીન કે તુવેરદાળનો લોટ ભભરાવવો.

આમ તૈયાર કરેલ ક્યારાને દબાવીને સખત બનાવી છેડા ખુલ્લા રહે તે રીતે પ્લાસ્ટિક ઢાંકી દેવું.જરૂર મુજબ પાણીનો છંટકાવ માટે પ્લાસ્ટિક ઉઠવીને દરેક વખતે ઢાંકી દેવું. આમ ક્યારો તૈયાર થયા પછી તેને અડકવું નહિ. આમ ૧૫-૨૦ દિવસમાં ક્યારના બધા પરાળમાં મશરૂમ ફુગના સફેદ તાંતણા (માયસેલિયમ) ઉગી નીકળશે અને ત્યાર પછી ૪-૫ દિવસમાં તેમાંથી મશરૂમના અંકુર ફૂટશે જે ૨-૩ દિવસમાં કાપવા લાયક બને છે. આમ એક ક્યારામાંથી બે થી ત્રણ પાક શકાય છે.

મશરૂમની ખેતીના ફાયદાઓ

 • મશરૂમની ખેતી સરળ અને સસ્તી હોવાથી નાના અને સીમાંત ખેડૂતો તેમજ જમીન વિહોણા ખેડૂતો માટે સારી આવકનું કે રોજીરોટીનું સાધન બની રહે તેમ છે.
 • મૂડીરોકાણના પ્રમાણમાં સારો નફો મળી રહે છે અને વરસાદ આધારિત અનિશ્ચિત ખેતી સામે નિશ્ચિત કાયમી આવકની ખેતી બની રહે છે.
 • જમીન, બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પાણી વગેરે સાધનોની જરૂરિયાત મર્યાદિત રહે છે.
 • મશરૂમનો પાક લીધા બાદ વધેલા અવશેષોને કેટલફીડ તરીકે, ઉચ્ચ ગુણવત્તા વાળા ખાતર તરીકે અથવા બાયોગેસ ઉત્પાદન માટે વાપરી શકાય છે.
 • ગ્રામ્યકક્ષાએ મહિલાઓ આ ખેતીમાં ફાજલ સમયનો ઉપયોગ કરી શકે છે. વધુમાં તે ગૃહઉદ્યોગ તરીકે પણ વિકસાવી શકાય છે.
 • મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ વધતા અન્ય ખોરાક ઉપરનું ભારણ ઘટે છે.
 • મશરૂમનો પાક ટૂંકાગાળામાં પૂરો થતો હોઈ મૂડીરોકાણ ઝડપથી પાછું મળે છે,તદુપરાંત મશરૂમની ખેતી ગમે તે ઋતુમાં કરી શકાય છે.
 • મોટાભાગના સેલ્યુલોઝ ધરાવતા ઘઉં – ડાંગરનું પરાળ, બનાના યૂડોસ્ટેમ, સુગરકેન બગાસ વગેરે ઉપર મશરૂમ ઉગાડી શકાય છે. આમ વેસ્ટમાંથી બેસ્ટની ઉક્તી મશરૂમની ખેતી દ્વારા સાર્થક કરી શકાય છે.
 • પ્યુરોટસ (ડાંગર તૃણ મશરૂમ) મશરૂમની ખેતી ગુજરાતના વાતાવરણને ધ્યાનમાં લેતા વધારે અનુકુળ છે.વળી પ્લોટસ મશરૂમ સુગંધ અને સ્વાદ ઉપરાંત ગુણવત્તાની દ્રષટએ અન્ય મશરૂમની સરખામણીમાં શ્રેષઠ છે.
 • મશરૂમની ખેતીમાં સ્વરોજગારી મળે છે અને બેકારીમાં ઘટાડો થાય છે.

મશરૂમની માહિતી અને ટ્રેંનિગ માટે સંપર્ક

કૃપા કરીને હિન્દી અથવા અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવો।

 • નેશનલ સેન્ટર ફોર મશરૂમ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ, ચાંબાઘાટ, સોલાન – ૧૭૩ ૨૧૩ (હિમાચલ પ્રદેશ).
 • મશરૂમ લેબોરેટરી, ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હોર્ટિકલ્ચર રીસર્ચ, હીસ્સારગટ્ટા, બેંગલોર – પ૬૦૦૨૯ (કર્નાટક) ભારત.

સંદર્ભ

આણંદ કૃષિ યુનિવર્સીટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.