ખેતી વિષે નવા કાયદા (New agriculture bill)

કિસાનમિત્રો, તમે ભારત સરકાર દ્વારા ખેતી વિશેની નવા કાયદા (New agriculture bill) વિષે તો સાંભળ્યું જ હશે. આ લેખમાં આ નવા નિયમો શું છે અને તેનો ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે એ સમજાવવામાં આવ્યું છે.

હાલ મુજબની વ્યવસ્થા પ્રમાણે ખેડૂતમિત્રો ને તેમના પાકના વેચાણમાં નીચે આપેલ મુજબ પડકારોનો સામનો કરવો પડે છે.

 • ખેડૂત મિત્રો તેમનો પાક સરકાર માન્ય યાર્ડમાં જ વેચી શકે છે.  જો કોઈ ખરીદદાર યાર્ડની બહાર વધુ કિંમત આપવા તૈયાર હોય તો પણ ખેડૂત સરકારી કાયદાને લીધે આ ખરીદદારને પાક વેચી શકતા નથી.
 • ખેડૂતો યાર્ડ માં તેમનો પાક એજન્ટ દ્વારા જ વેચી શકે છે. તેમનો પાકના ખરીદાર સાથે સીધો કોઈ સંપર્ક નથી થતો. 
 • જો કોઈ ખેડૂતમિત્ર અન્ય કોઈ માર્કેટ યાર્ડમાં જવા માંગતા હોય તો પણ જઈ શકતા નથી કારણકે બીજા માર્કેટ યાર્ડ તેમના ગામથી દૂર હોય છે.

ખેડૂતમિત્રોની આ મુશ્કેલોમાં સહાયતા કરવા માટે ભારત સરકાર દ્વારા બે નવા કાયદા પસાર કરવામાં આવ્યા છે જે ખેડૂતમિત્રોને પાકના વેચાણમાં વધારે તકો પુરી પાડશે અને સાથે સાથે યોગ્ય ભાવ મેળવવામાં મદદ કરશે. 

આ બે કાયદાઓ સેપ્ટેમ્બર 2020 થી અમલમાં મુકવામાં આવ્યા જે નીચે મુજબ છે.

કાયદો 1: 

ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ 2020 (Farmers’ Produce Trade and Commerce (Promotion and Facilitation) Bill, 2020)

આ કાયદાની જોગવાઈ નીચે મુજબ છે. 

 • સરકાર દ્વારા એક એવું માળખું (ઈકોસીસ્ટમ) ઉભું કરવામાં આવશે જેથી કરીને ખેડૂતમિત્રો પોતાના માનપસંદના વેપારી સાથે માલની લે વેચ કરી શકે.
 • આંતર રાજ્યીય (ઇન્ટર સ્ટેટ) અવરોધ મુક્ત વેપારને પ્રોત્સાહન અપાશે અને ખેડૂતમિત્રો અધુસુચિત બજારની બહાર પણ પાકને વેચી શકશે.
 • ખેડૂતમિત્રો એ સેસ નહી ભરાવો પડે અને કોઈ પણ પરિવહન ખર્ચ નહિ આપવો પડે.
 • નિયમ આધારિત ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગની જોગવાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારી પર રૂ. 25,000 થી રૂ. 5,00,000 સુધીના દંડનું પ્રાવધાન.
 • ખેડૂતોને ખેતર, કોલ્ડસ્ટોરેજ, વેરહાઉસ અને પ્રોસેસિંગ યુનિટ પર વેચવાની છૂટ.
 • ખેડૂતો તેમના ઉત્પાદનનું સીધુ વેચાણ કરી શકશે જેથી તેમને સારો ભાવ મળશે અને વચેટિયાઓ દૂર થશે.

આ કાયદો લાગુ થવાથી ખેડૂતમિત્રોની ચિંતા છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી બંધ કરશે અને માર્કેટ યાર્ડ બંધ થઇ જશે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી બંધ નહિ થાય અને માર્કેટ યાર્ડ પણ ચાલુ રહેશે. હકીકતમાં, આ કાયદા દ્વારા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર ખેત પેદાશોનો વેપાર વધશે અને પારદર્શકતામાં વધારો થશે અને સમયની બચત થશે.

કાયદો 2: 

કિંમતની ખાતરી અંગે ખેડૂતોનું ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણની સમજૂતી અને કૃષિ સેવા બિલ 2020 (Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Bill, 2020)

આ કાયદાની જોગવાઈ નીચે મુજબ છે. 

 • ખેડૂતો એગ્રી-પ્રોસેસર્સ, હોલસેલર્સ, એગ્રીગેટર, મોટા રિટેલર, નિકાસકારો વિગેરે સાથે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાર કરવા સક્ષમ બનશે જેથી કરીને ખેડૂતમિત્રોને પાકની વાવણી પહેલા સુનિસ્ચિત કિંમતની ખાતરી મળશે.
 • કરાર પ્રમાણે બજારમાં ભાવના વલણનું જોખમ ખેડૂતને બદલે પ્રયોજક પર રહશે. અગાઉ કિમંત નક્કી થવાથી ખેડુતનોને બજારમાં કિંમતની વધ-ઘટ થી રક્ષણ મળશે.
 • વેપારીઓએ પોતાના ખર્ચે ખેડૂતો પાસેથી પાક ઉપાડવો પડશે. ખેડૂતોએ વેપારી સુધી માલ પહુંચાડવાની જરૂર નથી.
 • ખેડૂતો અધતન ટેક્નોલોજી, શ્રેષ્ઠ બીજ અને અન્ય ગુણવત્તા યુક્ત કાચો માલ મેળવવા સક્ષમ બનશે.
 • ખેડૂતો પાસે બહુવિધ વેચાણની વ્યવસ્થા થવાથી તેમના માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો થશે જેથી આવકમાં વધારો થશે.
 • વિવાદની પરિસ્થિતિમાં સ્પષ્ટ સમયસીમા માં વિવાદનું નિવારણ થશે. વિવાદનું નિવારણ સ્થાનિક સ્તરે થશે. ખેડૂતમિત્રોએ કોર્ટ કચેરીના ધક્કા નહી ખાવા પડે.

આ કાયદો લાગુ થવાથી ખેડૂતમિત્રોની ચિંતા છે કે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરારમાં ખેડૂતો પર દબાણ રહેશે અને તેઓ નિર્ધારિત કિંમત નહિ મેળવી શકે. હકીકતમાં, ખેડૂતો પોતાના ખેતપેદાશની કિંમત નક્કી કરવામાં કોન્ટ્રાકટમાં સંપૂર્ણ અધિકાર ધરાવશે. તેમને મહત્તમ ત્રણ દિવસમાં ચુકવણી થઈ જશે. જે પ્રાયોજક સમય પર ચુકવણી નહિ કરે તેના પર રૂ. પાંચ લાખ થી રૂ. પચાસ લાખ સુધીના દંડનું પ્રાવધાન છે. 

નાના ખેડૂતમિત્રોની ચિંતા છે કે તેમને કોન્ટ્રાકટ ફાર્મિંગનો ફાયદો નહિ મળે. હકીકતમાં દેશભરમાં દસ હજારથી પણ વધુ ખેડૂત ઉત્પાદન મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં નાના ખેડૂતમિત્રો જોડાઈ શકે છે અને કોન્ટ્રાકટ ફાર્મિંગનો લાભ લઇ શકે છે.

આ નવા કાયદા ખેડૂતમિત્રોનો તેમના ઉત્પાદન માટે સારો ભાવ મળે એ તરફ મહત્વના પગલા છે જેથી ખેડૂતમિત્રોને જરૂરથી ફાયદો મળશે.

લેખક
ડો. એસ.એન.ગોયલ
મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક (રિટાયર્ડ)
આણંદ એગ્રિકલચર યુનિવર્સીટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.