જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ (pest control using neem)

આપણા વિસ્તારમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ જેવી કે લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા ઘીલોડા, કાળા મરી અને વછનાગા જીવાત નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ બધી જ વનસ્પતિઓ પૈકી જીવાત નિયંત્રણ ક્ષેત્રે લીમડાનો (neem) ઉપયોગ વધારેમાં વધારે થાય છે.

ખેતીપાકોમાં વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો સુધારેલ/સંકર જાતોનો ઉપયોગ કરતા થયા, રાસાયણિક ખાતરો અને પિયતની સુવિધાઓ વધતા ધનિષ્ઠ ખેતી થવા લાગી. આમ થતા પાકમાં રોગ-જીવાતના પ્રશનો વધવા માંડયા. આ જીવાતોના નિયંત્રણ માટે જુદી જુદી રાસાયણિક દવાઓનો ઉપયોગ થવા માંડયો. શરૂઆતમાં આ બધી દવાઓનો ઉપયોગ મર્યાદિત રીતે જરૂર પડે ત્યારે જ કરવામાં આવતો હતો તેથી તેના સારા પરિણામો મળતા હતા પરંતુ સમય જતા રાસાયણિક કીટનાશક દવાઓનો ઉપયોગ વગર વિચાર્ય, જરૂર હોય કે ન હોય તો પણ દેખાદેખીથી થવા લાગ્યો જેને પરિણામે ઘણા પ્રશ્વનો ઉદ્ભવ્યા જેમ કે લાંબા ગાળે જીવાત જે તે રાસાયણીક દવા સામે પ્રતિકારશક્તિ વિકસાવા માંડી. જીવાતના કુદરતી દુશ્મનો (પરજીવી અને પરભક્ષી કીટકો) નો નાશ થવો, ખાદ્યપદાર્થોમાં ઝેરી દવાના અવશેષો રહેવા અને હવા, પાણી તથા જમીનના પ્રદૂષણમાં વધારો થવો વગેરે. રાસાયણિક કીટનાશક દવાઓની આ બધી જ નકારાત્મક અસરો ધ્યાનમાં આવતા ખેડુતમિત્રો ધીરે ધીરે બિન-રાસાયણિક પદ્ધતિઓ તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેમાં પણ વનસ્પતિજન્ય દવાઓની અગત્યતા વધતા તેનો ઉપયોગ વધવા માંડયો.

જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ

લીમડામાં રહેલ ‘એઝાડીરેક્ટીન’ તત્વ જીવાત નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ તો લીમડાના દરેક ભાગમાં વત્તા-ઓછા પ્રમાણમાં એઝાડીરેક્ટીન તત્વ રહેલું હોય છે. પરંતુ લીંબોળીના મીજમાં અને તેમાંય ખાસ કરીને લીંબોળીના તેલમાં એઝાડીરેક્ટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જીવાત નિયંત્રણ માટે લીંબોળીના મીજનો અર્ક, લીંબોળીના પાનનો અર્ક અને લીંબોળીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

લીંબોળીના મીજનો અર્ક

ઉનાળામાં લીમડાના ઝાડ પરથી પાકી લીંબોળી નીચે ખરી પડે છે. આવી પાકી ખરી પડેલી લીંબોળીઓને ભેગી કરી પાણીમાં ડૂબાડી તેમાંથી બી (ઠળીયાં) અને છોતરા (છાલ) જુદા કરવા. આવા ઠળિયાને લાકડાના ખોખામાં સંગ્રહ કરવો. પ્લાસ્ટિકની કોથળી કે પીપમાં સંગ્રહ કરતા તેમાં ફૂગ લાગવાની શકયતા રહે છે જે ઠળિયામાં સડો પેદા કરે છે. આવા સૂકાયેલા ઠળિયાઓને ફોડતા તેમાંથી મીજ નીકળે છે. મીજને અધકચરા ખાંડી નાખવા. આવા ૧૦૦ ગ્રામ મીંજના ભૂકાને એક લિટર પાણીમાં નાંખી ૮ થી ૧૦ કલાક રાખી મૂકવા અને ત્યારબાદ હાથથી મસળવું. આમ કરવાથી મીંજમાં રહેલ એઝાડીરેકટીન તત્વ પાણીમાં આવશે જેને લીધે પાણી દૂધીયા સફેદ રંગનું બને છે. આવું પાણી મલમલના કપડાથી ગાળી તેમાં વધારાનું ૯ લિટર ચોખ્ખુ પાણી ઉમેરો. આમ કુલ ૧૦ લિટર પાણી થશે અને જે દ્રાવણ તૈયાર થશે તે ૧% નું દ્રાવણ થશે. જો ૨% નું દ્રાવણ બનાવવું હોય તો ૧૦ લિટર પાણીમાં ૨૦૦ ગ્રામ અને પ% નું દ્રાવણ બનાવવું હોય તો પ૦૦ ગ્રામ લીંબોળીના મીંજના ભૂકાની જરૂર પડે છે. સામાન્ય રીતે જીવાત નિયંત્રણ માટે આવા ૨ થી પ% ની સાંદ્રતાવાળા દ્રાવણનો છટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. લીંબોળીનું તેલ બજારમાં ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે જીવાત નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં ૩૦ થી ૫૦ મિ.લિ. તેલ બરાબર મિશ્ર કરી છટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. તે જ રીતે લીમડાના એક કિલો તાજા પાનને ખલ અથવા દસ્તાથી બરાબર કચરી/છુંદીને તેનો અર્ક કાઢવામાં આવે છે. આવા એક કિલો પાનમાંથી કાટેલા અર્કને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી મલમલના કપડાંથી ગાળી તૈયાર કરવું તે ૧૦% નું દ્રાવણ તૈયાર થશે. જેનો ઉપયોગ છટકાવ કરવા માટે કરી શકાય છે.

ઉપયોગમાં રાખવાની કાળજીઓ

(૧) લીંબોળીના મીજમાંથી કે પાનમાંથી તૈયાર કરેલ દ્રાવણને કદી ઉકાળવું નહિં કારણ કે ઉકાળવાથી દ્રાવણમાં રહેલ કીટનાશી તત્વ (એઝાડીરેકટીન) નાશ પામે છે.

(૨) હંમેશા તાજા દ્રાવણનો ઉપયોગ કરવો. દ્રાવણ લાંબો સમય પડી રહેવાથી તેમાં વિઘટનની પ્રક્રિયા શરૂ થાય છે અને તેમાંથી ખાસ પ્રકારની (સલ્ફર ડાયોકસાઇડ જેવી) વાસ આવે છે તેના લીધે કીટનાશી ગુણધર્મમાં ઘટાડો થાય છે.

(૩) લીંબોળીના તેલ અને પાણીની વિશિષ્ટ ઘનતા અલગ-અલગ હોવાથી તે બંને સહેલાઈથી મિશ્ર થઈ શકતા નથી. તેથી બંનેને એકરસ કરવા માટે તેલને ફાડવું જરૂરી છે. લીંબોળીના તેલ અને પાણીમાં કપડા ધોવાનો પાઉડર અથવા સાબુનું દ્રાવણ ઉમેરી બરાબર મિશ્ર કરી પછી જ છંટકાવના ઉપયોગમાં લઈ શકાય છે.

(૪) વનસ્પતિજન્ય દવાનો છંટકાવ છોડના દરેક ભાગ પર ખાસ કરીને વૃદ્ધિ પામતા કૃણા ભાગ પર બરાબર છટાય તેની કાળજી રાખવી હિતાવહ છે.

બજારમાં વ્યાપારી ધોરણે મળતી વનસ્પતિજન્ય દવાઓ

હાલમાં બજારમાં લગભગ ૪૦ જેટલી લીમડા (એઝાડીરેકટીન) આધારીત કીટનાશક દવાઓ વ્યાપારી ધોરણે ઉપલબ્ધ થયેલ છે. તે જુદા જુદા વ્યાપારી નામે મળે છે. સામાન્ય રીતે આવી કીટનાશક દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ ૩૦૦ પીપીએમ (૦.૦૩%), ૧૫૦૦ પીપીએમ (૦.૧૫%), ૧૦૦૦૦ પીપીએમ (૧%) અને પ૦૦૦૦ પીપીએમ (૫ ઈસી) સુધીનું હોય છે. જે તે પ્રોડક્ટમાં રહેલ સક્રિય તત્વના પ્રમાણને ધ્યાનમાં રાખી તેને વત્તા-ઓછા પ્રમાણમાં પાણીમાં મિશ્ર કરી છટકાવ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૦ લિટર પાણીમાં ૩૦ થી ૫૦ મિ.લિ. દવા મિશ્ર કરી છાંટવાની ભલામણ કરવામાં આવતી હોય છે.

લીમડાનો અનાજમાં નુકશાન કરતી જીવાતો માટે ઉપયોગ

સંગ્રહેલા અનાજને જીવાતથી થતા નુકસાનને અટકાવવા માટે લીમડાના પાનનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે. આજે પણ ઘણા ગામડાઓમાં લીમડાના પાનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે લીમડાના પાન, લીંબોળીના મીંજનો ભૂકો (પાઉડર) અને લીંબોળીના તેલનો ઉપયોગ સંગ્રહેલા અનાજને જીવાતથી મુક્ત રાખવા માટે થાય છે. લીમડાના પાનનો ભૂકો ૨% પ્રમાણે મિશ્ર કરવાથી ડાંગરમાં ચોખાના કૂદાં અને ઘઉંમાં વાંતરી (ખાપરા બીટલ) સામે રક્ષણ પૂરુ પાડે છે. લીંબોળીના મીજનો ભૂકો ૧ થી ૨% (૧ થી ૨ કિલો/૧૦૦ કિલો અનાજ) કઠોળમાં મિશ્ર કરતા ભોંટવા સામે અને મકાઈમાં ચાંચવા સામે રક્ષણ પૂરું પાડે છે. તે જ રીતે લીંબોળીના તેલનું મોવણ આપવાથી ઘઉં અને ચોખાને રાતા સરસરીયા (ધનેરા) અને તુવેરના બીજને ભોંટવા સામે રક્ષણ પૂરું પાડે છે. ઘઉં અને ચોખા જેવા અનાજને દિવેલનું મોવણ આપી સંગ્રહ કરવાથી જીવાતથી થતું નુકશાન અટકાવી શકાય છે.

વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવાથી થતા ફાયદા

રાસાયણીક દવાઓની સરખામણીમાં વનસ્પતિજન્ય દવાઓના કેટલાક ફાયદાઓ છે જેમ કે

(૧) જીવાતના કુદરતી દુશ્મનો (પરજીવી અને પરભક્ષી કીટકો) માટે ઉપયોગી એવા મિત્ર કીટકો માટે તે સલામત હોય છે.

(૨) મનુષ્યો, પાળેલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ તે સલામત પૂરવાર થયેલ છે.

(૩) તેના ઉપયોગ બાદ ખાધ પદાર્થોમાં દવાના કોઈ અવશેષ રહેવા પામતા નથી.

(૪) મોટા ભાગની બીજી કીટનાશક દવાઓ સાથે તેને સહેલાઈથી મિશ્ર કરી શકાય છે.

(પ) તેના ઉપયોગથી શાકભાજી અને ફળોની સંગ્રહશક્તિ અને દેખાવમાં વધારો થાય છે અને

(૬) પર્યાવરણની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તે  પર્યાવરણને સુસંગત (ઇકો ફ્રેન્ડલી) હોય છે.

વનસ્પતિજન્ય દવાઓની મર્યાદાઓ

(૧) વનસ્પતિજન્ય દવાઓની અસર ધીમી હોય હોય છે અને તેમના ઉપયોગ બાદ તરત જ તેની અસર જોવા મળતી નથી તેથી સારા પરિણામ મેળવવા માટે થોડી ધીરજ રાખવી પડે છે.

(૩) વાતાવરણના જુદા જુદા પરિબળો ખાસ કરીને સૂર્યપ્રકાશની અસરને કારણે એઝાડીરેક્ટીન તત્વની અસરકરાકતા ધીમે ધીમે ઓછી થતી જોવા મળે છે એટલે ટૂંકા ગાળે ફરી છટકાવ કરવાની જરૂરિયાત ઉભી થાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.