ઉનાળામાં પશુપાલન અને દુધાળા પશુઓની માવજત

Cows

અત્યારના આ સમયમાં આંખુ વિશ્વ “ગ્લોબલ વોર્મિંગ” ની સામે ઝુમી રહ્યું છે ત્યારે આવા સમયે પશુપાલકે ઉનાળામાં પોતાના મૂલ્યવાન પશુઓની સારસંભાળ રાખવી ખૂબજ જરૂરી છે. જો પશુપાલક ઉનાળાની અસહ્ય ગરમી દરમ્યાન પોતાના પશુઓનું ધ્યાન ન રાખે તો ઉનાળાની વધુ પડતી ગરમીને લીધે પશુઓના સ્વાથ્ય અને તેના ઉત્પાદન પર માઠી અસરો પહોંચે છે જે પશુપાલકોને ભારે નુકસાનકર્તા સાબિત થાય છે. સામાન્ય રીતે પશુઓના શરીરનું તાપમાન ૯૮° થી ૧૦૦° ફેરનહીટથી હોય છે. પરંતુ જયારે વાતાવરણનું તાપમાન ૧૦૦° ફેરનહીટથી વધે તો, પશુ ઉપર તેની અસર થવા લાગે છે જેને આપણે “લૂ’ લાગી એમ કહીએ છીએ.

પશુઓ પર ગરમીની અસર 

 • પશુઓનો ખોરાક ઓછો થઈ જાય છે અને તેના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
 • પશુ વધારે સમય ઊભું રહે છે અથવા બેસી રહે છે અને સૂસ્ત રહે છે. 
 • તેની ખરીઓમાં નુકસાન થાય છે. 
 • પશુ મો ખુલ્લું રાખી ઉતાવળથી શ્વાસ લે છે અને હાંફવા લાગે છે. 
 • પશુઓનો શ્વાસોશ્વાસ વધીને ૭૦ થી ૭૫ શ્વાસ પ્રતિ મિનીટ જેટલો થઈ જાય છે અને ગાયોમાં ખૂબ જ પરસેવો થવા લાગે છે. 
 • મો માંથી લાળ પડવા લાગે છે અને લાળમાં રહેલ બાયોકાર્બોનેટ આયનનો વ્યય થાય છે જેના કારણે પશુના પેટમાં એસીડીટી વધી જાય છે. 
 • પશુના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જતા ડીહાયડ્રેશન થઈ જાય છે. પશુનો પેશાબ ઘટી જાય છે અને ક્યારેક તેનું મુત્યુ પણ થઈ શકે છે.
 • વધુ પડતી ગરમીથી ક્યારેક ગાભણ પશુઓ તરવાઈ જાય છે.
 • ઉનાળામાં પશુઓની રોગ પ્રતિકારક શક્તી ઘટી જાય છે જેથી લાંબા સમયથી બીમાર પશુઓમાં ઉનાળામાં મૃત્યુ દર વધારે પ્રમાણમાં જોવા મળે છે. 
 • નાની ઉંમરના તેમજ ભારે વજનદાર પશુઓમાં ગરમીની અસર વધારે જોવા મળે છે. 

પશુઓને ગરમીની આડ અસરથી બચાવવાના ઉપાયો

 • ગાય-ભેંસ સંવર્ગના પશુઓ અને ખાસ કરીને દૂધાળ પશુઓને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા તેઓની તરસ છીપાતી નથી અને પશુના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવા સંભવ છે અને આથી દૂધ ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે. સામાન્ય રીતે તંદુરસ્ત પશુને દિવસ દરમ્યાન ઓછામાં ઓછું ૭૦થી ૮૦ લીટર પાણીની જરૂરીયાત હોય છે જયારે ઉનાળામાં પાણીની જરૂરીયાત ૧૦૦થી ૧૩૦ લીટર થઈ જાય છે. આથી ઉનાળામાં પશુઓને વધુ પાણી પીવડાવવું જરૂરી છે. 
 • જો પશુઓમાં ‘લૂ’ ના લક્ષણો દેખાય તો તેને તાત્કાલીક ઠંડી અને છાયા વાળી જગ્યા ઉપર લઈ જવું જોઈએ. અને તેના શરીર ઉપર ઠંડું પાણી નાખવું જોઈએ અને તેને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આપવું જોઈએ જેથી તેના શરીરના તાપમાનમાં ઘટાડો થાય અને ‘લૂ થી પશુને બચાવી શકાય. 
 • ઉનાળામાં પશુઓને વધારે પ્રોટીનની માત્રા વાળા ખોરાક આપવા જોઈએ. 
 • પશુઓના તબેલા તથા વાડામાં પૂરતા પ્રમાણમાં પાવીના પાણીની સગવડ કરવી જોઈએ.
 • પશુઓના તબેલામાં ઈલેક્ટ્રીક પંખાની વ્યવસ્થા પણ કરી શકાય.
 • ગરમી ખૂબજ માત્રામાં વધી જાય તેવા સમયે પશુઓ ઉપર તબેલામાં ફુવારા (સ્પ્રીંકલર) ની વ્યવસ્થા પણ કરી શકાય. 
 • પશુ પ્રજનન અને સંશોધન એકમ, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે થયેલા સંશોધન અનુસાર ઉનાળાની ગરમીના દિવસોમાં ભેંસોના શરીર ઉપર નાની ડોલ (બાલદી) થી પાણીની છાલકો મારવાથી ભેંસોના શરીરના તાપમાનમાં ખાસ્સો ઘટાડો જોવા મળે છે અને આમ ઉનાળાની કારમી ગરમીમાં ભેંસોની પ્રજનન ક્ષમતા જળવાઈ રહે છે. 
 • પશુઓ માટે તબેલામાં છત માફકસરની ઊંચાઈ વાળી હોવી જોઈએ જેથી હવાની અવર-જવર થઈ શકે. 
 • ખુલ્લામાં ચરતા પશુઓ માટે વૃક્ષો ઉગાડી છાંયડાની વ્યવસ્થા કરી શકાય અથવા તો ત્યાં શેડ બનાવી છાયો કરી શકાય.
 • તબેલાની છત જો ગેલ્વેનાઈઝ પતરા વાળી હોય તો તેના ઉપર ઘાસના પુળા નાખવા જોઈએ. 
 • ખુલ્લા તબેલામાં કે જ્યાં દીવાલ ન હોય ત્યાં કંતાનનો ઉપયોગ કરીને પડદા પણ લટકાવી શકાય અને સીધી ગરમ હવા રોકી શકાય. 
 • છૂટા ચરતા પશુઓને ચારણ માટે સવારે વહેલા લઈ જવા જોઈએ અને સાંજે ઠંડક થયા બાદ પાછા લાવવા જોઈએ.

આ રીતે ઉનાળામાં ખેડૂત મિત્રોએ પોતાના અમૂલ્ય પશુઓની સારંસંભાળ રાખવી જોઈએ જેથી પશુઓના આરોગ્યને કોઈ નુકસાન ન થાય અને તેની દૂધ ઉત્પાદન અને પ્રજનન ક્ષમતા પર કોઈ માઠી અસર ન પહોંચે. ઉનાળાની ગરમીથી બચવા આવા સામાન્ય ઉપાયો કરવાથી પશુપાલકની આવક જળવાઈ રહે છે અને દૂધ ઉત્પાદનમાં થતુ ભારે નુકસાન અટકાવી શકાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.