આંબામાં ફળનું ખરણ અટકવાના ઉપાય

આંબાની ખેતી ગુજરાતમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં ગુજરાતના બધાજ રાજ્યોમાં આંબાની ખેતી થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આંબાની ખેતી દરમ્યાન ફળનું ખરણ એટલે કે મોરમાં કેરી બેસી ગયા બાદ કેરી ઉતારવા લાયક થાય તે દરમ્યાન ઝાડ પરથી કેરીનું પડી જવું. ઘણા ખેતરોમાં ફેબ્રુઆરી – માર્ચ માસ દરમ્યાન ઝાડની નીચે ખુબ જ કેરીનું ખરણ જોવા મળે છે. કેરીના ખરણના કારણો અને ઉપાયો – અંગેની માહિતી આ લેખમાં દર્શાવેલ છે.

આંબાની જાતના ગુણધર્મો અને કુદરતી ખરણ

આંબાની જાતો અનુસાર તેના પુષ્પવિન્યાસમાં નર ફૂલો અને ઉભયલિંગી ફૂલોનું પ્રમાણ જૂદુ જૂદુ હોય છે જેથી ઉભયલિંગી ફૂલો વધુ ધરાવતી જાતોમાં ફળનું ખરણ ઓછું રહે છે. આંબામાં શિયાળા દરમ્યાન એટલે કે ઠંડીના દિવસોમાં પુષ્પવિન્યાસનો વિકાસ થતા તેમાં ઉભયલિંગી ફૂલોનું પ્રમાણ ઓછું હોય છે.જ્યારે ફેબ્રુઆરી – માર્ચ માસ દરમ્યાનના પુષ્પવિન્યાશમાં ઉભયલિંગી ફૂલો વધુ હોય છે. સામાન્ય રીતે એક પુષ્પવિન્યાશમાં ૧૦,૦૦૦ ફૂલો હોય છે. જેમાં આશરે ૩,000 ફૂલો ઉભયલિંગી અને તેમાંથી ૩૦૦ ફૂલોમાં પરાગનયન બાદ ફળ બેસે છે પરંતુ તેમાંથી ફક્ત ૩૦ ફળો વટાણા અવસ્થાએ અને ફક્ત ૧૦ ફળો લખોટા અવસ્થાએ પહોંચી શકે છે. આંબાની જાતો અનુસાર એક પુષ્પવિન્યાસમાંથી રાજાપુરી ફક્ત એક,ક્સર, લંગડો, હાફુસ જેવી જાતોમાં એક થી બે, જ્યારે દશેરી, આમ્રપાલી જેવી જાતોમાં પ થી ૧૪ સુધી ફળો ઉતારવા લાયક અવસ્થા સુધી પહોચે છે. એટલે કે સરેરાશ એક પુષ્પવિન્યાસમાંથી એક થી ત્રણ ફળો મળે અને બાકીના ફળો ખરી પડવા તે એનો કુદરતી ગુણધર્મ છે. જે વર્ષોમાં આંબાના ઝાડની બધી જ ડાળીઓ પર મોર ઉપર ફળ ન બેસતા બે કે ત્રણ મોરે સરેરાશ બે થી ત્રણ ફળ મળતા હોય છે કારણ કે ઝાડ પોષણ તત્ત્વ અને ખોરાક આપી ફળના વિકાસની ક્ષમતાને આધિન ઉત્પાદન મળે છે.

હવામાન

ફળના ખરણમાં હવામાનનો પણ અગત્યનો ફાળો છે. નવેમ્બર – ડિસેમ્બર માસ દરમ્યાન આવેલ પુષ્પવિન્યાસોમાં ફલિનીકરણ સમય દરમ્યાન સવારનું તાપમાન ૨૦° સે.થી. ઓછું અને રાત્રિનું તાપમાન ૧૫૦ સે.થી. ઓછું હોય ત્યારે ફલિકરણ માટે જરૂરી પોલનનો વિકાસ અને ફળદ્રુપતા ન હોવાથી ફલિકરણ અસરકારક રીતે થતું નથી અને ફલિકરણ વગર ઉભયલિંગી ફૂલોમાં ફળનો વિકાસ ચાલુ થાય છે. આવા ફળો ફળના બેસણ બાદ ત્રણ થી ચાર અઠવાડીયામાં ગમે ખરી પડે છે અને ખરી પડેલ કેરીના અભ્યાસમાં ગોટલીની રચના થઇ જ હોતી નથી. ફલિકરણ ન થયું હોવાથી ફળ ખરી પડવાના છે. આના ઉપાય માટે વાડીમાં મોર ખીલી ગયો અને રાત્રિનું વાતાવરણ વધુ ઠંડુ હોય તો હળવું પિયત આપવાથી હૂફાળા વાતાવરણને કારણે ફળ બેસણમાં થોડો ફાયદો થશે.

ફેબ્રુઆરી – માર્ચ દરમ્યાન એટલે કે શિયાળો પૂર્ણ થઇ ઉનાળાની શરૂઆતમાં ઘણીવાર પુષ્પવિન્યાસ જોવા મળે છે. આવા સમયે દિવસનું તાપમાન ઠંડુ હોવાથી દિવસે ફલિકરણ દરમ્યાન ઊંચા તાપમાનથી પોલનની ફળદ્રુપતા જતી રહે છે અને ફળનું બેસણ થતું નથી. આવા સમયે પણ હળવું પિયત આપવું હિતાવહ છે. માર્ચ – એપ્રિલ માસ દરમ્યાન દિવસનું તાપમાન ૪૦° સે.થી વધુ જાય તો પણ લખોટા અવસ્થાથી મોટી કેરીઓ ખરી પડે છે. આથી કેરીને વટાણા અવસ્થા તથા લખોટા અવસ્થાએ પિયત આપવું હિતાવહ છે.

ફળનું બેસણ દરમ્યાન વાદળછાયું વાતાવરણ અને ધૂમ્મસને કારણે ભૂકી છારો રોગનો ફેલાવો ઝડપી થાય છે. આ સાથે ફળના વિકાસ દરમ્યાન કમોસમી વરસાદ થવાથી પણ રોગ-જીવાતના પ્રમાણ વધવાની શક્યતા રહે છે અને જેનાથી ફળનું ખરણ વધે છે.

રોગ-જીવાત

આંબામાં આવતો મધિયો મહદ અંશે આંબાની નવી કુપણો અને મોરમાંથી રસ નુકસાન કરે છે. મધિયાનો ખોરાક નવી કુપણો અને મોર હોવાથી આ જીવાતને કારણે ફળખરણ થવાની શક્યતાઓ વધુ રહેલ છે.જેથી મધિયાનું નિયંત્રણ ભલામણ કરેલ ઇમીડાકલોર, એસીફેટ, થાયમિથોકઝામ વગેરેનો છંટકાવ નિયમિત કરવો જરૂરી છે.

આ ઉપરાંત આંબામાં આવતો રોગ ભૂકીછારાને કારણે પણ ફળનું ખરણ થાય છે. ભૂકી છારાનો વિકાસ વાદળવાયું વાતાવરણ અને ધૂમ્મસમાં વધુ થાય છે. તેથી સમયસર રોગના નિયંત્રણ માટે પગલા જરૂરી છે. રોગના નિયંત્રણ માટે સલ્ફર પાઉડર, હેકઝાકોનાઝોલનો છંટકાવ હિતાવહ છે.

પોષણતત્વોની ખામી

ફળના વિકાસ દરમ્યાન પોષણતત્વોની પણ જરૂર હોય છે. પોષણતત્વોના અભાવથી ફળ ખરવાની પ્રક્રિયા વધુ થાય છે. આંબાના પાકમાં પિયતની સુવિધા હોય તેવા ખેડૂતોએ ભલામણ કરેલ સેન્દ્રિય ખાતર અને નાઇટ્રોજનનો અડધો ભાગ ફળ બેસ્યા બાદ એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પિયત સાથે આપવો હિતાવહ છે.

અંતઃસ્ત્રાવોની ઉણપ

ફળના ખરણના અભ્યાસથી માલૂમ પડયું છે કે ફળના ખરણ માટે ઓકઝીનની ઉણપ જવાબદાર છે. તેથી ફળનું ખરણ કુદરતી તથા રોગ-જીવાત અને પોષણતત્વોના ઉણપ ન હોવા છતાં થતુ હોય ત્યારે ૨૦ પી.પી.એમ.એન.એ.એ. (૯૦ મિ.લિ. પ્લેનોફીક્સ ૨૦૦ લિટર પાણીમાં) નો છંટકાવ કરવો જરૂરી છે.એન. એ.એ.ના છંટકાવ સાથે ૨% યુરિયા ઉમેરવું ફાયદાકારક છે.

ઉપરોકત મુદ્દાઓને ધ્યાનમાં રાખતા ફળનું ખરણ એ એક જુદા જુદા પરિબળોની અસરથી થાય છે જેથી ફળખરણ માલૂમ પડે તુરત જ તેના કારણોમાં હવામાન, પોષણતત્વો, રોગ-જીવાત જેવા પરિબળો અસરકારક હોય તો તેને ધ્યાનમાં રાખી પગલાં લેવા જરૂરી છે અને ખેતી પધ્ધતિમાં પિયતની સુવિધા હોય તો વટાણા તથા લખોટા અવસ્થાએ પિયત અને લખોટા અવસ્થાએ પિયત સાથે સેન્દ્રિય ખાતર અને યુરિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ઉપરાંત ફળનું ખરણ વધુ માલૂમ પડેતો ૨૦ પી. પીએમ.એન.એ.એ.અને ૨% યુરિયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી મહદ અંશે આંબામાં ફળનું ખરણ નિયંત્રણ કરી શકાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.