ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનો આરંભ તા. 31 ડિસે. 2015 થી 4 જાન્યુ. 2016 સુધી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પછી રાજ્ય સરકારે રવિ કૃષિ મહોત્સવના બજેટમાં 10 ટકાનો વધારો કર્યો છે. આ સાથે ખેડૂતોને 8-અ અને 7-12નો નમૂનો પણ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે. આથી ખેડૂતોને આ પેટે આશરે રૂ. 20થી 50 સુધીની રકમ ચૂકવવી નહીં પડે.
રવિ કૃષિ મહોત્સવની તૈયારીમાં બાબુ બોખીરિયાએ તમામ મંત્રીઓ અને અધિકારીઓ કયા સ્થળ પર કયા દિવસે હાજર રહેશે તે કાર્યક્રમને પણ અંતિમ મંજૂરી આપી દીધી છે. 261 તાલુકાઓના 10,508 ગામોના 2.10 કરોડ ખેડૂત ખાતેદારોને 8-અ અને 7-12ની નકલોનું વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરી છે. હાલ ઇ-ધરા કેન્દ્રો પરથી 5 રૂપિયામાં આ નકલ ઉપલબ્ધ કરાય છે, પરંતુ ગત વર્ષથી કૃષિ મેળા દરમિયાન નકલો વિનામૂલ્યે આપવાનું સરકારે શરૂ કર્યું છે.
ખેડૂતોને ઇ-ધરામાં તેમની 7-12ની એક નકલ એક પેજમાં પૂર્ણ થઇ જાય તો પાંચ રૂપિયા ખર્ચવા પડે છે, પણ વધારે પેજ થાય તો પાનાદીઠ પાંચ રૂપિયા વધુ ચૂકવવાના હોય છે. વળી, 8-અ માટે પાનાદીઠ પાંચ રૂપિયા પણ ચૂકવવાના થાય છે. આ નકલો લેવા જવા માટે મામલતદાર કે કલેક્ટર કચેરીએ ધક્કો ખાવો પડે છે, પણ કૃષિ મહોત્સવ દરમિયાન વિનામૂલ્યે વિતરણ કરાતા ખેડૂતોનો ધક્કો બચી જશે તેમ સરકારી સૂત્રોનું કહેવું છે.