ગુજરાત રાજયના લગભગ મોટાભાગના વિસ્તારોમાં જૂનના અંત ભાગે અથવા જુલાઇના પ્રથમ સપ્તાહમાં વરસાદ ચાલુ થાય છે. પશુપાલન માટે આ સમય ઘણો જ કટોકટીનો છે. નવુ લીલુ ચરીયાણું ઉપલબ્ધ થતાં ઓગષ્ટ માસ આવી જશે. હાલમાં સંગ્રહ કરેલ જુવાર કડબ, ડાંગરનું પરાળ ખુટવા આવ્યું છે. આ સંજોગોમાં પશુપાલકને પશુ કેવી રીતે નિભાવવા એ મુંઝવણ છે. માટે મિત્રો, આજે તમને ઘઉંના પરાળનું પોષણમૂલ્ય વધારી પશુઓને પશુઆહાર બનાવવાની વાત કરવી છે, થુલીમાંથી કંસાર બનાવવાની રીત બતાવવી છે.
ખેડૂત મિત્રો તમે ઘઉંની કાપણી કરી ઘઉં કાઢી લીધા હશે. જેથી ઘઉં આપણા ઉપયોગ માટે અને પરાળ પશુઓના ઉપયોગ માટે ઉપલબ્ધ થયુ છે. ભૂતકાળમાં ઘઉંના પરાળનો ઉપયોગ આપણે પશુને ખવડાવવામાં કરતા હતા. ઘઉંના પરાળમાં નીચે દર્શાવ્યા મુજબના પોષક તત્વો છે.
લેબોરેટરીમાં પ્રુથ્થ્કરણ કરીને મળેલા તત્વો – પ્રોટીન 2.4, તેલી પદાર્થો 1.4, રેષાવાળા ભાગ 43.7, મેંદાવાળા પદાર્થ 41.7, કુલ 89.2
પશુના પાચનતંત્રમા શોસાતા પાચ્ય઼ તત્વો – પ્રોટીન 0.2, તેલી પદાર્થો 0.5, રેષાવાળા ભાગ 33.5, મેંદાવાળા પદાર્થ 21.7, કુલ 55.9
પ્રોટીન જેવું મહત્વનું તત્વ ઘઉંના પરાળમાં ર.૪ ટકાના પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ પશુઓમાં એનું પાચન ફકત ૦.ર ટકા જેટલું જ થાય છે. આનો અર્થ એવો થાય છે કે મોટાભાગનું પ્રોટીન પચ્ચા વગર છાણમાં નીકળી જાય છે. આમ હોવાથી પશુને જયારે ઘઉંનું પરાળ ખવડાવવામાં આવે છે ત્યારે એનું શરીર નભી જાય છે, પણ એનું શરીર તગડું થતું નથી. દૂધ આપતું હોય તો દૂધમાં વધારો થતો નથી. ઘઉંના પરાળનું પ્રોટીન તત્વ ન પચવાનું કારણ છે, એમાં રહેલ લાકડીયું (લીગનીન) તત્વ. પશુનું જઠર સેલ્યુલોઝ પચાવવાની શકિત ધરાવે છે. પરંતુ, લીગનીન પચાવવાની શકિત ધરાવતું નથી. ઘઉંના પરાળમાં રહેલ બધા તત્વ લીગનીન સાથે મજબૂત રાસાયણિક બંધનથી સંયોજાયેલા હોય છે. આ રાસાયણિક બંધનના હિસાબે આ તત્વો લીગનીનથી છૂટા પડતા નથી અને પશુના પેટમાં પચતા નથી. જેથી છાણમાં નીકળી જાય છે. મુખ્યત્વે આપણુ પશુધન ખેતીની આડપેદાથો પર નીભાવવામાં આવે છે. એવા સંજોગોમાં ઉપલબ્ધ ચારામાંથી કેવી રીતે પુરતું પોષણ મળે એ બાબત પશુ પોષણનાં વૈજ્ઞાનિકો માટે એક મોટો પ્રશ્વન બની ગયો. વૈજ્ઞાનિકોએ આ વિષય પર પ્રયોગશાળામાં સંશોધન કરી ઘઉંના પરાળમાં લીગનીન અને અન્ય પોષક તત્વોના રાસાયણિક બંધનને નબળું પાડવા માટે એક પ્રક્રિયા વિકસાવી. આ પ્રક્રિયાથી ઘઉંના પરાળનું પાચ્ય પ્રોટીન લગભગ ૩ (ત્રણ) ટકા જેટલું થઇ જાય છે, એટલે આ પરાળ જુવારના બાંટા જેટલું કસવાળું બની જાય છે. આ પ્રક્રિયા પશુપાલકો ઘર આંગણે કરી શકે એટલી સરળ છે. એમની પાસે ઉપલબ્ધ સાધનોમાંથી થઇ શકે એવી બાબત છે. ઘઉંના પરાળની યુરિયા પ્રક્રિયા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂરિયાત રહે છે.
- રાસાયણિક યુરિયા ખાતર – ૧૦૦ કિ.ગ્રા. પરાળદીઠ ૪ કિ.ગ્રા. યુરિયા લેખે.
- ૧૦૦ કિ.ગ્રા. પરાળદીઠ ૪૦ લીટર પાણી રાખવા એક મોટુ ર૦૦ લીટર ક્ષમતાવાળું પીપ અને ર૦ લીટર પાણી રહે તેવી એક બાલદી.
- પરાળના ઢગલાં ઢાંકવા માટે ખાતરની પલાસ્ટિકની થેલીમાંથી બનાવેલ એક મોટી ચાદર (૨૦’ x ૨૦’) આ ઉપરાંત પ્રક્રિયા કરવા માટેની એક નાની ચાદર (8’ x 8”).
- વજન કરવા માટેનો સ્પીંગ કાંટો.
- પાણી માપવા માટેનું લીટરનું માપ.
- પરાળની હેરફેર માટે એક મોટો ટોપલો.
પ્રક્રિયા કરવા માટે નીચે મુજબ તબકકાવાર કાર્યવાહી કરવી.
- સૌ પ્રથમ જયાં પ્રક્રિયા કરવા પરાળનો ઢગલો રાખવો હોય તે જગ્યા નકકી કરો.
- મોટા ટોપલામાં રહેલા પરાળનો સપ્રીંગ કાંટા પર વજન કરી નકકી કરો, જેથી ટોપલાના માપથી ચોકકસ વજનનું પરાળ વાપરી શકાય.
- એક જગ્યાએ નાની ચાદર પાથરી તેના પર ૧૦૦ કિ.ગ્રા. પરાળ ટોપલામાંથી ઠાલવો.
- એક પીપમાં ર૦૦ લીટર પાણી લઇ તેમાં ર૦ કિ.ગ્રા. યુરિયા ઓગાળો અને આ ૧૦૦ કિ.ગ્રા. પરાળના જથ્થા પર ૪૦ લીટર યુરિયા દ્રાવણ છાંટો. હાલમાં થેસરથી ઘઉં કાઢવામાં આવે છે જેથી નાના ટુકડા હોય છે, એટલે પરાળને ઉપરતળે કરતા જાવ અને ઉપર દ્રાવણ છાંટતા જાવ. દ્રાવણ છટાય જાય એટલે આ પરાળને જયાં ઢગલો બનાવવાનો છે ત્યાં પાથરી દો. ત્યારબાદ બીજા થર માટે ફરી નાની ચાદર પર ૧૦૦ કિ.ગ્રા. પરાળ પાથરી ઉપર જણાવ્યા મુજબ યુરિયાનું દ્રાવણ છાંટો અને તેને અગાઉનો જે થર બનાવેલ છે તેની ઉપર પાથરી દો. આમ, પરાળની અનૂકુળતા પ્રમાણે પ થી ૧૦ થર કરો.
- થર ગોઠવવાની કામગીરી પૂરી થાય એટલે આ થર પર થોડા સાદા પ્રક્રિયા વગરના પરાળનો થર કરો. હવે આ ઢગલાં પર મોટી ચાદર ઓઢાડી દો. જમીન પર ચાદર અડે ત્યાં ઢગલાં નીચે દબાવી અને ફરતે માટીની પાળી કરી દો. એટલે છેડા બરોબર દબાયેલા રહે. ચાદર કોઇ જગ્યાએ ફાટેલી હોય તો એ જગ્યાએ છાણ-માટીના મિશ્રણનો ગારો બનાવી ચોપડી દો. જેથી ત્યાંથી હવા નીકળી શકે નહિ. આ ઢગલાંની આજુબાજુ કાંટા મુકી દો જેથી એને કોઇ પશુ નુકસાન ન કરે.
એ રીતે બંધ કરેલા ઢગલાંને ર૧ દિવસ બંધ રાખવો. આ સમયગાળામાં યુરિયામાંથી એમોનિયા વાયુ છૂટો પડે છે અને એમોનિયા પ્રક્રિયા કરીને પરાળના લાકડીયા તત્વના (લીગનીન) અને પોષક તત્વ સાથે બંધનને નબળુ પડે છે. આથી આવું પરાળ જયારે પશુઓને ખવડાવીએ છીએ ત્યારે એમાનું પ્રોટીન અને બીજા તત્વો જે લાકડીયા તત્વો સાથે સંયોજાયેલા હોય છે, તે પશુના પેટમાં છૂટા પડે છે અને પશુના પાચનતંત્રમાં શોષાઇને પોષણ પુરૂં પાડે છે. વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે આવી પ્રક્રિયા કરેલા ઘઉંના પરાળમાંથી ર-૩ ટકા પ્રોટીન અને ૬૦ ટકા જેટલા કુલ પાચ્ય તત્વો મળે છે. પરાળ ખવડાવતી વખતે ઉપરની ચાદર યથાવત રાખી ઢગલાંને નીચેની બાજુએથી ખોલીને ખવડાવવો. ખવડાવવા માટે જોઇતો જથ્થો બે-ત્રણ કલાક પહેલા કાઢી ખોલીને મુકો, જેથી એમાંથી એમોનિયાની વાસ નીકળી જશે. શરૂઆતના તબકકામાં યુરિયા પ્રક્રિયા કરેલ પરાળનો જથ્થો મોટા પશુને ઓછા પ્રમાણમાં આપો અને ધીમે-ધીમે આવા પરાળનું પ્રમાણ વધારતા જાવ.
હવે આપણ આજની પરિસ્થિતીમાં ઘઉંના પરાળની પ્રક્રિયાના આર્થિક લાભની ગણતરી કરીએ. ર ટકા પાચ્ય પ્રોટીનવાળા ૧૦૦ કિ.ગ્રા. બાંટાની આજની બજાર કિંમત રૂા. ૪૦૦ છે, જયારે ઘઉંના ૧૦૦ કિ.ગ્રા. પરાળની યુરિયા પ્રક્રિયા કરવાનો ખર્ચ અંદાજે રૂ. ૩પ થાય છે. આ પરાળની કિંમત ૧૦૦ કિ.ગ્રા. ના રૂ. ૧૦૦ ઉમેરો તો રૂા. ૧૩૫ માં જુવારના બાંટા જેટલું પોષણક્ષમ પરાળ ઉપલબ્ધ થાય છે. આમ આજની મોંઘવારીના જમાનામાં સસ્તી પ્રક્રિયા વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે, તેને અપનાવી તેનો લાભ લઇએ. આ ઋતુમાં ઉપલબ્ધ પરાળનો યોગ્ય ઉપયોગ કરી પશુને જાળવો. પશુપાલનમાં આવકનું (નફાનું) દિવસે-દિવસે ઘટી રહ્યું છે અને આપણે ત્યાં મળતા જુવાર બાંટા અને બરડી ઘાસના ભાવ ખૂબ ઉંચા જઇ રહ્યા છે તે સંજોગોમાં ઘઉંના પરાળની યુરિયા પ્રક્રિયા કરી ઉપયોગ કરવાથી દૂધ ઉત્પાદન ખર્ચ ઘટાડી વધુ નફો મેળવી શકાશે.
આ પ્રક્રિયાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-લોકભારતી, સણોસરા અથવા નજીકના પશુચિકિત્સા કેન્દ્રનો સંપર્ક સાધવો.