બીટી કપાસની ઘનિષ્ઠ ખેતી પધ્ધતિ (High Density planting)

Cotton crop

છેલ્લા કેટલાક સમયથી કપાસમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી (High density planting) એટલે કે સાંકડા ગાળે વાવેતરની પદ્ધતિ ચર્ચાનો વિષય બન્યો છે. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિની અંદર એકમ વિસ્તાર દીઠ છોડવાની સંખ્યા ઘણો વધારો કરી ઉત્પાદનમાં વધારો કરવાનો મુખ્ય હેતુ રહેલો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે દુનિયાની અંદર ઘણા દેશોમાં આ પદ્ધતિથી કપાસની સ્થાયી જાતોનું વાવેતર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલીયાની અંદર કેટલાક વિસ્તારમાં આ પદ્ધતિ હેઠળ હેકટરે ૨.૪૦ લાખ છોડ રાખવામાં આવે છે. સ્પેન અને ગ્રીસની અંદર પણ કેટલાક વિસ્તારમાં આ પ્રમાણે કપાસનું વાવેતર કરવામાં આવે છે.

બીટી કપાસ માટેની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ એટલે શું?

જમીન, સમય અને અન્ય સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ રીતે બીટી કપાસની વાવણી ૧૨૦ સે.મી. x ૪૫ સે.મી. અથવા પહોળા પાટલે કરવામં આવતા વાવેતરને બદલે ૬૦ સે.મી. X ૪૫ સે.મી. અંતરે કરી એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા વધારી ઉત્પાદનમાં વધારો કરવો.

બીટી કપાસની ઘનિષ્ઠ ખેતી પધ્ધતિત માટે વાવણી કયારે કરવી?

જૂન માસના બીજા પખવાડીયા દરમ્યાન અથવા ત્યાર બાદ વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવી.

કપાસની વહેલી વાવણી કરવા ખેડૂતો શા માટે પ્રેરાય છે?

ઉત્તર ગુજરાતમાં કપાસની વાવણી મોટા ભાગે મે માસના છેલ્લા અઠવાડિયે કરવામાં આવે છે. વરસાદ આધારિત વાવણી કરવાથી ગરમ અને ભેજવાળુ વાતાવરણ ઓકટોબર માસ સુધી જ મળે છે અને પુષ્કળ ફૂલ ભમરીની અવસ્થાએ એટલે કે નવેમ્બર માસમાં તાપમાન નીચુ આવતા કપાસના છોડનો વિકાસ ધીમો પડતા પાકવાના દિવસો લંબાય છે. તેથી જો વધુ ઉત્પાદન લેવું હોય તો રવી ઋતુ સુધી કપાસનો પાક ઊભો રાખવો પડે, પરંતુ જો રવી ઋતુમાં બીજો પાક લેવો હોય તો ઓછા ઉત્પાદન સાથે કપાસનો પાક પૂર્ણ કરવો પડે છે. આ પરિસ્થિતિને પરિણામે વધુ ઉત્પાદન મેળવવાની લાલસા એ ખેડૂતો કપાસની વહેલી વાવણી કરવા પ્રેરાય છે.

કપાસની વહેલી વાવણી કરવાથી થતા ગેરફાયદાઓ

  • કપાસની વહેલી વાવણી કરવાથી શરૂઆતમાં ખૂબ જ માવજત કરવી પડે છે. વહેલી વાવણીના સમયગાળા દરમિયાન ગરમીના દિવસો વધુ હોવાથી વારંવાર પિયત આપવું પડે છે અને તેના કારણે નીંદામણ અને ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે.
  • વહેલી વાવણી કરવાથી જંગલી પશુઓ જેવા કે નીલ ગાય, ભૂડ જેવા જાનવરોનો ઉપદ્રવ પણ વધુ જોવા મળે છે.
  • વરસાદ ખેંચાય અને વહેલી વાવણી કરેલી હોય તો ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રિપ્સ વધી જાય છે તેથી તે નિવારવા માટેનો ખર્ચ કરવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.
  • સામાન્ય વાવણી કરતા કપાસની ખૂબ જ વહેલી વાવણી (મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં) કરે ત્યારે ગુલાબી ઈયળ માટે યજમાન પાક મળી રહેતા ખોરાક મળી રહે છે. જેના પરિણામે આ જીવાત પોતાનું જીવનચક્ર ટકાવી રાખવા સફળ થઈ જાય છે, જેને પરિણામે નવી પેઢી પેદા થવાનું ચક્ર ચાલુ રહેતા આગળ જતાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ બનાવી શકે છે.

કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અને તેની સમયસર વાવણી કરવાથી કયા ફાયદાઓ થાય?

  • સમયસરની સામાન્ય (પહોળા પાટલે) વાવણી કરતાં કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી લગભગ ૫૩ ટકા જેટલું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
  • ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં લગભગ બે જ વીણીમાં સારું એવું ઉત્પાદન મળી જાય છે જેથી કપાસના પાકને લાંબો સમય સુધી ખેતરમાં ઊભો રાખવાની જરૂર રહેતી નથી.
  • ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી શિયાળુ પાકો જેવા કે ઘઉં અથવા બટાટાનો પાક લઈ શકાય છે જેથી ખેડૂતોને એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ આર્થિક વળતર મળી શકે છે.
  • પાછળથી આવતા ખાખરીના પરિણામે થતા આર્થિક નુકસાનમાંથી બચી જવાય છે.
  • જૂન માસના બીજા પખવાડીયા દરમ્યાન વાવણી કરવાથી એપ્રિલ-મે માસમાં નિકળતાં ગુલાબી ઈયળના મોટા ભાગના પુટ્સ કૂદાંઓ કપાસના પાકની અલભ્યતાને કારણે નાશ પામશે અને ગુલાબી ઈયળના સંભવિત ઉપદ્રવથી બચી શકાશે.
  • આર્થિક રીતે પ૩% જેટલું વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી પાક પુરો થવાથી ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં આવતા ગુલાબી ઈયળના અતિ સંભવિત પ્રકોપમાંથી પાક બચી શકાશે.
  • ઘનિષ્ઠ ખેતી પદ્ધતિમાં કપાસની વાવણીની દિશા ઉત્તર દક્ષિણ હોય કે પૂર્વ પશ્ચિમ હોય તો પણ છોડ સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકે છે.
  • ટુંકા સમયમાં જ સમગ્ર ખેતર પાકની છત્રછાયા (ક્રોપ કેનોપી) હેઠળ આવતા જમીન પર સૂર્યપ્રકાશ ન પડવાથી નીંદામણ નહિવત થાય છે અને ભેજનો પણ સંગ્રહ થાય છે.
  • આમ પહોળા પાટલે કરવામાં આવતા વાવેતરની સામે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી ઓછા પાણીએ, ઓછા સમયમાં, ઓછી મહેનતે, ઓછા સ્ત્રોતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ વધુ આર્થિક વળતર મેળવી શકાય.
  • વહેલી પાકતી જાતોની પસંદગી કરવાથી તે સારુંઉત્પાદન આપી સમયસર પાકી જાય છે અને તેથી પાછોતરા વરસાદથી થતાં નુકસાનમાંથી બચી શકાય છે.
  • કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવવાથી જમીનનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. જેથી એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન પણ વધે છે.
  • અપૂરતાં માર્ગદર્શન તથા સમજણને કારણે ખેડૂત મિત્રો ખાખરીના પ્રશ્નનના નિવારણ માટે ખાખરીને રોગ સમજીને વધુ પડતી દવાઓનો છંટકાવ કરવા પ્રેરાય છે, પરંતુ ખાખરીનું નિયંત્રણ થતું નથી. પરિણામે ખેડૂત આર્થિક નુકસાન ભોગવે છે. ઉત્પાદન પણ ઘટે છે. સમય, મજૂરી અને પૈસાની બરબાદી થાય છે. બીટી કપાસની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવી હશે અને ખાખરીનો પ્રશ્નન ઉદ્દભવશે તો પણ સારું ઉત્પાદન મળશે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.