મગફળી ગુજરાત રાજ્યમાં એક મહત્વનો પાક છે. મગફળીના પાકમાં થતા વિવિધ રોગો (\(disease control in groundnut) અને તેમનું નિદાન નિચે આપ્યા પ્રમાણે છે.
જમીનજન્ય રોગો
મગફળીનો કંઠનો સુકારો (એસ્પરજીલસ નાઈજર)
આ રોગ એસ્પરજીલસ નાઈજર નામની ફૂગથી થાય છે. આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. બીજ જમીન માં વાવ્યા પછી બીજ નું સ્કુરણ થાય તે પેહલા બીજ પત્રો સડી જાય છે. બીજ નું સ્કુરણ થયા બાદ છોડ જ્યારે જમીન બહાર નીકળે ત્યારે છોડ ના કંઠના ભાગે આછા ભૂખરા રંગનું ધાબુ દેખાય છે. અને છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે. થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે. અંતે છોડ કંઠના ભાગેથી ઢળી પડે છે. ૩૧ થી ૩૫° ઉષ્ણતાપમાને આ ફૂગની વૃદ્ધિ થાય છે.
નિયંત્રણ
(૧) બે ઈચથી વધારે ઊંડું વાવેતર કરવું નહિ.
(૨) ધઉં અને ચણા સાથે પાકની ફેર બદલી કરવી.
(૩) લીમડા નો ખોળ અથવા એરંડા નો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે ચાસમાં વાવવો.
(૪) રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
(૫) ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને અથવા લીમડાના બીજનો પાવડર ૩ થી ૫ ટકા અથવા કાર્બનાડાઝીમ ૧ થી ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ ને અથવા મેન્કોજેબ અથવા કેપટાફોલ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી કંઠના સુકરા ના રોગનું અસરકારક નિયંત્રણ કરે છે.
આફુલા રુટ (એસ્પરજીલસ ક્લેવસ)
સામાન્ય રીતે એસ્પરજીલસ ક્લેવસ નામની ફૂગ સડેલા દાણા અને દેખાવે તંદુરસ્ત મગફળીના ડોડવા એમ બંનેમાં માલુમ પડે છે. જયારે બીજ ઉગે ત્યારે પ્રથમ બીજપત્રમાં જોવા મળે છે. રોગગ્રસ્ત છોડમાં પર્ણ પત્રમાં પર્ણની વૃદ્ધિ અટકી જાય છે અને પર્ણનું કદ નાનું થાય છે અને પાનની નસ પીળી પડે છે. આવા છોડમાં દ્વિતીય મુળતત્રની(ગૌણ) ખામી હોય છે. આવા છોડને આફુલા રુટ તરીકે ઓળખવામાં આવે છે. એસ્પરજીલસ ફલેવસની પીળી અને લીલી વસાહત પરિપક્વ અને નુકસાન પામેલ દાણા અને ડોડવા ઉપર જોવા મળે છે.
નિયંત્રણ
(૧) ઘઉં અને ચણા સાથે પાકની ફેર બદલી કરવી.
(૨) લીમડા નો ખોળ અથવા એરંડા નો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે ચાસમાં આપવો.
(૩) રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
(૪) ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરીડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને અથવા લીમડાના બીજનો પાવડર ૩ થી ૫ ટકા અથવા કાર્બનાડાઝીમ ૧ થી ૨ ગ્રામ પ્રતિ કિલો બીજ ને અથવા મેન્કોજેબ અથવા કેપટાફોલ ૨ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી કંઠના સુકરા ના રોગનું અસરકારક નિયંત્રણ કરે છે.
મગફળીના થડનો સુકારો (સ્કેલરોસીયમ રોલ્ફસી)
મગફળી વાવતા મુખ્ય રાજ્યો ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરીસા અને તમિલનાડુમાં આ રોગ ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગ માટે લાતુર, રાયચૂર, ધારવાડ, જુનાગઢ અને હનુમાનગઢ વિસ્તાર ગરમવિસ્તાર તરીકે જાણીતા થયા છે. આ રોગમાં ૨૭ ટકાથી પણ વધારે ઉત્પાદન ઘટે છે. અને મગફળીનો ચારો અને તેલની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળે છે એવો અહેવાલ છે.
આ રોગ સ્કેલરોસીયમ રોલ્ફન્સી નામની ફૂગથી થાય છે શરૂઆતમાં પ્રકાંડ અથવા ડાળીઓ મહદઅંશે અથવા સંપૂર્ણ સુકાવા લાગે છે. પાન ભૂખરા રંગના બનીને સુકાય જાય છે પરંતુ છોડ સાથે ચોટેલા રહે છે. જે જમીન ઉપર તથા છોડની આજુ બાજુ ફેલાવા માંડે છે. રોગગ્રસ્ત વિસ્તારમાં રાઈના દાણા જેવા બીજાણું જોવા મળે છે. રોગગ્રસ્ત ડોડવા પણ સામાન્ય રીતે સડી જાય છે. જ્યારે આવા છોડને ઉપાડવામાં આવે તો ફક્ત છોડની ડાળીઓ જ હાથમાં આવે છે. જ્યારે સડેલા ડોડવા જમીનમાં રહી જાય છે. જેની ઉત્પાદન ઉપર માંઠી અસર પડે છે. આ રોગના રાઈના દાણા જેવા સ્કેલરોસિયા જમીનમાં ૪ વર્ષ કરતા પણ વધારે જીવે છે. આ રોગની વૃદ્ધિમાં દિવસનું ૨૯ થી ૩૨° ઉષ્ણતાપમાન અને રાત્રીમાં ૨૫° ઉષણતાપમાન ભાગ ભજવે છે.
નિયંત્રણ
(૧) ૮ થી ૧૦ ઇંચ ઊડી ખેડ કરવી તથા પાકના જડિયા મૂળીયાંનો નાશ કરવો અને ખેતર ચોખું રાખવું.
(૨) મગફળીના પાકની કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવી.
(૩) મગફળીની રોગપ્રતિકારક જાતોનું વાવતર કરવું.
(૪) ટ્રાયકોડારમા હરજીયાનમ અથવા ટ્રાયકોડારમા વિરીડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવો વાવતા સમયે.
(૫) એરંડાનો ખોળ અથવા લીમડાનો ખોળ અથવા રાઈનો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે અને ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરીડી ભલામણ મુજબ ચાસમાં આપવું
(૬) કેપ્ટાન ૩ ગ્રામ પ્રતિ કિલો દાણાને પટ આપવાથી અસરકારક રીતે થડનો સુકારો ઓછો થાય છે.
હવાથી ફેલાતા રોગો
વહેલા લાગતા પાનના ટપકાનો રોગ (ફેઝારીઓપ્સિસ એરાચીડીકોલા) તથા મોડા લગતા પાનના ટપકાનો રોગ (સર્કોસ્પોરા પસૉનેટા)
વહેલા લાગતા પાનના ટપકાનો રોગ આ રોગ ભારતના ઉતર, દક્ષિણ અને મધ્યભાગના રાજ્યોમાં કે જ્યાં મગફળીનું વાવેતર થાય છે ત્યાં દેખાય છે આ રોગ થી ૧૫ થી ૫૯ ટકા સુધી ઉત્પાદન ઘટે છે. મગફળીના ચારાની ગુણવતા ઘટે છે આ ટપકા પાક વાવ્યા પછી લગભગ ૩૦ દિવસે લાગતા હોય છે. પાનના ઉપરના ભાગમાં ૧ થી ૧૦ મીમી વ્યાસના અનિયમિત આકારના ઘેરા ભૂખરા રંગના ટપકા જોવા મળે છે. આ ટપકાની ફરતે પીળા રંગની કીનારી જોવા મળે છે. આ રોગ લાગેલા પાંદડા ખરી જાય છે આ રોગની વૃદ્ધિમાં ૨૫ થી ૩૦° ઉષ્ણતાપમાન અને ૮૦ ટકા થી વધારે ભેજ ભાગ ભજવે છે. આ રોગના જીવાણું મગફળીની એક ઋતુના અરોડાના છોડ ઉપરથી બીજી ઋતુના અરોડાના છોડ ઉપર જીવતા હોય છે.
મોડા લગતા પાનના ટપકાનો રોગ આ રોગ સામાન્ય રીતે ૬૦ દિવસથી પાકની કાપણી સુધી જોવા મળે છે. મોડા લાગતા પાનના ટપકા ના રોગ માં સામાન્ય રીતે ૧ થી ૬ મી.મી વ્યાસ વાળા ઘેરા રંગ ના મહદ અંશે ગોળ ટપકા જોવા મળે છે. પાન ના નીચેના ભાગમાં આ ટપકા કાળા રંગના ખરબચડા દેખાવવાળા જોવા મળે છે. આ રોગ ની માત્રા વધારે હોય ત્યારે પાન સુકાવા લાગે અને ખરી પડે છે. આ રોગના ચાઠા પ્રકાંડ અને ડાળીઓ ઉપર જોવા મળે છે. આ રોગ માટે ૨૫ થી ૩૦° ઉષણતાપમાન અને ૮૦ ટકાથી વધારે ભેજવાળું વાતાવરણ બંને પરિબળો જવાબદાર છે
પાનના ટપકા ના રોગનું નિયંત્રણ
(૧) મગફળી ઉપાડી લીધા પછી છોડના રોગીષ્ઠ અવશેષો વીણી, બાળીને નાશ કરવો.
(૨) મગફળીની રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
(૩) મગફળી સાથે બાજરા અથવા જુવારનું આંતર પાક તરીકે ૧:૩ ના પ્રમાણમાં વાવેતર કરવું.
(૪) ૨ થી ૫ ટકાની સાન્દ્રતાવાળા લીમડાના પાનના અર્કનો અથવા પ ટકા સાન્દ્રતાવાળા લીમડાના બીજના અર્ક નો છંટકાવ કરવો.
(૫) કારબેન્ડાજીમ (૦.૦૫%) + મેન્કોજેબ (૦.૨%) અથવા ડાયફીનોકોનાઝીલ ૨૫ ઇસી ૧ મીલી. પ્રતિ લીટર અથવા ટેબ્યુકોનાઝોલ ૧.૫ મીલી પ્રતિ લીટર પ્રમાણેનો છંટકાવ જયારે રોગની શરૂઆત થાય ત્યારે ૨ થી ૩ અઠવાડિયાના અંતરે કરવાથી આ રોગનું નિયંત્રણ કરી શકાય છે.
ગેરુ (પક્સીનીયા એરાચીડીસ)
ગેરુ મગફળી વાવતા દરેક વિસ્તારમાં આવે છે છતા પણ રોગની વધારે તીવ્રતા દક્ષિણના રાજ્યોમાં જોવા મળે છે. આ રોગ થી ૧૦ થી ૫૨ ટકા સુધી ઉત્પાદન ઘટે તેવો અહેવાલ છે. વધારામાં આ રોગથી દાણાની સાઈઝ અને તેલની ટકાવારી ઘટે છે. શરૂઆતમાં આ રોગ પાનની ઉપરની સપાટી ઉપર ક્લોરોટીક ટપકા જોવા મળે છે. પાનની નીચેની સપાટી પર ગેરુ જેવા રંગનો ૦.૫ થી ૧.૪ મી.મી. વ્યાસના ઉપસેલા ટપકા જોવા મળે છે. વધારે રોગની તીવ્રતાવાળા પાન સડીને સુકાઈ જાય છે. પરંતુ પાન છોડ ઉપરથી ખરતા નથી. રોગગ્રસ્ત છોડના દાણા ચીમળાઈ જાય છે. અને દાણાનું કદ નાનું રહે છે. ૨૦° કરતા વધારે તાપમાન, પાન વધારે સમય ભીના રહે અને હવામાં વધારે પડતો ભેજ આ રોગના ઉપદ્રવમાં ભાગ ભજવે છે.
નિયંત્રણ
(૧) મગફળીના પાક લીધા પછી ખેતરમાં ઉગી નીકળેલ અરોડાના છોડનો નાશ કરવો.
(૨) મગફળીનું વાવેતર જુન મહિનાના પહેલા પખવાડિયામાં કરવું.
(૩) મગફળીના પાક સાથે બાજરા અથવા જુવારનું આંતર પાક તરીકે ૧:૩ ના પ્રમાણમાં વાવેતર કરવું.
(૪) ગેરુ સામે રોગ પ્રતિકારક કરે તેવી જાતોનું વાવેતર કરવું.
(૫) ૨ થી ૫ ટકાની સન્દ્રતાવાળા લીમડાના પાનના અર્કનો છંટકાવ કરવો અથવા ૫ ટકા લીમડાના બીજનો છંટકાવ કરવો અથવા મેન્કોજેબ, અથવા ક્લોરોથાલોનીલ.
(૬) ટ્રાયોડીમોર્ક ૨૫૦ ગ્રામ પ્રતી હેક્ટર છંટકાવ કરવાથી ઉપદ્રવ ઘટે છે.
અલ્ટરનેરીયા લીફ બ્લાઇટ (અલ્ટરનેરીયા સ્પીસીસ)
છેલ્લા થોડા વર્ષથી ઉનાળુ મગફળીમાં અલ્ટરનેરીયા નામની ફૂગથી થતો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ રોગથી મગફળીનું ઉત્પાદન ૨૨ ટકા તથા મગફળીના ચારાનું ૬૩ ટકા સુધી ઉત્પાદન ઘટી શકે છે.શરૂઆતમાં આ રોગમાં સુકારો પાનની કિનારી ઉપરથી શરૂ થાય છે કે જે શરૂઆતમાં આછા પીળા રંગના “V” આકારના જોવા મળે છે. ત્યારબાદ આ રોગની તીવ્રતા વધતા વચ્ચેની મુખ્ય નસોમાં પણ જોવા મળે છે. આખરે પાન બળેલું સુકરા જેવું દેખાય છે. આખરી તબક્કામાં આવા રોગોયુક્ત પાનની કિનારી બાજુએ વાળી જાય છે. તથા બરડ બની જાય છે. જયારે આ રોગનો ઉપદ્રવ વધે છે ત્યારે પાન પરના આવા ચિન્હો ભેગા મળીને પાન બળી ગયું હોય તેવા તેના લક્ષણો દર્શાવે છે. મગફળીના અરોડાના છોડ દ્વારા એક સીઝન થી બીજી સીઝન સુધી ફેલાય છે. ૨૦° કરતા વધારે ઉષ્ણતાપમાન પાનની ઉપર ભીનાશ અને હવામાં વધારે પડતો ભેજ આ રોગ માટે જવાબદાર છે.
(૧) રોગ પ્રતિકારક કરે તેવી જાતોનું વાવેતર કરવું.
(૨) ૨ થી ૫ ટકાની સાંદ્રતાવાળા લીમડાના પાનના અર્કનો છંટકાવ કરવો અથવા ૫ ટકા સાંદ્રતાવાળા લીમડાના બીજનો અર્કનો છંટકાવ કરવો અથવા કારબેન્ડાજીમ (૦.૦૫%) + મેન્કોજેબ (0.0.૨%) મિશ્રણનો છંટકાવ કરવાથી રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
વિષાણું જન્ય રોગો
મગફળીનો અગ્રકલીકાનો સુકારો (પી.બી.એન.ડી)
વધારે ગરમી પડતા વિસ્તાર જગતિયાલ, હૈદરાબાદ, લાતુર, ત્રિકમગઢ, રાઈ ચૂર અને મેનપુરીમાં વધારે જોવા મળે છે. ૩૦ થી ૯૦ ટકા સુધી મગફળીનું ઉત્પાદન ઘટે છે. પાન ઉપર આછા પીડા અને ઘટ્ટ લીલા રંગનું વર્તુળ બને છે. અગ્રકલીકા સુકાઈ જાય છે. છોડ કદમાં નાના રહી જાય છે. એક કરતા વધારે ડાળીઓ ફૂટે છે અગ્રકલીકાનો સુકારો ધીમે-ધીમે પર્ણ દંડ તથા પકડ તરફ ફેલાય છે. અને ક્યારેક છોડ સંપૂર્ણ સુકાય જાય છે. ડોડવાના કદમાં ઘટાડો થાય છે. તથા દાણા સામાન્ય રીતે ચીમળાયેલા અને નાના કદના રહી જાય છે.
મગફળીના થડ નેક્રોસીસ રોગો (પી.એસ.એન.ડી.)
આ રોગના લાક્ષણીક લક્ષણોમાં મગફળીના થડ (સ્ટેમ) અને પર્ણ પત્રના ટોચનો ભાગ બળી જાય છે અને છોડ મૃત્યુ પામે છે
નિયંત્રણ
(૧) રોગ પ્રતિકારક કરે તેવી જાતોનું વાવેતર કરવું.
(૨) મધ્યભારતમાં મગફળીનું વહેલું વાવેતર(વરસાદ પડે ત્યારથી જુન મહિનાના છેલ્લા પખવાડિયા સુધીમાં) અને ઉતરભારત માટે મોડુ વાવેતર (જુલાઈ મહિનામાં) ભલામણ છે.
(૩) મગફળીની ચોખ્ખી ખેતી કરવી અને મગફળીને નિંદામણ મુક્ત રાખવી ખાસ કરીને પાર્થેનિયમ નીંદણથી મુક્ત રાખવું કારણકે તેમાં પી.એસ.એન.ડી ના વિષાણું જીવિત રહે છે.
(૪) ટુંકા પાટલે ૨૦ અથવા ૨૨.૫ X ૭.૫ અથવા ૧૦ સે.મી. ના અંતરે વાવેતર કરવું.
(૫) મગફળી સાથે બાજરા અથવા જુવાર અથવા મકાઈનું ૧:૩ ના પ્રમાણમાં વાવેતર કરવું જેથી થ્રીપ્સનું હલન ચલન ઓછું થવાથી આ રોગમાં તેનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.
(૬) એમીડાક્લોપ્રીડ ૧.૫ મીલી પ્રતિ કીલો પ્રમાણે બીજને પટ્ટ આપવો.
(૭) મોનોકોટોફોસ ૦.૦૪% (૧૨ મીલી પ્રતિ ૧૫ લીટર પાણીમાં) અથવા ઈમીડા ક્લોપ્રીડ 0.00૮% (૫ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં) અથવા એસીટામીપ્રાઈડ ૦.૦૧% (૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં) અથવા થાયોમેથોકઝામ ૦.૦૧% (૪ મીલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણ કરીને કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો.
સંદ્રભ: જુનાગઢ઼ ક્રુષિ યુનિવર્સિટી
Your work is good .
Helping of farming .
Thanks.
Thanks you Parthbhai
Sir magfali jo dukar (bhund) khay jay to teno solutions apo plz
Thanxs
Srs mahiti se thanks
થેન્કયુ
Kpas ni vdare utpadn aapti kai jatnu vavetr karvu
Ane tema kai tkedari rakhvi
સુભાષભાઇ કપાસની માહિતી માટે http://safalkisan.com/category/crop-info/cotton/ જુઓ
Comments are closed.