મગફળીની વૈજ્ઞાનિક ખેતી (Groundnut crop)

groundnutખેડુતમિત્રો, ચોમાસુ મગફળીનો પાક ગુજરાતના ખેડુતો માટે ખુબ અગત્યનો. મગફળીની વૈજ્ઞાનિક ખેતી (groundnut crop) કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.

જમીનની પસંદગી

દરેક પ્રકારની ફળદ્રુપ જમીન (કાળી જમીન સિવાય) જેમાં પાણીનો નિતાર સારો હોય એવી જમીન મગફળીના પાક માટે અનુકુળ છે. વાવણીથી 20-25 દિવસ પહેલા ઉંડી ખેડ કરી જમીન તૈયાર કરવી. તે પછી 20-25 ટન છાણીયુ ખાતર પ્રતિ હેકટરે જમીનમાં આપવું અથવા 10-12 ટન મરઘીનું છાણ વાપરવું.

પાકની ફેરબદલી

જ્મીન જ્ન્ય રોગોને અટકાવવા માટે મકાઇ, બાજરી અથવા જુવાર પાક સાથે પાક ફેર બદલી અથવા આંતર પાક કરવો.

ખાતર

મગફળી માટે 12.5-25-0 એન.પી.કે. ખાતરની ભલામણ છે. જ્મીનની ચકાસણી પ્રમાણે ખાતર ચાસમાં આપવું.

બિયારણ

ગુજરાતમાં મગફળીના પાક માટે ભલામણ કરેલ જાતો છે – જી.એ.યુ-1, ગીરનાર-1, ગીરનાર-2, ગીરનાર-3, ધીરજ-101, જે.એસ-24, ટેગ-24, ટેગ-26 અને જી.એ.યુ.10.

વાવણીથી એક અઠવાડીયા પહેલા શિંગોમાથી દાણા કાઢી હેકટેર દિઠ 90-100 કિલો બિયારણ તૈયાર કરવું. દાણા મોટા અને રોગ રહિત હોવા જોઇએ. ફુગ, વાયરસ અને જ્મીન જ્ન્ય રોગ અટકાવવા માટે બિયારણને થાયરમ 50% 3 ગ્રામ/કિલો અથવા બાવીસ્ટીન 50% 2 ગ્રામ/કિલો દવાનો પટ આપવો. દવાનો પટ આપ્યા પછી તરતજ વાવેતર કરવું.

વાવણી

ઉભડી મગફળી 30X10 સે.મી. ના અંતરે અને વેલડી મગફળી 45X10 સે.મી. ના અંતરે વાવવી. વાવણી સમયે જ્મીનમાં ભેજ પુરતું હોવું જોઇએ. બિયારણ ઓરણીથી ચાસમાં 5-6 સે.મી. ઉંડે વાવવું. મગફળીનું વાવેતર જુન મહિનાના ચોથા અઠવાડીયા સુધી કરી શકાય.

પિયત

આમતો મગફળીનો પાક વરસાદ આધારીત છે પણ વરસાદ લાંબો ખેંચાય તો પિયત આપવું જોઇએ. પાકમાં ફુલ બેસવાની, શીંગો બનવાની અને દાણા બેસવાની અવસ્થાએ જમીનમાં પુરતું ભેજ હોવું જરુરી છે નહીંતર ઉતારા પર માઠી અસર થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.

નિંદામણ નિયંત્રણ

પાક્ની શરુઆતના 45 દિવસ બહુ અગત્યના છે જેથી આ સમય દરમ્યાન પાકને નિંદામણ મુક્ત રાખવો ખુબ જરૂરી છે. કરબડી ખેતરમાં અવાર નવાર ફેરવવી જેથી નિંદામણ નિકળી જાય, જમીન પોચી થાય અને ફુલ અને સુયા સારા બેસે.

પાકની કાપણી

મગફળીની ઉભડી જાતો 90-100 દિવસમાં અને વેલડી જાતો 110-125 દિવસમાં પાકી જાય છે. કાપણીના 2-3 દિવસ પહેલા પિયત આપવું અને કરબ અથવા હાથથી છોડ નિકાળવા. છોડની સાથે શિંગો ખેતરમાં સારી રીતે સુકવવી. સુકાયા પછી મગફળીમાં 10% થી વધુ ભેજ ના રહેવો જોઇએ એની કાળજી રાખવી.

લેખક

ડો. એસ. એન. ગોયલ

મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.