ખેડુતમિત્રો, ચોમાસાની શરુઆત થતા વરસાદ પડતા જ કુમળું ઘાસ ઉગી નીકળે છે. ચોમાસામાં લીલો ચારો વધુ પ્રમાણમાં મળતો હોય પશુઓને વર્ષ દરમ્યાન લીલો ચારો પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. પશુઆહાર અને પશુ માવજત પશુપાલના મહત્વના પાસાઓ છે. પશુ ઉત્પાદનમાં ૭૦ થી ૭૫ % ખર્ચ પશુઓના ખોરાક પાછળ થાય છે. મોટા ભાગના પાળતું પશુઓ (ગાય, ભેંસ, ઘેટા, બકરા) વાગોળતા પ્રાણીઓ હોવાથી ઘાસચારો તેમનો કુદરતી આહાર છે. પશુ આહારમાં ખાણદાણ તેમજ સૂકા અને લીલા ચારાનો સમાવેશ થાય છે.
પશુ આહારમાં લીલો ચારો ઘણી અગત્યતા ધરાવે છે અને તેના ફાયદા નીચે મુજબ છે.
૧) લીલો ચારો રસાળ હોય છે અને તે પશુઓને વધુ ભાવે છે.
૨) લીલા ચારામાંથી વીટામીન-‘એ’ કેરોટીનના રુપમાં મળે છે જે સૂકાચારામાંથી મળતું નથી. અથવાતો નહીંવત માત્રામાં મળે છે. વીટામી–’એ’ પશુઓની શરીરની વૃધ્ધિ, દૂધ ઉત્પાદન, તંદુરસ્તી, દૂષ્ટિ તેમજ પ્રજનન માટે ઘણું જ અગત્યનું છે.
૩) લીલા ચારામાં વિવિધ પોષક તત્વો જેવા કે પ્રોટીન, ક્ષારો તેમજ પ્રજીવકો વગેરેનું પ્રમાણ તે જ જાતીના સૂકાચારાની સરખામણીએ વધુ હોય છે.
૪) લીલા ચારા સાથે બીજા સુકા ચારાને ખવડાવવાથી સુકાચારાની પોષણ ગુણવત્તા તેમજ પાચ્યતા વધે છે તેમજ પશુ વધારે ખોરાક ખાય છે.
પ) લીલા ચારામાં ખાસ પ્રકારના જીવંત રસ હોવાથી તે પશુઓના શરીરની વૃધ્ધિ તેમજ ઉત્પાદન ક્ષમતા વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે.
૬) લીલો ચારો ખવડાવવાથી દૂધમાં વીટામીન –’એ’ નું પ્રમાણ વધે છે. જે મનુષ્યની તંદુરસ્તી માટે લાભ દાયક છે.
૭) લીલો ચારો પશુઓને પુરતા પ્રમાણમાં આપવાથી પશુ ઉત્પાદન ખાસ કરીને દૂધ ઉત્પાદન સસ્તુ બનાવી શકાય અને એ રીતે પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બનાવવામાં મદદ મળે છે.
લીલો ચારો કેટલો આપવો જોઈએ?
દરેક પુખ્ત જનાવરને શકય હોય તો દરરોજ ૨૦ થી ૨૫ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઈએ. આદર્શ ચારાની વાત કરીએ તો પુખ્ત વયના પશુને ધાન્ય વર્ગનો લીલો ચારો ૧૨ થી ૧૫ કિ.ગ્રા. અને કઠોળ વર્ગનો ચારો ૮ થી ૧૦ કિ.ગ્રા. મળી રહે તે ખાસ જરુરી છે. તેમ છતાં અછતની પરિસ્થિતીમાં પશુની વિટામીન-‘એ’ ની જરુરીયાતને સંતોષવા પ્રતિદિન ઓછામાં ઓછો પ કિ.ગ્રા. લીલો ચારોતો અવશ્ય આપવો જોઈએ.
ઘાસચારાની ઝેરી અસરથી બચવા કઈ સાવધાની રાખવી જોઈએ?
- આહાર / લીલો ચારો સડેલો, ફૂગવાળો કે બફાઈ ગયેલો ન હોવો જોઈએ.
- જંતુનાશક દવાની અસરથી મુકત હોવો જોઈએ.
- યોગ્ય અવસ્થાએ કાપેલો હોવો જોઈએ. જુવારના પાકની નિંઘલ પહેલા કદાપી કાપણી કરવી નહી.
- ધ્વજ પણ આવ્યા પહેલા ઓટનો લીલાચારા તરીકે ઉપયોગ કરવો નહી.
- અછતમાં પાણી ખેંચ પડી હોય તો કાપણી બાદ ચારાને તડકામાં સુકવવો અને ત્યાર બાદ અન્ય ચારા સાથે મિશ્ર કરીને ઉપયોગમાં લેવો જોઈએ.
ઘાસચારાની તંગીને પહોંચી વળવા આટલું અવશ્ય અપનાવો
- લીલો અને સુકોચારો હંમેશા ટૂકડા કરીને મિશ્ર કરીને ખવડાવવો જેથી બગાડ થતો અટકાવી શકાય.
- ખેતરનો થોડો ભાગ પણ ઘાસચારાના ઉત્પાદન માટે રાખો અને જેમાં ઋતુ પ્રમાણેના ઘાસચારાનું વાવેતર કરો.
- પાણીના કાયમી ઢાળીયા હોય તેની આજુબાજુ ગજરાજ ઘાસના જડીયા રોપી કાયમી લીલોચારો મેળવો.
- ચોમાસા દરમ્યાન જુવાર અને મકાઈનું વધુ વાવેતર કરી સાયલેજ બનાવી સંગ્રહ કરવો જોઈએ. જેથી ઉનાળામાં ખેંચના સમયમાં ખવડાવી શકાય.
- શેઢા પર સારી જાતના ઘાસનું વાવેતર કરો.
- પાણીની અછતવાળા વિસ્તારમાં શેઢા પાળા પર ચોમાસામાં સુબાબુલ અને શેવરીના ઝાડ રોપી નિયમિત લીલોચારો અને બળતણ માટેના લાકડા મેળવી શકાય.
- ગોચર જમીનમાં ધામણ/ઝીંઝવો/સ્ટાયલો જેવા ઘાસના બીજ પુંકીને નવસાધ્ય કરવા જોઈએ. તેમજ દર વર્ષે પ્રતિ હેકટરે ચોમાસામાં ૨૫–૩૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ફોસ્ફરસ આપજો જોઈએ.
- ગોચર જમીનમાં નકામાં ઝાંખરા-દાભ–બોરડી વગેરેનો નિકાલ કરવો જોઈએ.
- ગામ લોકોએ/પંચાયતે ગોચરના નિભાવ માટેના જરુરી નિયમો તૈયાર કરી અમલ કરવો જોઈએ.
- રોડ સાઈડ થતાં દેશી-ગાંડા બાવળની શીંગો/કુંવાડીયાના બીજ ભેગા કરી બાફીને ખાણ-દાણના ઉપયોગમાં લેવા જોઈએ.
સંદર્ભ: ખેતીવાડી ખાતું
લીબુડીમા લીબુ આવે તે માટે શુ કરવુ જોયે . જાણકારી આપવા વિનતી .
સુભાષભાઇ, લીંબુના પાકમાં બહારની માવજત આપવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે. લીંબુના પાકમાં જો કોઈ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં ના આવે તો આખા વર્ષ દરમ્યાન વત્તા-ઓછા પ્રમાણમાં ફૂલો આવીને ફળ મળ્યા કરે છે પરંતુ મુખ્યત્વે ફૂલ અને ફળ આ કોઠામાં દર્શાવ્યા પ્રમાણે આવે છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફુલ બેસે તો જુલાઈ થી સપ્ટેમ્બર(ચોમાસુ)માં ૬૦% પાક મળે.
મે-જૂન માં ફુલ બેસે તો ઓક્ટોબર થી જાન્યુઆરી(શિયાળો)માં ૩૦% પાક મળે
ઓક્ટોબર-નવેમ્બર માં ફુલ બેસે તો ફેબ્રુઆરી થી મે (ઉનાળો)માં ૧૦% પાક મળે.
આમ ઉનાળા દરમ્યાન ફક્ત ૧૦ ટકા જેટલા જ ફળો મળે છે. ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે અને બજારભાવ પણ ઉંચા રહે છે. આની સામે ચોમાસા દરમ્યાન પુષ્કળ ઉત્પાદન મળે છે ત્યારે બજારભાવ ઓછા મળે છે. આવા સંજોગોમાં જો લીંબુના પાકને ફૂલો આવવાના સમયમાં ફેરફાર કરી ઉનાળાના સમય દરમ્યાન વધારે ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની ખેતી વધારે નફાકારક બનાવી શકાય.આવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ઓક્ટોબર-નવેમ્બર માસમાં વધુ ફૂલો લાવવા જરૂરી છે. આ માટે ચોમાસું પુરૂં થયા બાદ વાડીને ખેડી ગોડી નાખવી અને જમીનને ૨૦ દિવસ સુધી તપવા દેવી. સૂકી અને રોગિષ્ઠ ડાળીઓ કાપી દૂર કરવી અને બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવો. વીસ દિવસ બાદ ભલામણ પ્રમાણે ખાતરો આપી હળવું પિયત આપવુ જેથી ફૂલો આવવાની શરૂઆત થશે. ઘણી વખત આવી માવજત આપ્યા બાદ વધારે વનસ્પતિક વૃધ્ધિ થવાથી ફૂલો આવતા નથી. આવા સંજોગોમાં ૧૦ પી.પી.એમ., ૨,૪-ડી અથવા ૫૦ પી.પી.એમ., એન.એ.એ. નો ૧ ટકા યુરિયાના દ્વાવણ સાથે છંટકાવ કરવો. વધુમાં લીબુંના ફળો બરાબર બેસી ગયા બાદ ૨ ટકા યુરિયા સાથે ૨૦ પી.પી.એમ., એન.એ.એ.ના ૧ થી ૨ છંટકાવ કરવાથી ફળનું ખરણ ઘટે છે અને ફળના કદ અને વજનમાં વધારો થાય છે. લીબુંના પાકમાં ઉનાળામાં વધારે ફળો લેવા ફૂલ આવવાના સમયમાં ફેરફાર કરવા આણંદ કેન્દ્ર ખાતે થયેલ સંશોધનના પરિણામો દર્શાવે છે કે ફૂલના સમયમાં ફેરફાર થયેલ નથી પરંતુ પુખ્ત વયના ઝાડને ૨ ગ્રામ કલ્ટાર (ક્રિયાશીલ) ઓક્ટોબર માસમાં થડ થી ૩૦ સે.મી. દૂર આપવાથી ઉત્પાદનમાં (૩૫.૩૮ ટ્ન/હેક્ટર) વધારો થાય છે.જ્યારે ફળ સંશોધન કેન્દ્ર દહેગામની ભલામણ પ્રમાણે સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં ૫૦૦ પી.પી.એમ. સાયકોસેલના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી લીંબુના ફળ ૨૦ દિવસ વહેલા તૈયાર થાય છે.
Comments are closed.