મેથીની (fenugreek) વૈજ્ઞાનિક ખેતી

શાકભાજી અને મસાલા માટે વપરાતી મેથી (fenugreek) એક અદભૂત એૌષધ છે અને અગત્યનો શિયાળુ પાક છે. ડોકટરો અને વૈજ્ઞાનિકો આ લીલી તેમજ સુકી મેથીનો ઉપયોગ અનેક જાતના રોગની દવા બનાવવામાં કરે છે.

આપણા દેશમાં મેથીના બે પ્રકાર જોવા મળે છે.

  • દેશી મેથી
  • ચંપા મેથી

ચંપા મેથીનું વાવેતર મોટે ભાગે દેશના ઉત્તર અને પૂર્વના મેદાની વિસ્તારોમાં કરવામાં આવે છે. જયારે દેશી મેથી તો દેશના દરેક રાજયમાં ઉગાડવામાં આવે છે. હાલમાં મેથીની ખેતીમાં ઉત્તર પ્રદેશ અગ્રતાક્રમ ધરાવે છે.

વાવેતરનો સમય અને ભલામણ કરેલ જાતો

મેથીના વાવેતર માટે નવેમ્બર માસના પ્રથમ પખવાડીયાનો સમયગાળો વધારે યોગ્ય છે. ખેડૂતો મેથી જેવા અગત્યના પાકમાં મર્યાદિત પિયત વડે પણ ખેતીને નફાકારક બનાવી શકે છે. જેને માટે સ્થાનિક જાતો કરતા વધારે ઉત્પાદન આપતી સુધારેલી જાતો બહાર પાડવામાં આવે છે. સ્થાનિક જાત કરતા ૭.૧૩% સુધી વધારે ઉપજ આપતી ગુજરાત-૧ જેવી સુધારેલ જાતો હેકટર દીઠ સરેરાશ ૧૮૬૦ કી.ગ્રા. મેથી દાણાનું ઉત્પાદન આપે છે. આ માટે ૧પ થી ર૦ કી.ગ્રા. પ્રતિ હેકટર બીયારણનો દર રાખી રપ થી ૩૦ સે.મી. ના અંતરે બે લાઇનની વાવણી કરવી જોઈએ. હેકટર દીઠ ર૦ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. મેથીના પાકમાં પ્રતિ હેકટરે ૧૦ કિલો ગંધક પાયાના ખાતર તરીકે આપવાથી ૮% જેટલું ઉત્પાદન વધારી શકાય છે.

પિયત

પહેલું પિયત વાવણી વખતે જયારે બીજા પિયત જરૂર મુજબ પંદર થી વીસ દિવસના અંતરે આપવા. વધુ ઉત્પાદન લેવા માટે મેથીના પાકને પ થી ૭ પિયત આપવા જરૂરી છે. મેથીના પાકને કૂવારા પદ્ધતિ એ પિયત આપવાથી ૩૪% વધુ ઉત્પાદન મળે છે. ઉપરાંત પાણીનો પણ ર૮% બચાવ થઇ શકે છે. મેથીનું ઉત્પાદન ન ઘટે તે માટે કુલ આવવા, શીંગ આવવી, દાણા બેસવાની શરૂઆત થવી અને દાણાનો વિકાસ થવાની અવસ્થાએ ચોકકસ પિયત આપવું. પાકને ભૂકી-છારા રોગથી બચાવવા માટે વાદળછાયા કે ઝાકળ વાળા વાતાવરણમાં પિયત આપવું ઇચ્છનીય નથી.

રોગ

ભુકી-છારો કે સફેદ ફૂગ અટકાવવા માટે વાવણી બાદ ૪૦ થી ૪૫ દિવસે થતા પહેલા ૩૦૦ મેશ ગંધકની ભુકી રપ કીલો/હેકટરે ઝાકળના સમયે છાંટવી, રોગના વધુ ઉપદ્રવમાં ૧૦ લીટર પાણીમાં રપ ગ્રામ દ્રાવ્ય ગંધકનો ઝાકળ ઉડી ગયા પછી છટકાવ કરવો.

જીવાતો

  • મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ: ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી મિથાઇલ-ઓ-ડીમેટોન અથવા ૧ર મીલી ફોસફામીડોન દવાનો છંટકાવ કરવો.
  • ઉધઇ ઃ ખેતરમાંથી ઉધઇના રાફડાઓનો નાશ કરવો, ઊંડી ખેડ કરવી, વાવતા પહેલા ૧૦ કિલો બીયારણ દીઠ પ૦ મીલી એન્ડોસલ્ફાઇન (૩પ% ઇ.સી.) અથવા કલોરપાઇરીફોસ (૨૦%ઇ.સી.) દવા અડધા લીટર પાણીમાં મિકસ કરી પટ આપવો.

નિંદણ

શેઢાપાળા-ઢાળીયાને નિંદણમુકત રાખવા. નિંદણમુકત બીજ વાપરવું, ઉભા પાકમાં આાંતર ખેડ કરવી, હાથથી નિંદામણ કરવું તેમજ પેન્ડીમેથાલીન નો ઉપયોગ કરવો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.