વધુ પડતા સિંચાઇના પાણીથી થતા ગેરલાભ

irrigation

ખેડૂતમિત્રો, ખેતીમાં પાકને યોગ્ય પ્રમાણમાં જ પિયત આપવું જરૂરી છે. કોઈપણ પાકને તેમજ કોઈપણ પ્રકારની જમીનમાં જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં પાણી (excess irrigation) આપવામાં આવે ત્યારે ફાયદાને બદલે કિંમતી પાણીનો વ્યય થાય છે અને અન્ય ઘણા ગેરલાભો થાય છે.

પાક પર અસર

  • જમીનની નિતાર શક્તિ નબળી હોય તો પાણી જમીનની સપાટી પર તેમજ પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના અવકાશમાં પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના અવકાશમાં હવાનું પ્રમાણ બિલકુલ નહિવત રહે છે, પરિણામે છોડને પ્રાણવાયુ અને પોષક તત્વો પુરતા નહિ મળવાથી વૃદ્ધિ નબળી રહે છે અને ઉત્પાદન ઘટે છે.
  • પાણી વધુ ભરાઈ રહેવાથી જમીન ઠંડી પડી જાય છે. જમીનનું ઉષ્ણતામાન જરૂરીયાત કરતાં ઘણું નીચું જતું રહેવાથી છોડનો વિકાસ સંતોષકારક થતો નથી.
  • જમીનના ઉપયોગી સૂક્ષ્મ જીવાણુના વિકાસ પર માઠી અસર થાય છે જેથી અલભ્ય પોષક તત્વોનું લભ્ય પરિસ્થિતિમાં રૂપાંતર થતું નથી અને છોડને મળતા નથી.
  • જમીનની ભેજ ધારણ શક્તિ કરતા વધારે પાણી જયારે આપવામાં આવે છે ત્યારે તે વધારાનું પાણી નિતાર દ્વારા પાકના મૂળ વિસ્તારથી નીચે ઉતરી જાય છે જે પાકને મળતું નથી.
  • છોડ ઉપર લોહ, મેંગેનીઝ અને ગંધક જેવી ધાતુઓની ઝેરી અસર થાય છે.
  • છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વોની સમતુલા જમીનમાં જળવાતી નથી.

જમીન પર અસર

  • સેન્દ્રિય પદાર્થના કહોવાણની ક્રિયા મંદ થઈ જાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે.
  • જમીનમાં પાણીનું સ્તર ઊંચુ આવવાથી કેશાકર્ષણ નળીઓ દ્વારા જમીનની નીચેના પડના દ્રાવ્યક્ષારો ઉપરના પડમાં જમા થાય છે અને લાંબે ગાળે જમીન ક્ષારયુક્ત બને છે.
  • વધારે પડતા પાણીના નિકાલ સાથે પાકને જરૂરી પોષક તત્વો, સેન્દ્રિય ખાતર અને જમીનના ઉપલા ફળદ્રુપ પડનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે.
  • લાંબે ગાળે જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે.

ખેતી ખર્ચમાં વધારો

  • વધારે પડતા પાણીથી ખેતરનું હવામાન ભેજવાળું રહે છે જે રોગ અને જીવાતનો ઉપદ્રવ માટે અનુકુળ હોય છે જેને લીધે જંતુનાશક દવા પાર ખર્ચ વધે છે.
  • નીંદામણનો ઉપદ્રવ ખૂબ વધી જાય છે અને મજુર ખર્ચ વધે છે.
  • જમીન જલ્દી સુકાતી નથી જેથી વાવણી, આંતરખેડ, નીંદામણ, કાપણી વગેરે ખેતીકામો કરી શકાતા નથી.
  • સિંચાઈના કિંમતી પાણીનો વ્યય થાય છે સાથે સાથે વિજળી નો બગાડ થાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.