ગુજરાતમાં આશરે ૨૬ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ નું વાવેતર થાય છે. કપાસ ની ખેતીમાં વાવણી થી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતો માં મોલોમશી. તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, પાનકથીરી અને જીંડવા કોરી ખાનારી ઇયળો નો સમાવેશ થાય છે. બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહીવત જોવા મળે છે પરન્તનું વાતાવરણમાં થતા ફેરફાર અને ખેતીમાં આવતા બદલાવ ને લીધે કપાસની પાછલી અવસ્થા એ ગુલાબી ઇયળનું (pink bollworm) નુકસાન જોવા મળે છે. ગુલાબી ઇયળ જીંડવામાં અંદર પેસી જઇને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઇ શકાતી નથી અને એક છુપા દુશમનની માફક નુકસાન કરે છે. આ જીવાતથી ૬૦% જેટલું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જીવાતનો ઉપદ્રવ વર્ષે અને વર્ષે વધતો જાય છે. આ જીવાતનાં નિયંત્રણ માટે તેની ઓળખ, જીવનચક્ર અને તેના નુકસાનના પ્રકાર વિષે જાણવુ એ ખુબજ અગત્યનું બની રહે છે.
જીવન ચક્ર અને ઓળખ
આ જીવાત એ પોતાના જીવન કાળ દરમ્યાન જુદી-જુદી ચાર અવસ્થાઓ માંથી પસાર થાય છે.
ઇંડા અવસ્થા: આ જીવાતનાં ઇંડા ચપટા અને લંબગોળ આકારના હોય છે જે કુંમળા પાનની નીચેની બાજૂએ, કપાસની ફૂલ-ભમરી તેમજ કળી અને નાના જીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ર થી ૧૦ ની સંખ્યામાં જથ્થામાં મૂકાતા હોય છે. ઇંડા અવસ્થા ૪ થી ૬ દિવસની હોય છે.
ઇયળ અવસ્થા: નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે.
કોશેટો અવસ્થા: આ જીંવાતનો કોશેટો આછા બદામી રંગનો હોય છે. ઇયળની છેલ્લી અવસ્થા જીંડવામાં રહેલા બે બીજ એક બીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાથી લગભગ ૬-૨૦ દિવસે ગુલાબી ઇયળનુ પુખ્ત બહાર આવે છે.
પુખ્ત અવસ્થાઃ ફૂદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે જયારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા ફૂદીનો જીવનકાળ અનુક્રમે ૧૫ અને ૨૦ દિવસનો હોય છે. કપાસનો પાક પુરો થવાના સમયે છેલ્લી પેઢીની ઇયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને કયારેક બે વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. પાકની અવધી દરમ્યાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઇયળની સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણનુ તાપમાન અને ભેજનાં ટકા ઉપર આધારિત છે. સામાન્ય રીતે આ જીવાત વર્ષ દરમ્યાન ૪-૬ પેઢીઓ થતી હોય છે. કોશેટામાંથી ફૂદીઓ મે-જૂન અને જુલાઇઓગષ્ટમાં બહાર આવે છે. મે-જૂનમાં નીકળતી મોટા ભાગની કૂદીઓ ઇંડા મૂકતી નથી. પરંતું જુલાઇ-ઓગષ્ટમાં નીકળતી ફૂંદીઓ ઇંડા મૂકીને વધુ નુકસાન કરે છે. આમ, જીવાતનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે ૨૨-૭૭ દિવસનું હોય છે. પરંતુ પાક પુરો થયા બાદ ઇયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક્ર લગભગ ૧૩ થી ૧૩.૫ મહિના સુધીનું હોય છે.
નુકસાન
આ જીવાતનો ઉપદ્રવ એ છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરુઆત થાય ત્યારે થતો હોય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા આકારમાં (રોસેટ) ફેરવાઇ જાય છે. ઇંડામાંથી નીકળી ઇયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. સમય જતા ઇયળે પાડેલ કાણું કુદરતી રીતે પુરાઇ જાય છે. આ ઇયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે. ઇયળ જીંડવાની અંદર દાખલ થઇ રુ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઇયળ એક જ જીંડવામાં જોવા મળે છે. બીજની આજુબાજુનું રુ પીળું પડી જાય છે. જીવાતના નુકસાનથી ઉત્પાદન પર માઠી અસર પડે જ છે. પરંતુ તેની સાથે સાથે રુની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્કુરણશક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે. પરિણામે જીનીંગમાં પણ ધટાડો જોવા મળે છે.
બીટી કપાસમાં પાકનાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધવાના કારણો
આ જીવાત જીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઇયળ સુધી પહોંચી શકતી નથી. આ જીવાતનું નુકસાન જીંડવા અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને જોઇ શક્તા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે. આ જીવાતના કુદરતી દુશ્મનનો પણ બીજી અન્ય જીવાત કરતા ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઇ શકાતો નથી. ખેડૂતો મોટે ભાગે કપાસ પુરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મુકી રાખે છે. આમ કરવાથી આ જીવાતને અવશેષ પ્રભાવનો લાભ મળે છે. આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવુ નુકસાન ઓછું થતુ હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખુબ જ માઠી અસર પહોચતી હોય છે અને સારા ભાવ મળતા નથી. બીટી જીનની કપાસની પાછોતરી અવસ્થાએ ઓછી અસરકારકતા પણ આ જીવાતનો ઉપદ્રવ વધતો હોવનું કારણ ગણાવી શકાય છે. પાછલી આવસ્થાએ કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુનાં ખેતરમાં આ ઇયળની શરુઆત ખુબ જ વહેલી થઇ જતી હોય છે. જીનીંગ દરમ્યાન નિકળેલ વધારાના કપાસિયામાં આ જીવાત સુષુપ્ત અવસ્થામાં રહે છે અને નવા વાવેતરમાં ફૂલ-ભમરી અને જીંડવા શરુ થતાં તેનો ઉપદ્રવ શરુ થતો હોય છે.
સંકલિત નિયંત્રણ
- કપાસની કરાઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવાનો આગ્રહ રાખવો અથવા પાક પુરો થાયા પછી કરાઠીઓને રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દેવી.
- અગાઉ પુરા થઇ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળીઓ, જીંડવા ભેગા કરી બાળીને નાશ કરવા.
- કપાસની છેલ્લી વિણી પછી ખેતરમાં ઘેટાં બકરાં ચરાવવા માટે છુટ્ટા મૂકી દેવા. આમ કરવાથી ઘેટાં બકરાં કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપવ ફુલ ચરી જતા હોય છે અને ગુલાબી ઇયળના અવશેષો ઓછા થાય છે.
- આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પુરુ કરવું જોઈએ. જીનમાં પ્રોસેસીંગની કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરાને બાળી નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઇયળો નાશ પામે છે.
- જીનીંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઇયળના નર કૂદાને સમુહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
- ઓક્ટોબર માસનાં અંતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની કૂદી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને આ ટ્રેપમાં સતત ત્રણ દિવસ સૂધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮-૯ ફૂદાં પકડાય તો જતુનાશક દવાઓ જેવીકે ક્વીનાલફોસ ૨૫ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ફેનવલરેટ ૨૦ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા પોલીટ્રીન સી ૪૪ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા એમામેક્ટીન પ ડબલ્યુ.જી. ૨ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લલ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા નોવાલાયુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાટ્રેનીલીપ્રોલ ૨૦ એસ.સી ૩ મિ. લી. લેખે દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.
- જે વિસ્તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી. નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરુઆતથી હેકટરે ૧.૫ લાખ ટ્રાઈકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીમાં હેકટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઇ શકય.
સંદર્ભ: જુનાગઢ઼ ક્રુષિ યુનિવર્સિટી
Gulaabi iyal maateni davaa market maa Mali rahe tevi janaavso
Engalish ma Muko Gujarati bolay as rite mobile seaport cargo nathi
This app is very useful to progressive farmer
ખુબ સરસ એપ છે દરેક ખેડુતે લાભ લવો જોઈએ બીજા પાક ની પણ માહીતી મળશે જ એવી આશા રાખીયે
Very good information this information is useful for every farmers
Very very good and usefull information.
Comments are closed.