દિવેલાની (castor) વૈજ્ઞાનિક ખેતી

દિવેલા (castor) એ ગુજરાતનો અગત્યનો બિન ખાદ્ય તેલીબિયાં પાક છે. ઓછા વરસાદ સામે ટકી રહેવાની શકિત, ઓછા ખર્ચે વધુ આર્થિક વળતર, ઓછા રોગ-જીવાતના પ્રશ્નોને કારણે મધ્ય ગુજરાત તથા રાજયના અન્ય વિસ્તારમાં ખેડૂતો આ પાક અપનાવતાં થયા છે. દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો અનુક્રમે ૩૮ અને ૩૬% જેટલો છે. દિવેલાના ઉત્પાદન અને તેલની નિકાસમાં ભારત આજે પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં દિવેલાની સરેરાશ ઉત્પાદકતા ૧૯૭૧ કિ.ગ્રા. પ્રતિ હેકટર છે. જે દુનિયામાં સૌથી ઉચી છે અને આ ઉત્પાદકતા મેળવવામાં દિવેલાની સંકર જાતો, પાક સંરક્ષણ, જળ અને જમીન વ્યવસ્થાપન તેમજ જે તે વિસ્તારને અનુરૂપ વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનો ખૂબ જ મોટો ફાળો છે.

જમીન અને આબોહવા

દિવેલાના પાકને વિવિધ પ્રકારની પરંતુ સારા નિતારવાળી જમીન માફક આવે છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી કાળી જમીન માફક આવતી નથી તેવી જ રીતે ક્ષારીય જમીન પણ ઓછી માફક આવે છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ જમીન આ પાકને ખૂબ જ માફક આવે છે. પાણીની ખેંચ સામે પ્રતિકારક શકિત ધરાવતો હોઈ તેની ખેતી બિનપિયત પાક તરીકે સુકા વિસ્તારમાં પણ કરવામાં આવે છે. આ પાક વધુ પડતી ઠંડી અને હિમ સહન કરી શકતો નથી. તેને માટે એકાદ હળની તથા બેથી ત્રણ કરબનીખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવેતર કરવું.

બીજની માવજત

બીજને વાવતાં પહેલાં બીજજન્ય રોગોથી છોડના રક્ષણ માટે એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બન્ડાઝીમ ૧ ગ્રામ પ્રમાણે બીજને પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રિડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. દિવેલામાં સુકારાના રોગ સામે રક્ષણ માટે કિલો બીજ દીઠ ૫ ગ્રામ ટ્રાયકોડમાં વિરડી ૨૦ મિ.લિ. પાણીમાં ઓગાળી બીજને પટ આપી વાવણી કરવી.

આંતરખેડ અને નીંદામણ

દિવેલાના પાકમાં શરૂઆતના ૪૫ થી ૬૦ દિવસ સુધી નીંદામણ ન કરવામાં આવે તો લગભગ ૩૦% જેટલુ ઉત્પાદન ઘટે છે. આથી પાકને શરૂઆતના ૬૦ દિવસ સુધી નીંદણમુકત રાખવો. બે થી ત્રણ આંતરખેડ તથા એક થી બે વખત નીંદામણ કરવું. મજુરોની અછતની પરિસ્થિતીમાં પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૧.૫ લિટર પ્રતિ હેકટરે ૫૦૦ લિટર પાણીમાં નાખી છાંટવાથી અથવા ફલુકલોરાલીનનો ૦.૯ કિ.ગ્રા./હે. સક્રિય તત્વ મુજબ બીજની વાવણી બાદ તરત જ પરતું બીજ અને નીંદણના સ્કુરણ પહેલા (પ્રિ-ઈમરજન્સ તરીકે) છંટકાવ કરવો તથા પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નીંદામણ કરવાથી અસરકાર નિંદણ નિયંત્રણ થઈ શકે છે.

વાવણીનો સમય

જુલાઈથી ઓગષ્ટના મધ્ય ભાગ સુધીમાં વાવણી કરવી. ઓગષ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ધોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી થોડા ઘણાં અંશે બચાવી શકાય છે.

બીજની પસંદગી

ગુજરાત રાજય માટે નીચે મુજબની દિવેલાની સુધારેલી સંકર જાતો વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે.

  • જીએયુસી-૧: ૧૨૪૨ કિલો ઉત્પાદ/હેક્ટેર, લીલું થડ, ધ્વિછારીય, કાંટાવાળા ગાંગડા
  • જીસી-ર: ૧૭૦૭ કિલો ઉત્પાદ/હેક્ટેર, ત્રિછારીય, લાલ થડ
  • જીએયુસીએચ-૧ : ૧૫૧૮ કિલો ઉત્પાદ/હેક્ટેર, લીલું થડ, ધ્વિછારીય, કાંટાવાળા ગાંગડા
  • જીસીએચ-ર: ૧૯૮પ કિલો ઉત્પાદ/હેક્ટેર, લીલું થડ, ત્રિછારીય, સુકારા સામે પ્રતિકારક
  • જીસીએચ-૪: ૨૦૬૦  કિલો ઉત્પાદ/હેક્ટેર, લાલ થડ, ધ્વિછારીય, મધ્યમ કાંટાવાળા ગાંગડા, સુકારા સામે પ્રતિકારક
  • જીસીએચ-૫: ૨૮૨૬ કિલો ઉત્પાદ/હેક્ટેર, લાલ થડ, ધ્વિછારીય, મધ્યમ કાંટાવાળા ગાંગડા, મોડી વાવણી માટે અનુકૂળ
  • જીસીએચ-૬: ૨૩૨પ કિલો ઉત્પાદ/હેક્ટેર, લાલથડ, મુળના કોહવારા સામે પ્રતિકારક, બિન પિયત માટે અનુકૂળ
  • જીસીએચ-૭:  ૩૦૦૦  કિલો ઉત્પાદ/હેક્ટેર, લાલ થડ, ત્રિછારીય, અર્ધ કાંટાવાળા ગાંગરા, સુકારા-કૃમિ અને મૂળના કહોવારા રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે.

વાવણીનું અંતર અને બીજ દર

સામાન્ય રીતે વાવણીનું અંતર જમીનની ફળદુપતા તથા જમીનના પ્રકાર પર આધાર રાખે છે. પિયત વિસ્તારમાં ૯૦-૧૨૦ સે.મી × ૬૦-૭૫ સે.મી.વાવણી કર્યા પછી ૨૦ દિવસમાં ગામો પૂરી દેવા તથા એક ખામણે એક જ છોડ રાખવો જેથી તેનો ચારેબાજુ વિકાસ થાય તથા ડાળી ફૂટવાની શરૂઆત નીચેથી થાય. બીજનો દર ૪ થી ૫ કિ.ગ્રા/હે રાખવો.

ખાતર

દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે હેકટર દીઠ સારૂ કોહવાયેલું ૧૦ ટન છાણિયુ ખાતર અથવા એક ટન દિવેલીનો ખોળ આપવો. તે શકય ન હોય તો જૂનના પ્રથમ અઠવાડીયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો. દિવેલાના પાક માટે કુલ ૭૫-૫૦-૦૦ નાઈટોજન, ફોસ્ફરસ, પોટાશ કિ.ગ્રા/હે પ્રમાણે રાસાયણિક ખાતર આપવું. પાયામાં બદ્યો જ ફોસ્ફરસ અને પ૦ ટકા નાઈટ્રોજન ચાસમાં ૭ થી ૮ સે.મી. ઉડે આપવું. બાકી રહેલ નાઈટ્રોજન વાવણી બાદ ૩૦ અને ૭૦ મે દિવસે બે સરખા ભાગમાં પિયત વખતે ભેજમાં આપવો. હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે દિવેલાને ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટર આપવો. તેમાંથી ૪૦ કિ.ગા.નાઈટ્રોજન પ્રતિ હેકટર પાયાના ખાતરના રૂપમાં ચાસમાં આપવો. બાકી રહેલ ૮૦ કિ.ગ્રા નાઈટ્રોજનમાંથી ૪૦ કિ.ગ્રા નાઈટ્રોજન/હે. વાવણી બાદ ૪૦ મે દિવસે અને બાકીનો ૪૦ કિ.ગો. નાઈટ્રોજન/હે. વાવણી બાદ ૧૦૦ મે દિવસે આપવાથી વધુ આર્થિક વળતર મળે છે. જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો હેકટરે ૧૨૫ કિલો જીપ્સમ (૨૦ કિલો સલ્ફર) વાવણી સમયે આપવાથી વધુ ઉત્પાદન મળે છે.

આંતરપાક

દિવેલાની બે હાર વચ્ચે એક અથવા બે હાર તલ, મગફળી, મગ, ચોળી કે અડદ જેવા પાકો લઈ શકાય છે. પિયત દિવેલાને જોડીયા ચાસ પધ્ધતિથી વાવી તેમાં મગનો આંતરપાક લેવો જેમાં દિવેલા અને મગને તેની ભલામણ પ્રમાણે ખાતર આપવું.

ક્રમિક પાક પધ્ધતિ તથા પાક ફેરબદલી

  • મધ્ય ગુજરાતમાં એકલી તમાકું વાવતા ખેડૂતોએ વધુ ચોખ્ખી આવક મેળવવા માટે તમાકુ પછી ઉનાળામાં મગફળી વાવવી. તમાકુના બદલે દિવેલા (જીસીએચ-૪) – ઉનાળુ મગફળી (જીજી-૨) અથવા કપાસ (સંકર-૮)- ઉનાળુ મગફળી (જીજી-ર) વાવવાની સલાહ છે.
  • દિવેલાનો સુકારો રોગ જયાં વધુ આવતો હોય તેવા વિસ્તારમાં દિવેલા (જીસીએચ-૪), બાજરી-રાઈ, ગુવાર-ઘઉં, જુવાર-જીરૂ તથા દિવેલા (જીસીએચ-૪) જેવા પાકો લઈ ઓછામાં ઓછા ત્રણ વર્ષ પાક ફેરબદલી કરવી.
  • ચોમાસામાં ટૂંકા ગાળાના પાક જેવા કે, મગ, ચોળી, અડદ, ઘાસચારાની જુવાર કે શાકભાજીના પાકો લઈ રવી દિવેલાને ૮૦-૨૫ કિ.ગ્રા. નાઈટોજિન-ફોસ્ફરસ પ્રતિ હેકટર આપી ઓકટોબર માસના પ્રથમ અઠવાડીયામાં રવિ દિવેલાની વાવણી કરવી. મોડી વાવણી માટે જીસીએચ-પ જાત પસંદ કરવી.

પિયત

  • મધ્ય ગુજરાતના નર્મદા કમાન્ડ વિસ્તારના દિવેલા ઉગાડતા ખેડૂતોને ૧૭.૪ ટકા વધુ ઉત્પાદન તેમજ ૨૯.૮ ટકા વધુ નફો મેળવવા માટે વરસાદ બંધ થયા બાદ રપ થી ૩૦ દિવસના આંતરે કુલ પાંચ પિયત દરેક ચાસમાં (૫૦ મીમી ઉડાઈના) આપવાની ભલામણ કરવામાં આવે છે.
  • મધ્ય ગુજરાતમાં ખાંધા ફાર્મના સંશોધનને આધારે જાણી શકાયુ છે કે પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારમાં કાળી જમીનમાં દિવેલાનું વાવેતર કરતા ખેડૂતોને ૨૩% વધારે ઉત્પાદન મેળવવા તથા ૭૩% પાણીની બચત કરવા ટપક સિંચાઈ પધ્ધતિ વાપરવી. આ પધ્ધતિમાં ૯૦ સે.મી.ના અંતરે ૩ લિટર પ્રતિ કલાકના પ્રવાહ દરના ટપકણીયાં ગોઠવી પધ્ધતિને ૧. ૨ કિ.ગ્રા/સે.મી. દબાણે ઓકટોબરથી જાન્યુઆરી માસ દરમ્યાન રપ થી ૩૦ મિનિટ એકાંતરે દિવસે ચલાવવી.

રોગ

દિવેલાનો સુકારો

  • ઉનાળામાં ઉડી ખેડ કરવી.
  • બીજને વાવતાં પહેલાં થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવણી કરવી.
  • છાણિયુ ખાતર અને શણનો લીલો પડવાશ કરવો. રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉખેડી બાળી નાખવા.
  • સુકારા રોગ માટે ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૪ અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા-પ અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૭ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
  • પાકની ફેરબદલી કરવી.

દિવેલાનો મૂળનો કહોવારો

  • પાકની ફેરબદલી કરવી. ઉનાળામાં ઉડી ખેડ કરવી.
  • બીજને વાવતાં પહેલાં થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપવો.
  • છાણિયુ ખાતર અને શણના લીલો પડવાશનો ઉપયોગ કરવો.
  • રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉખેડી બાળી નાખવા.
  • મૂળના કહોવારા માટે ગુજરાત હાઈબ્રીડ દિવેલા-ર અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા-s જેવી રોગપ્રતિકારક જાતોની વાવણી માટે પસંદગી કરવી.
  • દિવેલાના પાકને જરુરિયાત મુજબ પાણી આપીને પાણીની ખેંચ પડવા દેવી નહિ.
  • રોગની શરુઆત થતાં તાંબાયુકત ફૂગનાશક દવા (પ૦ ટકા વે..પા.) ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે દૂરાવણ બનાવી છોડની ફરતે જમીનમાં રેડીને (ડ્રેન્ચીંગ) આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

જીવાતો

ઘોડીયા ઈયળ

  • ઉપદ્રવ ઓછો હોય તો ઈયળો હાથથી વીણી લેવી.
  • ખેતરમાં પાંખાવાળા ડાળાં ઉભા કરવા કે જેથી કીટભક્ષી પક્ષીઓ તેના પર બેસી શકે અને જેવિક નિયંત્રણનો લાભ મળી શકે.
  • કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છટકાવ કરવો.
  • ઈયળ મોટી થઈ ગઈ હોય તો ઉપરોકત દવા સાથે ડીડીવીપી (૦.૦૫ %) પ મિ.લિ. નું મિશ્રણ કરવું.

તડતડીયાં, થ્રિપ્સ

  • ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે જરુરિયાત મુજબના છંટકાવ કરવો.

કાપણી

વાવણી બાદ લગભગ ૯૦ થી ૧૦૦ દિવસે મુખ્ય માળ પાકી કાપણી લાયક બનશે. માળમાં અંદાજે અડધા ડોડવા પાકી જાય અને બાકીના પીળા પડે તે માળ કાપવાની નિશાની છે. કાપણી લગભગ ચાર માસ સુધી ચાલુ રહે છે કારણ કે બધી જ માળો એક સાથે પાકતી નથી. બધી માળો ઉતરી જાય ત્યારે ખળામાં દિવેલા કાઢવાના શ્રેસરથી દાણા છૂટા પાડી, સાફ કરી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.