બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૩ (BT Cotton Cultivation Part 3)

ખેડુતમિત્રો, આ લેખ બીટી કપાસની (BT Cotton Cultivation) ખેતી વિશે લેખમાળાનો ત્રીજો ભાગ છે. તમે ભાગ-૧ અને ભાગ-૨ સફળ કિસાનની વેબસાઇટ પર જોઇ શકો છો.

cotton

પાક વૃધ્ધિકારકોની માવજત

કપાસના પાકમાં ભમરી બેસવાની અવસ્થાએ (દિવસ ૪૦-૩૫ પછી) પીપીએમ ૪૫ ( ઈથીલીનનો) છંટકાવ કરવાથી કપાસમાં ભમરી બેસવાનું પ્રમાણે વધશે, જેથી કપાસનુ ઉત્પાદન વધારે મળશે.પીપીએમનો છંટકાવ કરવાથી ૫૦૦ દિવસે મેલીક હાયડ્રેઝાઈડ ૮૫ કપાસના પાકમાં પણ કપાસનુ ઉત્પાદન વધારે મળે છે.નિંદણ નિયંત્રણ વ્યવસ્થા :

કપાસનુ વધુ ઉત્પાદન મેળવવા માટે પાકની શરૂઆતની વૃધ્ધિના ૫૦ થી ૬૦ દિવસ સુધી પાકને નિંદામણથી મુક્ત રાખવો ખુબ જ જરૂરી છે, કારણ કે શરૂઆતની અવસ્થામાં પાકમાં નિંદામણનો ઉપદ્રવ હોય તો પાક સાથે નિંદામણ પણ જમીનમાંથી ભેજ, પોષક તત્વો અને પાકના વિકાસ માટે જરૂરી જગ્યા અને સૂર્યપ્રકાશની હરીફાઈ કરી પાકના વિકાસને અવરોધે છે. જેથી કપાસના શરૂઆતના વિકાસ પર માઠી અસર થાય છે અને સરવાળે ઓછુ ઉત્પાદન મળે છે. આ માટે કપાસના પાકમાં થતા નિંદામણને આંતરખેડ દ્વારા અને હારમા રહેલ નિંદામણને મજુરી દ્વારા નિંદામણ કરી દૂર કરવું જોઈએ. કપાસના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે પેન્ડિમીથાલીન નિંદામણનાશક દવા દ્વારા અસરકારક નિંદામણ નિયંત્રણ કરી શકાય છે.

કપાસના પાકમાં આંતરખેડથી, હાથથી તેમજ રાસાયણિક નિંદામણનાશક દવાનો સમન્વય કરી નિંદણ વ્યવસ્થાપન કરવાથી પાકને નિંદામણના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ, કપાસના પાકમાં સંકલિત નિંદણ નિયંત્રણ વ્યવસ્થા માટે કપાસની વાવણી બાદ તુરત જ પેન્ડિમીથાલીન નિંદામણનાશક દવા ૧.૦ કીલોગ્રામ સક્રીય તત્વ ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો અને ત્યાર બાદ ૨૦ અને ૪૦ દિવસે બે વખત આંતરખેડ અને હાથથી નિંદામણ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ થઈ શકે છે.

કપાસના પાન લાલ થવા

બીટી કપાસમાં ખાસ કરીને પાન લાલ થવાનો વિકટ પ્રશ્ન ઉદભવ છે, આ અંગેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. પાન લાલ થવાની શરૂઆત પરિપક્વ પાનથી શરૂ થઈ ક્રમશઃ આખા છોડ પર અસર થાય છે. શરૂઆતમાં પાનની કિનારી પીળી પડે છે અને ત્યારબાદ પાનની કિનારી અને પાનની આંતરનસો વચ્ચેની જગ્યા લાલ રંગની થાય છે અથવા તેમાં લાલ રંગના ધાબા પડે છે. પાન કિનારીથી સુકાવા માંડે અને છેવટે અપરિપક્વ અવસ્થાએ ખરી પડે છે. પાન જાડા થતા હોય છે. ફૂલ-ભમરી કે જીંડવા બેસવાની અવસ્થાએ પાન લાલ થતાં હોય ત્યારે નુકશાન વધારે થાય છે જ્યારે જીંડવા બેસી ગયા પછી પાન લાલ થાય તો ઉત્પાદન ઉપર અસર ઓછી જોવા મળે છે. નીચે મુજબના ઉપાયો હાથ ધરવાથી કપાસના પાન લાલ થતાં અટકાવી શકાય છે.

  • છોડમાં નાઈટ્રોજન તત્વની ઉણપ જોવા મળે તો યુરીયા ખાતરનો ૨% પ્રમાણે છોડ પર એક થી બે છંટકાવ કરવા.
  • ફુલ-ભમરી બેસવાની અવસ્થાએ પોટેશિયમ નાઈટ્રેટનું ૩% દ્રાવણ દસ દિવસના ગાળે ૩ છટકાવ કરવા.
  • મેગનેશિયમ અને બીજા પોષક તત્વો પાણી ભરાઈ રહેવાથી છોડને અલભ્ય બને છે, જેથી વધારાના પાણીનો નિકાલ કરવાથી જમીનમાં રહેલા પોષક તત્વો પાકને મળી શકે છે.

ફુલ-ભમરી બેસવાની શરૂઆત અને જીંડવાના વિકાસની અવસ્થાએ મેગનેશિયમ સલ્ફેટ ૦.૫૧.૦% અને ઝીંક સલ્ફેટ ૦.૫% ના દ્રાવણનો વારાફરતી છોડ પર છંટકાવ કરવો.

કપાસમાં આવતી ચુસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા.

આમ, યોગ્ય સમયે અને જરૂરીયાત મુજબના પગલાં લેવાથી કપાસનાં પાન લાલ થતા અટકાવી શકાય અને કપાસના ઉત્પાદન પર થતી માઠી અસર નિવારવાથી ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે.

બીટી કપાસના આગમન સાથે કપાસના ઉત્પાદનમાં ચોક્કસ વધારો થયો છે, સાથે સાથે ઘણી નુકશાન કરતી જીવાતોમાં પણ બદલાવ જોવા મળેલ છે. ચૂસિયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જતુનાશક દવાનો છંટકાવ કરવાથી આ જીવાતોનું નિયંત્રણ થઈ શકે છે. આ માટે એક જ દવાનો છંટકાવ વારંવાર ન કરતાં દર વખતે જુદા જુદા ગ્રુપની જતુનાશક દવાનો છંટકાવ કરવાથી અસરકારક જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે.

કપાસની વીણી

કપાસના છોડ પર બધા જ જીંડવા એક સાથે પરિપકવ થઈ ખુલ્લા થતા નથી, પણ અમુક તબક્કામાં થતા હોય છે એટલે પરિપકવ થઈ ખુલ્લા થયેલ જીંડવામાંથી કપાસની વીણી કરવી જોઈએ. પ્રથમ વીણી ૪૦ થી ૫૦% જીંડવા ખુલ્લા થઈ ફાટે ત્યારે જ કરવી. વીણી કરતી વખતે કપાસની ડાળીઓને નુકસાન થવાથી ભાંગી જતી હોય છે અને ડાળીઓ સુકાવાથી તૈયાર થયેલ જીંડવા વહેલા સુકાવાથી કપાસની ગુણવત્તા પર માઠી અસર થાય છે, વીણી વખતે છોડના વિકાસને અસર ન થાય તેવી કાળજી રાખવી જરૂરી છે. બીટી કપાસમાં જીંડવા છોડ પર એક સાથે ઘણી સંખ્યામાં બેસવાથી ત્રણ વીણીમાં લગભગ બધા જ જીંડવા ફાટીને પરિપકવ થતા હોય છે. આમ, વીણી કરતી વખતે કપાસની સાથે કીટી, સુકા પાન અને અન્ય કચરો કે જીવાત ન આવે અથવા ઓછા આવે તેની ખાસ કાળજી રાખવી. કપાસની વીણી વખતે ઝાકળ કે ધુમ્મસ હોય તો વીણી કરેલ કપાસને સૂર્યના તાપમાં સુકવીને સંગ્રહ કરવો જોઈએ. આમ, કપાસની ગુણવત્તા સારી રહેવાથી બજારભાવ સારા મળે છે અને આર્થિક રીતે ફાયદો થાય છે.

ઉત્પાદન

બીટી કપાસની ખેતીમાં આધુનિક સંશોધન આધારીત ભલામણો અપનાવી ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં ચોક્કસ વધારો મેળવી શકાય છે. બીટી કપાસમાં પિયત, ખાતર અને નિંદણ વ્યવસ્થા માટે પુરતું ધ્યાન રાખવામાં આવે તો હેક્ટરે ૨૫૦૦ કિ.ગ્રા. કરતાં વધુ કપાસનું ઉત્પાદન મળવી શકાય છે.

સંદ્રભ – નવસારી ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.