ખેડુતમિત્રો, મધમાખી પાલન (beekeeping) ખેતીમાં એક પૂરક વ્યવસાય તરીકે એક સારું આવકનું સાધન છે. મધમાખીઓ ખેતીમાં એક અગત્યનો ભાગ ભજવે છે જેથી કરીને ખેડૂતો મધમાખી પાલન દ્વારા વધુ આવકની સાથે સાથે ઉત્પાદન પણ વધારી શકે છે.
દુનિયામાં આશરે ૧૦૦ થી ૪૦૦ વર્ષ પહેલાં એપિસ જાતની મધમાખી વિકસેલ છે. આ મધમાખીઓમાં સાત જુદી જુદી પ્રજાતિ જોવા મળે છે જેમાંથી ચાર મુખ્ય અને ત્રણ ગૌણ જાત છે. ચાર મુખ્ય જાતમાં બે પાલતુ અને બે જંગલી છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં ત્રણ પ્રકારની પ્રજાતિઓ હતી અને ચોથી યુરોપના દેશમાંથી આયાત કરવામાં આવેલ છે.
મધમાખીઓના પ્રકાર
ભમરિયું મધમાખી
ભારતમાં થતી મધમાખીઓમાં સૌથી મોટી અને તેને સ્થાનિક ભાષામાં સારંગમાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મધમાખી એશિયા, સુમાત્રા, જાવા, ફિલિપાઇન્સ અને બીજા એશિઆઈ ટાપુઓમાં વિસ્તરેલ છે.
ડાળી મધમાખી
ડાળી મધમાખી મધમાખીઓની મુખ્ય જાતિઓમાં સૌથી નાના કદની છે. આ મધમાખી પૃથ્વીથી પ00 મીટર ઊંચાઇ સુધી મળે છે. ઝાડની ડાળીઓ, દિવાલોના ખૂણા અને કૂવાની બખોલમાં નાનો લંબગોળ મધપૂડો બનાવે છે. આ મધમાખી ઓછા પ્રમાણમાં મધ ભેગું કરી શકે છે. સ્વભાવમાં ભમરિયા મધમાખી કરતાં ખુબ જ શાંત હોય છે તે કયારેક ખમારતી હોવાથી તેને પાળવી અનુકૂળ નથી.
ભારતીય મધમાખી
આ મધમાખી કદમાં ડાળી મધમાખી કરતા મોટી અને જંગલી મધમાખી કરતા નાની હોય છે. તે સ્વભાવે નમ્ર અને ભારતમાં ડુંગરાળ અને સપાટ પ્રદેશમાં ખાસ કરીને ઝાડની બખોલ, ગુફાઓ, કૂવાની દિવાલો વગેરે જગ્યાએ એક કરતા વધારે સમાંતર પૂડા બનાવે છે. મધ પણ પ્રમાણમાં વધારે એકઠું કરતી હોવાથી તેનો ઉછેર કરી મધ મેળવવામાં આવે છે. આ મધમાખીઓ ફળપાકોના બગીચામાં ફલિનિકરણ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી ફળપાકોનું ઉત્પાદન અને ગુણવત્તામાં સારો એવો વધારે થાય છે. આ મધમાખી વસંત ઋતુ કરતા શિયાળામાં વધારે કાર્યરત હોય છે.
ઇટાલિયન મધમાખી
મધમાખીની આ જાતિ સૌથી વધારે વિસ્તારમાં પ્રસરેલ અને પેટીઓમાં ઉછેર માટે સૌથી વધારે મહત્ત્વની છે. મધમાખીની જાતિઓમાં સૌથી વધારે મધ આપતી જાતિ છે. મધ એકઠું કરવા ખૂબ જ દૂર સુધી વારંવાર જાય છે. લાકડાની પેટીઓ બનાવીને તેનો ઉછેર કરવો અનુકૂળ છે. વર્ષમાં એક પૂડામાંથી સરેરાશ ૩૦ કિ.ગ્રા. અને વધારેમાં વધારે ૭૦ કિ.ગ્રા. જેટલું સારી ગુણવત્તાવાળુ મધ મળે છે. હાલમાં આ જાતિની માખીઓનો ઉછેર વ્યાપારી ધોરણે સારી રીતે વિકસેલ છે. દરેક પ્રકારના વાતાવરણમાં તે અનુકુલનતા કેળવી લે છે માટે આખી દુનિયાના મોટાભાગના દેશોમાં તે જોવા મળે છે. તે પોતાની વસાહત વારંવાર બદલતી નથી તેમજ ખૂબ જ પ્રમાણમાં મધ એકઠું કરતી હોવાથી મોટાભાગે વ્યાપારી ધોરણે તેનો ઉછેર પેટીઓમાં થાય છે.
ગુસ્યુ મધમાખી
ગુસ્યુ મધમાખી નાની ડંખ વગરની હોય છે જે દિવાલ ઉપર કે ઝાડની બખોલમાં નાના ગોળ મધપૂડા બાંધે છે જેમાંથી ખૂબ જ ઓછું મધ મળે છે.
મધમાખીઓનો પરાગનયનમાં ફાળો
મધમાખી વનસ્પતિના ફૂલોની મુલાકાત પરાગરજ અને મધુરસ એકઠું કરવા કરે છે જેથી આડકતરી રીતે ઘણા પાકોમાં પરાગનયન થતા નીચેના ફાયદાઓ થાય
- પરાગરજનું સ્કૂરણ વધારે છે.
- ફળોમાં પોષકતત્વો અને સુંગધ વધારે છે તેમજ બીજની સંખ્યા વધે છે.
- વાનસ્પતિક વૃધ્ધિ વધારે છે તેમજ પાકનો વિકાસ પણ વધારે છે.
- ફળો વધારે બેસે છે અને ઉત્પાદન પણ વધે છે
- તેલીબિયાના પાકોમાં તેલના ટકા વધારે છે.
- જુદા જુદા પાકોમાં રોગો અને જીવાતો સામે પ્રતિકારકશક્તિ વધારે છે.
મધમાખીઓના પરજીવી અને પરભક્ષીઓ તથા તેમનું નિયંત્રણ
બીજા પ્રાણીઓની માફક મધમાખી પર ઘણા કુદરતી દુશ્મનો નોંધાયેલ છે જે એક યા બીજી રીતે મધમાખીના ઉછેરમાં અડચણ પેદા કરે છે.
મધમાખી પાલન કરતી વખતે રાખવાની કાળજી
- મધમાખી પાલન કરતાં પહેલા પરાગરજ અને મધ પુષ્કળ પ્રમાણમાં પૂરા પાડતા પાકોનું આખા વર્ષ દરમ્યાન સતત વાવેતર કરતા રહેવું તેમજ તે પાકો પર જંતુનાશકોનો છંટકાવ સંપૂર્ણપણે ટાળવો.
- મધમાખીની પેટીઓ સારી ગુણવત્તાવાળા લાકડામાંથી બનાવેલ હોય તો જ વાપરવી. મધમાખીની પેટીઓનો ઉપયોગ કરતા પહેલા તેને ફોર્માલ્ડીહાઇડના દ્રાવણથી બરાબર સાફ કર્યા બાદ જ ઉપયોગ કરવો.
- મધમાખીની પેટીઓના સ્ટેન્ડ નીચે કીડી-મકોડા પેટીમાં ના ચડે તે માટે પાણી ભરેલી વાટકીઓ મૂકવી અને આ વાટકીઓનું પાણી સુકાઈ ન જાય તે ખાસ ધ્યાન રાખવું.
- મધમાખીની પેટીઓ જ્યાં રાખી હોય તે જગ્યા બરાબર સાફ રાખવી. પેટીઓનું દરરોજ સવારે એક વખત નિરીક્ષણ કરી પેટીની અઠવાડીયે એક વખત સાફસૂફી કરવી.
- પેટીઓને એક જગ્યાએ મૂક્યા પછી તેની જગ્યા વારંવાર બદલવી ન જોઇએ. જો જગ્યા બદલવાની જરૂર પડે તો ખાસ કરીને રાત્રે અંધારૂ થયા પછી બધી જ માખીઓ પેટીમાં આવી જાય ત્યારબાદ જ જગ્યા બદલવી.
- મધપેટીનું અવલોકન કરતી વખતે જો મધમાખીઓ મરેલી જોવા મળે તો કયા કારણથી માખીઓ મરી છે તે જાણીને તેનું નિરાકરણ કરવું જોઇએ.
- મધપેટીમાં રાણી પેટીના નીચેના માળમાં રહે તે માટે સૌથી નીચેના માળ અને ઉપરના માળ વચ્ચે રાણી ઉપર ન જઈ શકે તેવી જાળી વાપરવી.
- પેટીઓની આજુબાજુ સ્વચ્છ પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવી.
- મધ અને પરાગરજ પૂરા પાડતા પાકો જ્યારે પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે ખાંડની ચાસણી મૂકીને મધમાખીઓને ખોરાક પૂરો પાડવો જોઇએ.
- મધમાખીઓ પર સીધો ઠંડો પવન ન લાગે તે માટે આજુબાજુ પવન અવરોધક પાકો ઉગાડવા જોઇએ.
- મધપેટીમાંથી રાણી કામદારો સાથે ચાલી ન જાય તે માટે રાણીની એક પાંખ કાપી નાંખવી જોઇએ.
- ચોમાસામાં વરસાદ સીધે સીધો મધપેટી પર ન પડે તેવી વ્યવસ્થા કરવી.
- શિયાળામાં ખૂબ જ ઠંડી પડે ત્યારે રાત્રે મધપેટી પર કંતાન ઢાંકવું અને સવારે તે લઇ લેવું.
- ઉનાળામાં સૂર્યનો તાપ સીધેસીધો પેટી પર ન પડે તે માટે વૃક્ષોના છાંયડામાં મધપેટીઓ ગોઠવવી અને શક્ય હોય તો જમીનમાં પિયત આપી ઠંડક થાય તેવી ગોઠવણ કરવી.
- જે મધપેટીમાં રોગ લાગેલ હોય તેને અલગ તારવી રોગ નિયંત્રણનાં પગલાં અપનાવવા.
- મધપેટીમાં પાનકથીરીનો ઉપદ્રવ જોવા મળે તો સલ્ફર પાઉડરનો છંટકાવ કરવો.
સરકાર દ્વારા ખેડૂતો માટે મધમાખી પાલનની તાલીમ ઘણી વાર આયોજિત કરવામાં આવે છે. આ ઉપરાંત, ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ પણ આ ટ્રેંનીંગ આપે છે. વધુ માહિતી માટે તમારી નજીકની કૃષિ યુનિવર્સીટી અથવા નીચે આપેલ સંસ્થાઓનો સંપર્ક સાધો.