ખેડુતમિત્રો, તમે પશુપાલનમાં થોડી બાબતોનો ખ્યાલ રાખીને તમારો નફો વધારી શકો છો.
- વિયાણ સમયે નવજાત બચ્ચાની ખાસ કાળજી રાખો અને નવજાત બચ્ચાંને વિયાણ પછી અડધા કલાક સુધીમાં ખીરુ પીવડાવો.
- વાછરડીઓને એવી રીતે આહાર આપો કે જેથી બે વર્ષની ઉંમરે ૨૫૦ કિ.ગ્રા. વજન પ્રાપ્ત કરે.
- કૃત્રિમ બીજદાનથી પશુઓને ફેળવવાના (સંવર્ધન) આગ્રહ રાખો જેથી આ નવા જન્મેલા પશુધનની ઉત્પાદન અને ઉત્પાદકતા શક્તિમાં વધારો થશે.
- ગાય કે ભેસ તેના વિયાણ પછીના ત્રણ મહિનામાં ગાભણ થવી જોઈએ. યાદ રાખો કે તમે એકવાર ફેળવવાનું ચૂકી જાઓ છો એટલે રૂા. ૧૦૦૦ થી ૧૨૦૦ નું નુકશાન થાય છે.
- ન ફળતા પશુઓને વહેલી તકે યોગ્ય ડૉક્ટરી તપાસ કરાવી સારવાર કરાવો જેથી પશુઓ લાંબા સમય સુધી બિન ઉત્પાદક ન રહે.
- પશુઓ ગરમીમાં આવ્યથી ૧૨ થી ૧૮ કલાક દરમ્યાન ફેળવવા કે કૃત્રિમ બીજદાન કરાવવાની કાળજી રાખો.
- લાંબો સમય ગરમીમાં રહેતા પશુઓને ૨૪ કલાકના અંતરે બે વખત બીજદાન કરાવો.
- પશુઓ બીજદાન કરાવ્યા બાદ ફરીથી ગરમીમાં ન આવે તો બે થી ત્રણ મહિનામાં ગર્ભપરિક્ષણ કરાવવાનો આગ્રહ રાખો.
- પશુના ગર્ભકાળના છેલ્લા બે માસમાં પ્રત્યેક ગાભણ પશુને તેના રોજના પશુઆહાર ઉપરાંત બે કિ.ગ્રા. વધારાનું દાણ આપો. પશુઓને જે ઘાસચારો ખવડાવો તેના ત્રીજો ભાગ કઠોળ વગનો ચારો હોવો જોઈએ તેમજ મીઠું તથા ક્ષારો જાનવરના શરીરના વિકાસ,પ્રજનન તથા ઉત્પાદન માટે ખુબજ જરૂરી છે.
- સમતોલ દાણમાં ૩૦ થી ૫૦ ગ્રામ મિનરલ મિક્ષચર રોજ આપવાનો આગ્રહ રાખો.
- હમેશા લીલો, સૂકો ઘાસચારો ટુકડા કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખો, જેને લીધે ૧૫-૨૦ ટકા ઘાસચારાનો બચાવ કરી શકાય.
- લીલા ઘાસનું અથાણુ (સાઇલેઝ) બનાવી ઉનાળાની સીઝનમાં પણ લીલોચારો ખવડાવો.
- યુરિયા પ્રક્રિયા દ્વારા ઘઉંનું ભૂસુ તેમજ ડાંગરના પરાળની પોષકતા વધારી, ખોરાકી ખર્ચમાં ઘટાડો કરો. પાકી ગમાણમાં નિરણ કરવાથી ઘાસચારાનો બગાડ અટક્શે.
- ભેંસોને ઉનાળામાં બપોરના સમયે રોજરોજ નવડાવવાથી દુધ ઉત્પાદન અને પ્રજનન ઉપર સાનુકુળ અસર થાય છે.
- પશુઓને તંદુરસ્ત રાખવા માટે નિયત સમયના અંતરે (ચોમાસા પહેલાં અને ચોમાસા પછી) કૃમિનાશક દવા પિવડાવો, તેમજ ચેપી રોગ સામેની રસી મૂકાવો.
- આાઉના સોજામાં તુરત જ સારવાર કરાવી, અાંચળ બંધ થતો અટકાવી, દૂધ ઉત્પાદનમાં થતું નુકશાન અટકાવો.
- દોહતી વખતે અંગઠો બહાર રાખી મુઠ્ઠી પદ્ધતિથી દોહવાનો આગ્રહ રાખો તેમજ 5 થી 7 મિનીટમાં સંપૂર્ણ દૂધ દોહી લેવાની કાળજી રાખો.
- પશુઓને દોહનાર વ્યક્તિના હાથ, નખ તેમજ પશુઓનું આઉ સ્વચ્છ હોવો જરૂરી છે, જે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરીયાત છે.