ખેડુતમિત્રો, ચોમાસામાં વરસાદને લીધે મચ્છર, માખી, બેક્ટેરીયા, વાઇરસ વિગેરેનો ઉપદ્રવ ખુબ વધી જાય છે જેને કારણે પશુઓમાં રોગોનું પ્રમાણ વધી જાય છે. આ રોગોને લિધે પશુઓની કાર્યશક્તિ અને દુધઉત્પાદન ક્ષમતા ઓછા થઇ જાય છે અને ઘણીવાર પશુ મ્રુત્યુ પણ પામે છે. આ રોગોનો સમયસર નિયંત્રણ અને સમયસર ઉપચાર નિચે આપ્યા મુજબ કરી શકાય.
ગળસુંઢો (એચ.એસ.)
મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે.
લક્ષણો: ૧૦૫ થી ૧૦૮ ફેરનહીટ આસપાસ તાવ, મોઢામાંથી લાળ પડે, શ્વાસોચ્છવાસ વધે, ધબકારા વધે, ગળાના ભાગે સોજા આવે, ગળામાંથી અવાજ પણ થાય છે. ૨૪ થી ૩૬ કલાકમાં પશુનું મૃત્યુ થઈ શકે છે.
સાવચેતી : તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી.
ઉપાય :આ રોગના નિયંત્રણ માટે દર છ માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ. ચોમાસા પહેલા મેં-જુનમાં તથા ડિસેમ્બરમાં તેની રસી મુકાવી હિતાવહ છે.
ખરવા-મોવાસા (એફ.એમ.ડી – ફુટ એન્ડ માઉથ ડિઝીઝ)
ખરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય-ભેંસની દૂધ ઉત્પાદનશક્તિ ધટે છે.
લક્ષણો : પશુને તાવ ચડે છે. મોઢામાંથી ખૂબ લાળ પડે છે. જીભ, તાળવા તથા મોઢામાં- હોઠના અંદરના ભાગે ફોલ્લાં પડે છે, જે ફૂટતાં ચાંદા પડે છે. પગની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડે છે. દૂધાળા પશુનું દૂધ ૨૫ થી ૬૦ ટકા સુધી ઘટી જાય છે.
ઉપાય : આ રોગના નિયંત્રણ માટે જુન-જુલાઈ માસમાં અને નવેમ્બર-ડિસેમ્બરમાં રસી મુકાવી જોઈએ. આ રોગના જંતુઓનો નાશ કરવા માટે સોડિયમ હાઈડ્રોક્સાઈડ, સોડિયમ કાર્બોનેટ તથા સાઈટ્રીક એસિડ જેવા રસાયણ ઉપયોગમાં લેવા જોઈએ. રોગીષ્ટ પશુને અલગ બાંધવા, મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો તથા વાડાની જંતુનાશક દવાથી સફાઈ રાખવી ઉપરાંત તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા અલાયદી રાખવી. પશુના મોં તથા પગની ખરી પોટેશીયમ પરમેગેનેટના દ્રાવણથી સાફ કરવી. એક્રેલીન અથવા હિમેકસ મલમ કે ટરપેન્ટાઈન તેલથી ડ્રેસીંગ કરવું જોઈએ. રોગીષ્ટ પશુઓની અવરજવર નિયંત્રિત કરવી જેથી રોગચાળો ફેલાતો અટકે છે.
લેખક
ડો. એસ. એન. ગોયલ
મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી