ચોમાસુ ખેતીમાં આગોતરુ આયોજન (kharif crop advance planning)

jowar-253148_960_720આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશમાં ચોમાસુની ઋતુમાં મોટાભાગની ખેતી કરવામાં આવે છે કારણ કે આપણી મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે અને વરસાદ મોટાભાગનો ચોમાસુની ઋતુમાં પડે છે. તેથી ચોમાસુનો સમય આપણા ખેડૂતમિત્રો માટે એક અગત્યનો સમય હોય છે. આ સમય દરમિયાન આપણે પણ આપણી ખેતીમાં ચોક્કસ પ્રકારનું આગોતરું આયોજન (kharif crop advance planning) કરી સારૂ આર્થિક વળતર મેળવી શકીએ.

જમીન

 • સામાન્ય રીતે જમીન વાવેતર માટે લાયક બનાવા વરસાદ ચાલુ થાય તે પહેલાં પ્રયત્ન શરૂ કરી દેવા જોઈએ જેમકે, જમીનને યોગ્ય રીતે ખેડીને તૈયાર કરવી, જેથી વરસાદ પડે ત્યારે તરત વાવણી કરી શકાય.
 • જમીનને અનુકૂળ આવે તેવા પાકોનું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે હલકી રેતાળ જમીનમાં મગ, અડદ, ગુવાર જેવા પાકો જયારે ભારે કાળી જમીનમાં કપાસ, શેરડી જેવા પાકોનું આયોજન કરવું જોઈએ.
 • ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપાવવા દેવી જેથી જમીનમાં રહેલા કોશેટા, ઈયળોનો નાશ થાય તેમજ રોગજીવાતનો ઉપદ્રવ ઓછો થાય તે માટે શેઢા પાળા ચોખ્ખા રાખવા.
 • જરૂર જણાય તો ખેતરને સમતળ કરવું અને છેલ્લી ખેડ ઢાળની વિરૂદ્ધ દિશામાં કરવી જોઈએ જેથી ચોમાસાના પ્રથમ વરસાદનું પાણી જમીનમાં ઉતરે અને જમીનનું ધોવાણ અટકે.

બિયારણ

 • સામાન્ય રીતે આપણે જે પાકનું વાવેતર કરવાનું હોય તે પાકના બિયારણની યોગ્ય જાત પસંદ કરવી જોઈએ.
 • પાકનું આયોજન એટલે કે જે તે વિસ્તારના ચોમાસાની શરૂઆત અને વરસાદની સરેરાશ ધ્યાને લઈ લાંબા ટૂંકા ગાળાના પાકો પસંદ કરવા.
 • ઘણીવાર આપણને વાવણી સમયે બિયારણ જોઈતુ હોય તે સમયે બિયારણની ખેંચ વર્તાતી હોય છે ત્યારે નાછુટકે આપણે ખાનગી બીજ ઉત્પાદકો પાસેથી બિયારણો મેળવવા પડે છે. ઘણીવાર ઉત્પાદન પણ ઓછું મળે છે.
 • બિયારણનો પાક ઉત્પાદનમાં મહત્ત્વનો ફાળો રહેલો છે. આ માટે આપણે અગાઉથી જમીનને અનુકૂળ જે પાક વાવવાનો હોય તે મુજબનુ બિયારણ કૃષિ યુનિવર્સિટીઓના સંશોધન કેન્દ્રો, બીજ નિગમ પાસેથી ખરીદવા જોઈએ, માટે યોગ્ય સમયે વાવણી કરી વધારે ઉત્પાદન મેળવી શકાય.

વાવણી

 • ચોમાસુ ખેતીમાં વાવણીનો સમય ખૂબ જ મહત્ત્વનો હોય છે માટે વાવણી લાયક વરસાદ થાય તછી તરત જ આયોજન મુજબના પાકોનું વાવતેર યોગ્ય અંતરે કરવું જોઈએ. જેથી પાકની વ્રુદ્ધિ અને વિકાસ સારો થાય તેમજ ભેજની માત્રા પણ જળવાઈ રહે છે.
 • ઘણીવાર વરસાદ મોડો શરૂ થાય તેવા સમયે આયોજનમાં થોડો ફેરફાર કરી ટૂંકાગાળાના પાકોનું વાવેતર કરવું હિતાવહ છે જેથી સમયસર પાકો તૈયાર થઈ શકે.

ખાતર

 • આયોજનમાં પસંદ કરેલા પાક માટે ભલામણ કર્યા મુજબ ખાતરો જેવા કે છાણિયું ખાતર, રાસાયણિક ખાતરો અને જૈવિક ખાતરોનો કેટલો જથ્થો જોઈશે. તેની યોગ્ય ગણતરી કરી ચોમાસુ ઋતુમાં વાવણી કરતા પહેલાં મેળવી લેવું જરૂરી છે.
 • વાવણી સમયે જોઈતા હોય તે ખાતરો ખેચ વર્તાતી હોય છે. આવા સંજોગોમાં ખાતર આપવાનો યોગ્ય સમય સચવાતો નથી, જેની પાક ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર થાય છે.

નીંદણ, રોગ અને જીવાત

 • ચોમાસુ પાકોમાં નીંદણ ઓછું થાય તે માટે ખેતરમાં સંપૂર્ણ કહોવાયેલું છાણિય ખાતર આપવું તેમજ ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપાવવા દેવી જેથી જમીનમાં રહેલા કોશેટા, ઈયળોનો નાશ થાય તેમજ રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય તે માટે શેઢા પાળા ચોખ્ખા રાખવા.
 • નીંદામણ કરવા માટે મજૂરો મળી રહે તેવું આયોજન કરવું પણ ઘણી વખત અમૂક વિસ્તારમાં મજૂરોની અછત વર્તાય છે. આવા સમયે પાકને ધ્યાને લઈ નીંદણનાશક દવાઓ કેટલી જોઈશે તે પ્રમાણે વાવણી પહેલાં મેળવી લેવી જોઈએ, જેથી વાવણી બાદ તુરત કે વાવણી પહેલા જમીનમાં આપવાની દવા યોગ્ય સમયે યોગ્ય માત્રામાં છંટકાવ કરી નીંદણ નિયંત્રણ નીંદણ ઉગ્યા પહેલાં જ કરી શકાય છે.
 • રોગ અને જીવાત માટેની દવાઓ પણ કેટલી જોઈશે. તે પ્રમાણે વાવણી મેળવી લેવી જોઈએ કારણ કે જે સમયે આપણા પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ શરૂ થતાં જોઈતી હોય તે સમયે ઘણી વાર આપણને મળતી નથી. જેથી પાક ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે.

પિયત

સામાન્ય રીતે વરસાદ આધારિત પાકને પિયતની જરૂર રહેતી નથી. ઘણીવાર વરસાદની લાંબાગાળાની ખેંચ વર્તાય છે, તે વખતે પાકને કટોકટીના સમયે એકાદ પિયત આપી શકાય તે રીતે આયોજન કરવું. આ માટે આપણે ખેતરનુ પાણી ખેતરમાં તેમજ ખેતતલાવડીનો અભિગમ અપનાવો જોઈએ જેથી પાકને કટોકટીના સમયે પૂરતા પ્રમાણમાં પિયત મળી રહે તે રીતે આયોજન કરવું.

કાપણી

પાક તૈયાર થઈ ગયા પછી યોગ્ય સમયે કાપણી કરી શકાય તે રીતે આયોજન કરવું.

આમ આ બધી બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય રીતે આયોજન બધ્ધ રીતે ખેતી કરવામાં આવે તો આર્થિક વળતર પણ સારૂં મેળવી શકીએ.

સંદ્ર્ભ: આણંદ ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.