બનાસ ડેરીના પશુચિકિત્સા વિભાગ દ્વારા પશુપાલકો માટે જરૂરી માર્ગદર્શન
કીટનાશક દવા તાજી છાંટેલી હોય તેવા કે બગડી ગયેલા કે કુમળા ઘાસચારાનું પશુઓને નીરણ કરવાથી થતી ઝેરની અસર અને તેનાથી બચાવના ઉપાયો
ઘાસચારાની અછતને પહોચી વળવા માટે પશુપાલકો પોતાના પશુને ક્યારેક કુમળી જુવારનો લીલો-ચારો, લીલાચારા સાથે એરંડાની ફોતરી કે એરંડાના પાંદડા તથા ખેતરમાં ઉમેરેલ વધુ પડતા નાઇટ્રોજનયુક્ત રસાયણિક ખાતરથી ઉગાડેલ પાકનો લીલો ઘાસચારો તેમજ બગડી ગયેલા કે કાળા પડી ગયેલા તથા બટાકા અથવા અન્ય પાક કે જેમાં વધારે પડતી ઝેરી દવાઓ(પેસ્ટીસાઈડસ)નો છંટકાવ કરેલ હોય તેવા લીલા ઘાસચારાનું નીરણ કરતા હોય છે. આ તમામ ચારો ફાયદાકારક બનવાને બદલે ક્યારેક પશુઓ માટે ઝેરી બનવાથી જીવલેણ સાબિત થતો હોય છે. જો પશુને ઝેરના લક્ષણો જણાય તો તેને પાણી પાવું જોઇએ નહિ અને તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવવા જોઇએ. પશુઓમાં તમામ વનસ્પતિજન્ય ઝેરની અસરના લક્ષણો લગભગ એકસરખા જણાતા હોય છે, આથી પશુ ચિકિત્સકને ખાવડાવેલ પશુ આહારની સચોટ માહિતી આપવી જોઇએ, જેથી તેનું સચોટ નિદાન અને સારવાર થઇ શકે.
તાજેતરમાં ધનપુરા (જલોત્રા) ગામમાં ૧૫ દિવસ પહેલા જ બટાકાના વાવેતરમાં ઝેરી દવા છાંટેલી હતી અને આ બટાકાના વાવેતરમાં વચ્ચે ઉગતા નકામા નિંદામણ ચારવાથી ૬ પશુઓના મૃત્યુ થયેલ અને બનાસ ડેરીના તજજ્ઞ પશુચિકિત્સકની તાત્કાલિક સારવારને પરિણામે ૨૦ પશુઓ બચાવી લેવાયા હતા.
આમ પશુને લીલાચારાનું નીરણ કરતાં પહેલા ખુબજ કાળજી લેવી જરૂરી છે.
સામાન્ય રીતે ઝેરની અસરને કારણે પશુઓમાં નીચે મુજબના લક્ષણો જોવા મળતા હોય છે.
(૧) પશુ વાગોળવાનું તથા ખાવાનું છોડી દઈને તાત્કાલિક પડી જઈને તરફડીયા મારે છે અને છેવટે પશુનું મૃત્યુ થઇ જાય છે.
(૨) પશુને ઝાડા, ક્યારેક લોહી મિશ્રિત ઝાડા થાય છે તથા આફરો ચડે છે અને પશુને પેટમાં દુ:ખાવો થાય છે.
(૩) શ્વાસોશ્વાસ ઝડપી, તકલીફવાળા બને છે, તેમજ શ્વાસમાં અવાજ આવે છે, અને હૃદયના ધબકારા વધી જાય છે.
(૪) પશુના મોમાંથી લાળ પડે છે, આફરો ચડે છે તથા પશુને ખેંચ આવે છે.
(૫) પશુની આંખોનો રંગ ભૂરાશ પડતો તથા લોહીનો રંગ ઘેરો ચોકલેટ જેવો કાળાશ પડતો થઇ જાય છે.
(૬) પશુ આડું પડીને ભાંભરે છે અને થોડાક સમયમાં જ મૃત્યુ પામે છે.