નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં બે વરસથી અપૂરતા વરસાદના કારણે કૃષિ ક્ષેત્ર ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં નેશનલ ક્રોપ ઈન્સ્યોરન્સ સ્કીમ રજૂ કરવા પગલાં ભરશે, તેમ લોકસભામાં રાજ્ય નાણા મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે લાંબાગાળાનું આયોજન કરીને રોકાણ કરવું પડશે. ફર્ટિલાઈઝર સબસિડી સિસ્ટમમાં સુધારાની જરૂર છે. અગ્રીકલ્ચર સેક્ટરમાં સુધારો લાવવા માટે ઈરિગેશન ફેસિલિટિમાં વધુ રોકાણ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું કહ્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઓછા વરસાદથી પાક પર અસર પડી છે. અગાઉ દુકાળ કે પૂરના કારણે 50 ટકા પાક નિષ્ફળ જાય તો લોન સહાય આપવામાં આવતી હતી,પરંતુ હવે નવા માપદંડ મુજબ આ પ્રકારના કિસ્સામાં 33 ટકા પાક નિષ્ફળ જાય તો સહાય કરાશે. તેનાથી ખેડૂતોને મદદ કરશે.
દુકાળની અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે વ્યાજ મુક્ત લોનના માપદંડોના લેખિત જવાબમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, પોસાય તેવા ખર્ચે એગ્રીકલ્ચર લોન ઉપલબ્ધ કરાવવાનો અમારો હેતુ છે. સરકારે રૂ.ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળા માટે એક વર્ષની પાક લોન માટે ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ અમલી બનાવી હતી અને તેનું વાર્ષિક વ્યાજ 7 ટકા હતી. જો રકમની સમયસર ચૂકવણી કરવામાં આવે તો વ્યાજ ઘટાડીને 4 ટકા લેવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.