પશુઓમાં પણ માણસની જેમ જ સામાન્ય બિમારીઓ જેવી કે, ઝખમ, ગડ ગુમડ, તાવ, સોજો, દુખાવો, આફરો વગેરે જોવા મળે છે. જેમાં કેટલીક વખતે યોગ્ય સારવાર તૂરત જ આપવામાં ન આવે તો પશુ માટે જીવલેણ નીવડે છે. જેમ ખેડૂતને પડતર ખેતર પાલવતું નથી તેમ આજના સમયમાં જાનવર કાર્યક્ષમ ન હોય તો પશુપાલકને કેમ પરવડે ? જેથી આદર્શ પશુપાલકને આ અંગેની માહિતી હોવી ખૂબ જ અગત્યની છે, જેથી રોગને આગળ વધતો અટકાવી શકાય અને પશુને તાત્કાલિક રાહત આપી શકાય. તેના માટે આપણે, પશુ પ્રાથમિક સારવારમાં ઉપયોગી દવાઓની માહિતી અને સમજ કેળવીએ.
ઘા તથા ઇજા અને તેમાં જીવડા (જીવાત) પડવા
ઘા અથવા ઇજા થયેલ ભાગને સૌ પ્રથમ રૂના પૂમડાંથી સાફ કરી ટીંકચર આયોડીન લગાડવું જોઇએ જેથી કરીને જંતુનો નાશ થાય અને ઘા પાકે નહીં. કેટલીક વખતે શીંગડું ભાગતા તથા ખેતીના ઓજાર વાગતા ઘામાંથી વધુ પડતું લોહી વહેતુ હોય તેવા સમયે ટીંકચર બેન્ઝોઇનનો પાટો બાંધવાથી લોહી વહેતું બંધ કરી શકાય છે.
ખરવા મોવાસાના રોગમાં મોઢામાં પડતાં ચાંદાને પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણથી સાફ કરી શકાય. પગની ખરીમાં તથા ચોમાસા દરમ્યાન થતાં ઘા માં જીવડા પડયા હોય ત્યારે તેની ઉપર ટરપેન્ટાઇન તેલનું પૂંમડું મુકતાં તે બહાર આવે છે. તેને ચિપીયાથી કાઢી લઈ ઘા પર જંતુનિરોધક મલમ લગાડવો જોઇએ. આવા ઘા પર હળદરનો લેપ પણ લાભદાયી નીવડે છે.
શિયાળાની ઋતુમાં આંચળ પર ચીરા/વાઢિયા પડતાં હોય છે, જેને લીધે પશુને દોહન સમયે ખૂબ જ પીડા થાય છે અને દૂધ દોહવા દેતું નથી. આ સમયે તેના આંચળ પર તેલ કે વસેલીન માં ઝીંક ઓકસાઈડના પાવડરનો મલમ બનાવી, લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે.
શરીરનાં ભાગ પર સોજો / મૂંઢ મારથી થતી ઈજા
બેઠો માર વાગ્યો હોય અને સોજો ચડયો હોય અથવા કોંધ આવી હોય તેવા સમયે આયોડેકસ મલમનો માલીસ કરવાથી ઘણો ફાયદો થાય છે. આ મલમથી શરીર પર થતી રસોળી પર ચાર પાંચ દિવસ માલીશ કરવાથી રસોળી પાકી જાય છે. જેને નસ્તર મુકાવી પરું કાઢી નાખી સારવાર કરવાથી જલદીથી રૂઝ આવે છે. પશુ લંગડાતું હોય ત્યારે સોજા વાળા ભાગ પર ટરપેન્ટાઇન લીનીમેન્ટ નામની દવાનો માલીશ કરવાથી પશુને રાહત આપી શકાય છે. આ ઉપરાંત દુખાવો દૂર કરતી દવાઓ જેવી કે એનાલજીન, મેલોનેકસ, નીમેસુલાઇડ વગેરે આપવાથી ફાયદો થાય છે.
કાનમાં રસી/ પાક થવો
ઘણી વખતે પશુઓમાં પણ કાનમાં પાક થવો| રસી થતી જોવા મળે છે. જેના લીધે પશુને વેદના થતાં તે ખાવાનું ઓછું કરે છે. માથું ભટકાવે છે અને દૂધ પણ આપતું બંધ થઇ જાય છે. તો આવા સમયે કાનને હાઇડ્રોજન પેરોકસાઇડ થી સાફ કરી મરકયુરોક્રોમ સોલ્યુશન ના ટીપા દિવસમાં બે ત્રણ વાર નાખવાથી જલ્દી રસી મટાડી શકાય છે. આ ઉપરાંત લીન્કોસામાઇડ, કલોરામફેનીકોલ જેવી એન્ટીબાયોટીક દવાથી ફાયદો થાય છે. બિલીપત્ર, લીમડાના પાન, અજમો અને લસણ વાટીને દિવેલ સાથે ઉકાળીને ઠંડુ કરી જાનવરના કાનમાં ૩ ૪ ટીપાં દિવસમાં બે સમય નાખવાથી ફાયદો થાય છે.
નસકોરી ફૂટવી/ નાકમાંથી લોહી વહેવું
ઘણીવાર પશુઓમાં નાકમાં ગાંઠ સિસ્ટોસોમીયા નામનો રોગ અથવા ઉનાળાનાં સમયે નાકમાંથી લોહી વહે છે. જો એકદમ તાજુ લોહી વહેતું હોય તો તે નસકોરી ફૂટવાથી થતું હોય છે. આવા સમયે પશુને નાકનાં ભાગે ઠંડો બરફ અથવા ઠંડુ પાણી છાંટવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત પશુચિકિત્સક અધિકારી પાસે એડકોમ, ઇથામસીલેટ નામના ઇંજેકશન મૂકાવવાથી લોહી વહેતું અટકાવી શકાય છે.
આફરો ચડવો
સામાન્ય રીતે આાફરાના કેસ શિયાળાની ઋતુમાં વધુ પડતો લીલો ઘાસચારો નીરવાથી થતા જોવા મળે છે. તે વખતે તૂરત જ ટરપેન્ટાઇન તેલ પ૦ ગ્રામ તથા ખાવાનું તેલ પ૦૦ ગ્રામ ભેગુ કરી પશુને પાવામાં આવે તો આફરો બેસી જાય છે. હીંગ તેમજ લાલ મરચાનો પાવડર ભેગો કરી પીવડાવી શકાય છે. તેના નસકોરા પર કેરોસીનનો છંટકાવ કરવાથી પણ ફાયદો થાય છે.
આ ઉપરાંત કેટલીક આયુર્વેદિક સીરપ જેવી કે “બ્લોટોસીલ”, “બ્લોટોનીલ” વગેરે ૧૦૦ મિ.લિ. ની માત્રામાં પાવાથી આફરો કાબુમાં લઇ શકાય છે. જો ખૂબ જ આફરો ચડયો હોય અને પશુના જીવનું જોખમ જણાતું હોય તો તાત્કાલિક તેના ડાબા પડખાના પેટનાં ત્રિકોણવાળા ભાગ પર ટોકર કેન્યુલાથી કાણું પાડી ગેસ બહાર કાઢી જાનવરનો જીવ બચાવી શકાય છે.
વારંવાર આફરો ચડવો : આવા કિસ્સામાં આદુ પાઉડર ૩૦ ગ્રામ, હિંગ ૩૦ ગ્રામ, અજમો ૩૦ ગ્રામ, નક્ષ વોર્મીકા પાઉડર ૪ ગ્રામ, એમોનિયમ કાર્બનેટ પાઉડર ૪ ગ્રામ, ખાવાનું તેલ પ૦૦ ગ્રામ.. આમ, આ તત્વો ભેગા કરી પીવડાવવાથી રાહત થાય છે.
આ ઉપરાંત લીકવીડ પેરાફીન નામની કૃમિનાશક દવા ૪૫૦ ગ્રામ, પાણી પાવાની સાથે પશુને આપવી જોઇએ.
બંધકોષ ઝાડો બંધ થવો
ઝાડો સૂકાઇ જવો, બંધ થઇ જવો, કબજીયાત તથા ઝેરની અસરવાળા કિસ્સામાં ઝાડા કરાવવા માટે મેગનેશિયમ સલફેટ નામની દવાનો ઉપયોગ થાય છે. ૨૫૦ ગ્રામ જેટલો પાઉડર નવશેકા પાણીમાં ઓગાળીને નાળવાટે પીવડાવવાથી પશુને રાહત આપી શકાય છે. આ પાઉડરનો ઉપયોગ મેગનેશિયમની ઉણપથી થતા ધ્રુજારીના રોગમાં પણ ઉપયોગી નીવડે છે.
તાજા જન્મેલા બચ્ચાંમાં ઘણી વખત બંધકોષ અથવા ઝાડો બંધ હોય તો તેવા કેસમાં તાજી મોળી છાસમાં સંચળ ભેગુ કરીને પીવડાવવાથી ઝાડો થાય છે. જો વધુ જરૂર જણાય તો તેવા સમયે સાબુનું ૨૦ મિ.લિ. પાણી ગુદા વાટે આપવાથી ઝાડો કરાવી શકાય છે.
ગર્ભાશય/યોનિભ્રંશ (Uterine/Vaginal Prolapse)
લજજામણીનો રસ ગર્ભાશય / યોનીના બહાર નીકળેલ ભાગ પર લગાડવો તેમજ લજજામણીના પાન ખવડાવવાથી ફાયદો થાય છે. મૂષક તેલ ૪૦-૫૦ ટીપા પીવડાવવાથી તેમજ નીકળેલ ભાગ પર લગાડવા.
આ ઉપરાંત પ્રોજેસ્ટીરોન નામની દવા પ૦૦ મિ.ગ્રા. તથા કેલ્શિયમ બોરોગલુકોનેટ આપવાથી ફાયદો થાય છે. જો યોનિ માર્ગમાં ચેપ લાગેલ હોય તો ઓકસીટેટ્રાસાઇકલીન એલ. એ. નામના ઇન્જેકશન ૭૨ કલાકના અંતરે મુકાવવાથી ખૂબ જ ઉપયોગી નીવડે છે.
સર્પદંશ થવો / સાપનું કરડવું
જાનવરોમાં સાપ કરડવાથી થતા મૃત્યુના કેસ જોવા મળે છે. ઝેરની અસર સાપની પ્રજાત્તિ, દંશની જગ્યા વગેરે પર આધારિત હોય છે. આવા કિસ્સામાં પશુને ઝેર ચડે તો મોઢામાંથી લાળ, ફીણ પડે છે. આંખોની કીકી પહોળી થઇ જાય છે. સર્પદંશની જગ્યાએ સોજો આવે છે, લોહીનો ગઠ્ઠો જામે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ધબકારા ધીમા પડે છે અને મૃત્યુ થાય છે. સર્પદંશની જગ્યાએ ફેંગમાર્ક જોવા મળે છે, જે ત્રણ દાંત ના ચિન્હો હોય છે અને અંગ્રેજી અક્ષર ‘વી’ જેવા લાગે છે.
સારવાર ઃ સર્પદંશની જગ્યાથી એક ઇંચ ઉપર રબરનો બેન્ડ અથવા પટ્ટી બાંધવી જે ૨૦ મિનિટ બાદ ખોલી દઇ ફરી બાંધવી જેથી ધમનીનું પરિભ્રમણ ચાલુ રહે. જો પાટો ના બાંધી શકાય તો તે ભાગ પર ચીરો મૂકી લોહી વહેવા દેવું જોઇએ. આ ઉપરાંત પશુચિકિત્સક અધિકારી પાસે પોલીવેલન્ટ એન્ટી વેનમ સીરપ ૦.ર યુનિટ/ ૧૫૦ કિ.ગ્રા પશુના વજન જેટલું અપાવવું જોઇએ. જેની સાથે નિઓસ્ટીગર્મીન, કોર્ટીસોન નામની દવા પણ આપવાથી જાનવરનો જીવ બચાવી શકાય છે.
લકવો થવો (Paralysis)
ઘણી વખત જાનવરોમાં પાછળના પગે લકવાની અસર થતાં તે ઉભું થઇ શકતું નથી. આવા સમયે તેને ન્યુરોબીયોન ૧ર, ટોનોફોસફાન નામના ઇંજેકશન મુકાવવા. સાથે સાથે પગે મહાનારાયણ તેલની માલીશ કરવી. અમરવેલ ને ગરમપાણીમાં ઉકાળી ઝારવાથી ફાયદો થાય છે. સરસીયાનું તેલ સૂર્યપ્રકાશમાં રાખી ગરમ કરી માલીશ કરવાથી રાહત મળે છે.
માહિતી સ્તોત્ર: જુનાગઢ઼ ક્રુષિ યુનિવર્સિટી, જૂનાગઢ
પશુપાલન વિશે સફલ કિસાનની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લીક કરો.