ખરીફ પાકોમાં પૂર્તિ ખાતર (supplementary fertigation in Kharif crops)

cropપૂર્તિ ખાતર (supplementary fertigation) એટલે પાક વાવ્યા બાદ પાકની વૃધ્ધિ દરમ્યાન આપવામાં આવતું ખાતર. જે આપવા માટે પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, ખાતરનો પ્રકાર અને જમીનમાં ભેજની પરિસ્થિતિ વગેરે વિગતો ધ્યાને લેવી જરૂરી છે.

ખરીફમાં વવાતા પાકોની વાત કરીએ તો તેલીબિયાંના પાકોમાં મગફળી, તલ, એરંડા અને સોયાબીન, કઠોળ પાકોમાં મગ, અડદ, ચોળી, તુવેર, ધાન્ય પાકોમાં બાજરી, જુવાર અને મકાઇ, રોકડિયા પાકમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. કઠોળપાકોમાં અને મગફળીમાં મૂળ પર એકાદ મહિનામાં મૂળગંડિકાઓ બંધાઇ જતી હોય, જે હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરી પાકને પૂરો પાડે છે. આથી આા પાકોમાં સામાન્ય સંજોગોમાં ફકત પાયાનાં ખાતરો આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

તેલીબિયાં પાકો

હવામાન સતત વરસાદવાળું હોય અને મગફળીના પાકમાં પીળાશ જોવા મળે તો તેને દૂર કરવામાં ૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ હીરાકસી (ફેરસ સલ્ફેટ) અને ૧૦ ગ્રામ લીબુના કુલ (સાઇટ્રીક એસિડ) ઓગાળીને ઉભા પાકમાં ૧૦ દિવસના આંતરે બે છંટકાવ કરવાથી મગફળીના પાકમાં પીળાશ દૂર થાય છે અને પાકની વૃધ્ધિ અને વિકાસ સારો થાય છે.

તલના પાકમાં પ૪ કિલો યુરીયા હેકટરે પૂર્તિ ખાતર તરીકે પાકની વાવણી બાદ એક માસે નિંદામણ અને આંતરખેડ પછી આપવાની ભલામણ છે. જયારે એરંડા પાકમાં માળ બેસવાની શરૂઆત વખતે (૬૦ દિવસે) બીજો હપ્તો ૬૫ કિલો યુરિયા / હેકટરે પૂર્તિખાતર તરીકે આપવાની ભલામણ છે.

ધાન્યપાકો

બાજરી, જુવાર અને મકાઇનું વાવેતર દાણા તેમજ ચારા બંને માટે કરવામાં આવે છે. ધાન્યપાકોમાં વાવણી બાદ ૩૦ થી ૩પ દિવસે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે ૮૭ કિલો યુરિયા પ્રતિ હેટકરે હારની બાજુમાં આપવાની ભલામણ છે.

રોકડિયા પાક

કપાસ એ લાંબા ગાળા સુધી ઉભો રહેતો હોય અને શરૂઆતની અવસ્થાએ પાકની વૃધ્ધિ ઓછી હોવાથી આપેલ ખાતરોની કાર્યક્ષમતા વધારવા માટે એકથી વધુ હપ્ત પૂર્તિ ખાતર આપવાની ભલામણ કરવામાં આવેલ છે. બિનપિયત કપાસમાં પાક ૪૫ થી પ૦ દિવસનો થાય, ત્યારબાદ આંતરખેડ અને નિંદામણ પછી હેકટરે ૮૭ કિલો યુરિયા છોડની બાજુમાં આપવા. પિયત કપાસમાં મોટા ભાગે બી. ટી. કપાસનું વાવેતર થાય છે. કપાસમાં પૂર્તિ ખાતર કયારે, કેટલું અને કેવી રીતે આપવા તે નીચે આપેલ કોષ્ટક મુજબ જાણી શકાય.

પાળા ચડાવતી વખતે: ડીએપી – પપ, મ્યુરેટ ઓફ પોટાશ – ૧રપ

પ્રથમ હપ્તો: વાવેતર બાદ ત્રીજા અઠવાડિયે અમો. સલ્ફેટ – ૩૪૪

બીજો હપતો: પ્રથમ હપ્તા બાદ ત્રીજા અઠવાડિયે યુરિયા – ૧ર૦

ત્રીજો હપ્તો: બીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડિયે યુરિયા – ૧ર૦

ચોથો હપ્તો: ત્રીજા હપ્તા બાદ ત્રીજા અઠવાડિયે યુરિયા – ૧ર૦

બીટી કપાસમાં ભલામણ કરેલ નાઇટ્રોજન, ફોરસફરસ, પોટાશ અને ઝિંક સલ્ફેટની સાથે પોટેશિયમ નાઇટ્રેટના ર ટકા દ્રાવણનો ૬૦ થી ૬પ દિવસે (કુલ ભમરીના સમયે) જિંડવા બેસવાની અવસ્થાએ અને પચાસ ટકા જિંડવા બંધાણા હોય ત્યારે એમ કુલ ત્રણ છટકાવ કરવાથી વધુ ઉપજ અને આર્થિક વળતર મળે છે.

પૂર્તિ ખાતરો આપતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પૂર્તિ ખાતરો જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે ચાસની બાજુમાં ૧ થી ૧૦ સેમી દુર અને ઉંડાઇએ આપવાથી મહતમ ફાયદો થાય છે.
  • યુરિયા જમીન ઉપર આપવામાં આવે તો નાઇટ્રોજન તત્વ હવામાં ઉડી જાય છે.
  • યુરિયા વરસાદ બાદ બે કે ત્રણ દિવસે વરાપ થયે આપવું.
  • રેતાળ જમીનમાં નાઇટ્રેટયુકત ખાતરો આપવાથી વ્યય થાય છે.
  • પૂર્તિ ખાતરો નિંદામણ કર્યા બાદ જ આપવાં.

સંદર્ભ: જુનાગઢ ક્રુષિ યુનિવર્સિટી

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.