હળદરની વૈજ્ઞાનિક ખેતી (Turmeric cultivation)

હળદર એક અગત્યનો મરી મસાલાનો પાક છે. ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે. દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે.

હવામાન

હળદર ઉષ્ણકટિબંધિય વિસ્તારનો પાક હોય ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. દરિયાની સપાટી થી ૧૫૦૦ મીટર ઉંચાઇએ પહાડી પ્રદેશમાં ર૦ થી ૩૦ સે. તાપમાને તથા વાર્ષિક ૧૫૦૦ થી રરપ૦ મીમી વરસાદવાળો પ્રદેશમાં પિયત પાક તરીકે સફળતાથી ઉગાડી શકાય છે.

જમીન

સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે.

જ્મીનની તૈયારી

હળદરની ગાંઠોનો સારો વિકાસ થાય તે માટે જમીનને હળ અથવા ટ્રેકટરથી બે થી ત્રણ વાર ખેડી સમાર વડે ઢેફાં ભાંગી કરબથી સમતળ કરવી, જમીનમાં સેન્દ્રિય ખાતરનું પ્રમાણ જળવાય રહે તે માટે હેકટરે પ૦ થી ૬૦ ટન સારૂં કોહવાયેલ છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું.

જાતો

સામાન્ય રીતે હળદરની વિવિધ રાજયોમાં ઉગાડવામાં આવતી સુધારેલ પ્રચલિત જાતોને તને વૃધ્ધિકાળ મુજબ મુખ્યત્વે ત્રણ સમુહમાં વહેંચી શકાય. જે નીચે મુજબ છે.

વહેલી પાકતી જાતો

સુગુણા: જાડી ગોળાકાર ગાંઠ, ૬% તેલ, ૧૯૦ દિવસે પાક તૈયાર, ૭.૨૦ ટન/હે ઉત્પાદન, ૪.૯% કુરકુમીનનું પ્રમાણ

સુદર્શના: ગોળાકાર ગાંઠ, ૨% તેલ, ૧૯૦ દિવસે પાક તૈયાર, ૭.૨૯ ટન/હે ઉત્પાદન, ૭.૯% કુરકુમીનનું પ્રમાણ

મદ્ય્મ પાકતી જાતો

સુવર્ણા: ઘેરો કેસરી રંગ, ૭% તેલ, ૨૧૦ દિવસે પાક તૈયાર, ૪.૬ ટન/હે ઉત્પાદન, ૪% કુરકુમીનનું પ્રમાણ

ક્રિષ્ના: લાંબી અને ગોળાકાર ગાંઠ, ૨% તેલ, હળદરની માખી અને પાનના ટપકા સામે મધ્યમ પ્રતિકારક જાત, ૪ ટ/હે ઉત્પાદન, ૨૫૫ દિવસે પાક તૈયાર, ૨.૮% કુરકુમીનનું પ્રમાણ

સુગંધમ: લાલશ પડતી પીળી ગાંઠ, તેલ ૨.૭%, ૪ ટન/હે ઉત્પાદન, ૨૧૦ દિવસે પાક તૈયાર, ૩.૧% કુરકુમીનનું પ્રમાણ

રોમા: તેલ ૪.૨%, ૬.૪૩ ટન/હે ઉત્પાદન, ૨૫૩ દિવસે પાક તૈયાર, ૯.૩% કુરકુમીનનું પ્રમાણ

સુરોમા: લાલાશ પડતી બદામી છાલ, ૪.૪% તેલ, ૫ ટન/હે ઉત્પાદન, ૨૫૩ દિવસે પાક તૈયાર, ૯.૩% કુરકુમીનનું પ્રમાણ

મોડી પાકતી જાત

કોઇમ્બતુર – ૧: મોટી ચળકતી કેસરી રંગની ગાંઠ, સુકા અને ક્ષારીય વિસ્તાર માટે અનુકુળ, ૩.૨% તેલ, ૫.૮૫ ટન/હે ઉત્પાદન, ૨૮૫ દિવસે પાક તૈયાર, ૩.૨% કુરકુમીનનું પ્રમાણ

બી.એસ.આર. – ૧: ચળકતા પીળા રંગની ગાંઠ, પાણી ભરાઇ રહે તેવી જ્મીન માટે અનુકુળ, ૩.૭% તેલ, ૬ ટન/હે ઉત્પાદન, ૨૮૫ દિવસે પાક તૈયાર, ૪.૨% કુરકુમીનનું પ્રમાણ

ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે વિવિધ જાતોનો અભ્યાસ હાથ ધરેલ તેના પરિણામ આધારે હળદરની સુગંધમ અને કેસર જાતો આશાસ્પદ માલુમ પડેલ. તે મુજબ ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરેલ છે.

બીયારણનો દર

એક હેકટરના વાવેતર માટે ર૮૦૦ થી ૩૦૦૦ કિગ્રા હળદરની ગાંઠોની જરૂર પડે છે.

વાવણી અંતર

૩૦ x ૧૫ સે.મી. અંતરે વાવેતર કરવામાં આવે છે.

વાવણી સમય

મે – જુન માસમાં રોપણી કરવી.

ગાંઠોની માવજત

વાવતાં પહેલા ગાંઠોને ૦.૫ ટકા સરેસાનના દ્રાવણની માવજત આપવી. કેટલીકવાર ગાંઠોનું અંકુરણ જલદી થાય તે માટે છાણની રબડીમાં બોળી રોપવામાં આવે છે.

રોપણી

ગોરાડુ જમીનમાં સપાટ કયારા અને કાળી જમીનમાં જયાં પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં ગાદી કયારા અથવા નીકપાળાની પદધતિએ રોપણી કરવામાં આવે છે. રોપણી બાદ તુર્તજ હેકટરે ૮૦ થી ૧૦૦ કિલો પ્રમાણે શણ બીજ છાંટી પિયત આપવું. અથવા સુકા પાનનું આવરણ કરવું. જેથી જમીનમાં ભેજ જળવાય રહેશે અને અંકુરણ જલદી થાય છે. અને નવી કુંપળને તાપથી રક્ષણ મળે છે. ૧ માસ પછી શણને ઉપાડી જમીનમાં દાટી દેવાથી લીલો પડવાશ થવાથી જમીનમાં સેન્દ્રિય તત્વોનાં ઉમેરો થશે.

રાસાયણિક ખાતર

એક હેકટરના વાવેતર માટે ૬૦-૬૦-૬૦ ના. ફો. પો. કિલોગ્રામ પ્રમાણે નીચે મુજબ આપવું. ૬૦ કિલોગ્રામ ફોસ્ફરસ અને ૬૦ કિલોગ્રામ પોટાશ પાયાના ખાતર તરીકે રોપણી વખતે આપવો. ૬૦ કિલોગ્રામ નાઇટ્રોજન બે સરખા હપ્તામાં આપવો. ૩૦ કિલોગ્રામ નાઇટ્રોજન રોપણી પછી ૧ માસે અને બાકીનો ૩૦ કિલોગ્રામ નાઇટ્રોજન બે માસનો પાક થાય ત્યારે આપવો. ખાતર આપ્યા પછી તુર્તજ પિયત આપવું.

પિયત

આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણી નિયમિત જરૂરિયાત મુજબ આપવું. ચોમાસા દરમ્યાન વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું. શિયાળામાં ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનની પ્રતને ધ્યાને લઈ આપવું. હળદરના વૃદિધકાળ દરમ્યાન ગોરાડુ જમીનમાં ૩પ થી ૪૦ પિયત અને કાળી જમીનમાં ર૦ થી રપ પિયતની આવશ્યકતા રહે છે.

નિંદણ નિયંત્રણ

નિંદણના ઉપદ્રવ સામે ખાસ કાળજી રાખવી. વાવણીનું અંતર નજીક હોવાથી મજૂરો દ્વારા નિંદણ અથવા કોદાળીથી હળવી ગોડ કરી ઘાસ ન ઉગે તેની કાળજી રાખવી. કારણકે શરૂઆતમાં નિંદણ નિયંત્રણ ન થાય તો પાકના ઉત્પાદન અને ગુણવતા ઉપર માઠી અસર પડે છે.

પાક સંરક્ષણ રોગો

હળદરમાં પાનના બદામી ટપકાં અને ગાંઠના સડાનો રોગ મુખ્યત્વે જોવા મળે છે. આ પ્રકારનો રોગ લાગે ત્યારે પાનની બનને બાજુએ અસંખ્ય ટપકા દેખાય છે. ઉપરની બાજુએ ટપકાની સંખ્યા વધુ હોય છે. ટપકાનો રંગ શરૂઆતમાં બદામી અને ત્યારબાદ ઘેરા પીળા રંગના થઇ જાય છે. પાન ધીમે ધીમે પીળા પડી સુકાઇ જાય છે.

ઉપાયો આ રોગના નિયંત્રણ માટે ૪ કિલોગ્રામ પ૦ ટકા તાંબાયુકત દવાને ૧૦૦૦ લીટર પાણીમાં ઓગાળી ર૦ થી રર દિવસના અંતરે રોગ કાબુમાં ન આવે ત્યાં સુધી છટકાવ ચાલુ રાખવો.

ગાંઠના સડાનો રોગ આ એક પ્રકારની કુગથી થાય છે. રોગ લાગે ત્યારે

પાનની કિનારીઓ અને ત્યારબાદ વધુ તીવ્રતાને લીધે આખુ પાન સુકાઇ જાય છે. ગાંઠ અને થડના જોડાણનો ભાગ પોચો પડી ગાંઠ સડવા લાગે છે. ઉપાયો

૧. બીયારણ માટે રોગમુકત ગાંઠોની પસંદગી કરી વાવેતર કરવું.

ર. રોગના નિયંત્રણ માટે ૧૦ કિલોગ્રામ તાંબાયુકત દવા રપ૦૦ લીટર પાણીમાં ઓગાળી જમીનમાં છોડની આજુબાજુ રેડવી.

જીવાત

હળદરના પાકમાં પાનના ચૂસિયા અને થડ કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.

ઉપાય

ચૂસિયાના નિયંત્રણ માટે નીચે જણાવેલ પૈકી કોઇપણ એક દવાનો નિયમિત છંટકાવ કરવો.

૧. ઇમીડાકલોપ્રીડ દવા ૧૦ લીટર પાણીમાં ૨.૮ મી.લી. પ્રમાણે ઓગાળી છાંટવી અથવા મેલાથીઓન ૦.૦પ ટકા અથવા ડાયમીથીએટ અથવા ૦.૦૩ ટકા ફોસ્ફોમીડોન અથવા ૦.૪ ટકા મિથાઇલ ડીમોટીનનો છંટકાવ કરવાથી નુકશાન અટકાવી શકાય છે.

ર. થડ કોરી ખાનાર ઇયળ ના નિયંત્રણ માટે ૦.૧ ટકાનું દ્રાવણ એક માસના અંતરે જુલાઇ થી ઓકટોબર દરમ્યાન છાંટવું.

કાપણી અને ઉત્પાદન

હળદરનો પાક તૈયાર થાય ત્યારે છોડના પાન પીળા પડવા લાગે છે. સામાન્ય રીતે મે-જુનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે. કેટલીક વાર ખેડૂતો બજારમાં વધુ ભાવ મળે તે હેતુથી હળદરના પાકને લીલી ખોદી બજારમાં મોકલે છે. આથી ઉત્પાદન ઓછુ મળે પરંતુ ઉંચા બજારભાવ મળવાથી આવક સારી થાય છે.

હળદરને ખોદતી વખતે ગાંઠો કપાઇ ન જાય તેની કાળજી રાખવી. ગાંઠો સફાઇ કરી એકત્ર કરી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. લીલી હળદરનું પ્રતિ હેકટર ર૦ થી રર મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. જયારે લીલી હળદરમાંથી સુકી હળદરનું પ્રમાણ ૧પ થી ર૦ ટકા રહે છે.

હળદરનો સંગ્રહ

હળદરનો સંગ્રહ કરવા માટે ૪પo x ૩૦૦ X ર૦૦ સે.મી. નો ખાડો ઉંચી જગ્યાએ ખોદી, તેમાંથી ભેજ ઉડી જાય ત્યારે તળીયે અને આજુબાજુ પરાળનો થર કરી ખજૂરીનાં પાનની સાદડીઓ પાથરી તેમાં ઉપર ઘાસ અને પરાળ પાથરી સાદડીઓથી ઢાંકી ખાડામાં હવા ન જાય તે માટે છાણ અને માટીથી લીપી દેવું. આ ખાડામાં આશરે ૧પ ટન જેટલી લીલી હળદરનો સંગ્રહ કરી શકાય છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.