બીજ માવજત શા માટે જરૂરી છે?

seeds

બીજની અંદર કે તેની સપાટી પર રહેલ રોગકારકોનાં નાશ માટે બીજને આપવામાં આવતી ફૂગનાશક કે જીવાણુંનાશક દવાની માવજતને બીજ માવજત કહેવામાં આવે છે. આ માવજત અમુક અંશે જમીનમાં રહેલ રોગકારકોથી બીજને ઉગવામાં રક્ષણ આપે છે, પરંતુ ઘણી વખત જમીનજન્ય જીવાતો જેવી કે સફેદ ધણ કે ઉધઇના નિયંત્રણ માટે મગફળી કે ઘઉં જેવા પાકોના બીજને આપવામાં આવતી જંતુનાશક દવાની માવજતને પણ બીજ માવજત કહેવામાં આવે છે. આ ઉપરાંત કઠોળ વર્ગના ધાન્ય વર્ગના પાકોમાં રાઇઝોબીયમ, ઓઝોટોબેક્ટર જેવા જીવાણું કલ્ચરની માવજતોનો પણ બીજ માવજતમાં સમાવેશ કરવામાં આવે છે. એક અંદાજ મુજબ સરેરાશ ૧૦ ટકા જેટલું બિયારણ વાવેતર કર્યા બાદ અને ઉગતા પહેલા જ નાશ પામે છે. જેનો સીધો જ અર્થ ખેતરમાં ૧૦ ટકા છોડની સંખ્યા ઓછી અને તેનાં પ્રમાણમાં ૧૦ ટકા ઉત્પાદનમાં ઘટ, અન્યથા ભલામણ કરતા ૧૦ ટકા વધુ બિયારણ વાવવું પડે. જેની સામે બિયારણનો માવજતનો ખર્ચ ઘણો નજીવો હોય છે. પાક ઉત્પાદનમાં ૧૦ ટકા જેવી ઘટ ઘણી મોંધી પુરવાર થાય છે અને આ આંકડો કરોડોમાં થવા જાય. આથી સામાન્ય સંજોગોમાં જ તે પાકનાં બિયારણોને ભલામણો થયેલ દવાનો પટ આપી વાવેતર કરવું સલાહભર્યું ગણવામાં આવે છે.

બીજ માવજતના હેતુઓ

  1. વાવણીની સરળતા માટે : દા.ત. કપાસમાં બીજ પર ઝીણી રૂવાટી હોવાને કારણે તે સહેલાઇથી એકબીજાથી છુટા પડતા નથી. તેથી આવા બીજને વાવણી પહેલા માવજત આપવી જોઇએ. જેથી બીજ પરની વાટી દુર કરી વાવણીમાં સરળતા લાવી શકાય છે. આ માટે ભૌતિક અને રાસાયણિક રીતો અપનાવવામાં આવે છે. આ માટે હવે ડીલીન્ટીંગ મશીનો પણ મળે છે.
  2. વાવણી એક સરખી જાળવવા માટે: અમુક પાકના બીજ કદમાં નાના અને વજનમાં હલકા હોય છે જેથી આવા બીજને નિયત અંતરે એક સરખી રીતે વહેંચણી કરી વાવવામાં મુશ્કેલી પડે છે. દા.ત. તલ, તમાકુ, ટામેટા, રીંગણ, રજકો કે જરૂનાં બીજ નાના અને હળવા હોવાથી બીજને વાવતા પહેલા અમુક પ્રમાણમાં ઝીણી રેતી અથવા ખોળ સાથે મિશ્ર કરી વાવમામાં આવે છે. આમ કરવાથી બીજની વાવણી એક સરખી રીતે કરી શકાય છે અને વિસ્તાર દીઠ છોડની પુરતી સંખ્યા મેળવી શકાય છે.
  3. ઝ્ડપી અને સારા સ્ફુરણ માટે: ક્ઠોળ વર્ગના પાકના બીજનું આવરણ સખત હોય છે. જેથી સ્કૂરણ માટે વધુ સમય લાગે છે. દા.ત. વાલ, ગુવાર વિગેરેના બીજનું આવરણ સખત હોવાથી બીજને 24 થી 36 કલાક પળાલી રાખી વાવણી કરવામાં આવે તો સ્કુરણ ઝડપથી અને સારી રીતે થાય છે. તેવી જ રીતે શેરડીના કટકાને 30-35 અંશ ઉષ્ણતામાનવાળા ચૂનાના પાણીમાં 24 કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી સ્ફુરણની ક્રિયા ઝડપી અને સારી થાય છે.
  4. રાઇબોઝીયમ કલ્ચરની માવજત: કઠોળ વર્ગમાં પાકો હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે. હવામાંનો નાઇટ્રોજન મૂળગ્રંથીઓ પર સ્થાયી થાય છે. આ નાઇટ્રોજનનો ઉપયોગ છોડ કરે છે અને થોડો ઘણો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. ક્ઠોળ પાકોના બીજને વાવતા પહેલા ખાસ પ્રકારનાં કાર્યક્ષમ રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપવાથી મૂળનો વિકાસ ઝડપથી થાય છે અને મૂળ ગ્રંથિઓની સંખ્યા અને કદ વધે છે, જેથી હવામાંના નાઇડ્રોજનનાં સ્થિરીકરણની ક્રિયા ઝડપી અને વધુ પ્રમાણમાં થાય છે.
  5. કીટકો અને જીવાતોના ફેલાવો તથા તેનાથી થતું નુકશાન અટકાવવા: કેટ્લાક પાકોના બીજ કે વાન્સ્પતિક ભાગ પર જીવાત કે જીવાતનાં ઇંડા સુષુપ્ત અવસ્થામાં રહેલા હોય છે. જે બીજ વાવતાં તે જીવાતનો ઉપદ્રપ વધી જવા પામે છે. તેથી આવા બીજને જીવાત મુક્ત કરી વાવવા બીજ માવજત આપવી પડે છે.
  6. બીજજ્ન્ય રોગોનું નિયંત્રણ રોકવા માટે: કેટલાક રોગો બીજજન્ય હોય છે. તેથી આવા પાકનાં બીજને વાવતા પહેલા ફૂગનાશક કે પારાયુક્ત દવાનો પટ આપવો જોઇએ.

બીજ માવજતના પ્રકાર

બીજ માવજત આપવા માટે બિયારણમાં રોગકારકની હાજરી, પાકની જાત વગેરે  ધ્યાને લઇ તેને નીચે મુજબ વિવિધ પદ્ધતિઓથી માવજત આપવામાં આવે છે.

  1. સુકી માવજત: આા માવજત સામાન્ય રીતે પ્રચલિત છે. જેમ કે કઠોળ વર્ગના પાકના બિયારણ કે ધાન્ય વર્ગોનાં પાકના બિયારણોને ફુગનાશક દવાઓ જેવી કે કેપ્ટાન, થાવરમ, મન્કીઝેબનો પટ બરાબર ચઢાવી પછી તેનું વાવેતર કરવા ભલામણ થયેલ છે.
  2. ઠંડી ગરમીની માવજત: ઘણી વખત ઘઉં જેવા પાકોમાં લૂઝ સ્મટ કે ઢીલા અંગારીયાની ફુગના બીજાણુંઓ બિયારણના અંદરના ભાગમાં સ્થાયી થઇ ગયેલ હોય છે, જેનો નાશ બીજની સપાટી ઉપર ફુગનાશક દવાનો પટ આપવાથી થઇ શકતો નથી. આવા સંજોગોમાં બિયારણને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં સવારના ચાર કલાક ઠંડા પાણીમાં પલાળી રાખવામાં આવે છે. જેથી બિયારણમાં રહેલ ફૂગનાં બીજાણુંઓનું બીજની અંદર જ સ્કૂરણ શરૂ થાય અને ત્યાર પછી બપોરે ૧ર થી ૩ વાગ્યા સુધી ખુલા તડકામાં ગેલ્વેનાઇઝડ પતરા ઉપર સુકવવામાં આવે છે. જેથી સ્ફુરણ પામી રહેલા ફુગના બીજાણુંઓનો સૂર્યની ગરમીના કિરણોથી નારા કરી બિયારણને સરળતાથી રોગમુક્ત કરી શકાય છે.
  3. ગરમ પાણીની માવજત: શેરડી જેવા પાકોમાં વિવિધ રોગો જેવા કે રાતડી, અંગારીયો, સુકારો વગેરે બીજના ટુકડા મારફત ફેલાતા હોય છે. તેવા કિસ્સામાં માત્ર ટુકડાઓ ઉપર દવાનો પટ આપવાથી ફાયદો થતો નથી. આવા સંજોગોમાં ટુકડાઓને ગરમ પાણીની માવજત આપવી જોઇએ.
  4. વરાળની માવજત: આ માવજત પણ સામાન્ય સંજોગોમાં શેરડી જેવા જાડી છાલવાળા પાકો માટે ભલામણ કરવામાં આવતી હોય છે.
  5. ટુક્ડાને સુકા પાવડ઼રની માવજત: બટાકા જેવા પાકમાં જોવા મળતી બંગડીનાં રોગ કે સ્કેબ વગેરેનાં નિયંત્રણ માટે બટાટાનાં નાના ટુકડાઓને મેન્કોઝેબ જેવી ફુગનાશક દવાના સુકા પાવડરનો પટ આપી વાવણી કરવા ભલામણ કરવામાં આવે છે.
  6. દવાના દ્રાવણમાં ટુક્ડા-ધરૂ ઝબોળી વાવવાની માવજત: શેરડી જેવા પાકોમાં બિયારણમાં લાગેલ ભિંગડા વાળી છવાત કે પછી તેમાં જોવા મળતાં રોગો માટે જવાબોળી વાવવાની ભલામણ કરવામાં આવે છે. તેવી જ રીતે શાકભાજીનાં ધરૂવાડીયામાંથી ધરૂ ઉપાડી તેની ફેરરોપણ કરતી વખતે પણ આ પ્રમાણે માવજત કરવાની ભલામણ કરવામાં આવે છે.
  7. ભીની માવજત: બિયારણને ફુગનાશક જે જંતુનાશક દવાનો પાવડર રૂપે સુકી માવજત આપવામાં આવે છે તેવી જ રીતે મગફળી કે ઘઉં જેવા પાકોમાં અનુક્રમ સફેદ ધણ અને ઉધઈનાં નિયંત્રણ માટે કલોરોપાઇરોફોસ કે ક્વિનાલફોસ જેવી પ્રવાહી દવાનાં દ્રાવણનો પટ આપી બિયારણને છાંયડે સુકવી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
  8. તેજાબની માવજત: કપાસમાં બીજને વાટી અને તે સાથે સંકળાયેલા જીવાણુંઓના નારા માટે પહેલા ગંધકનાં તેજાબની માવજત આપી બિયારણ ઉપરની રૂવાંટી અને તેમાં રહેલા જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે

બીજ માવજત આપવાની પધ્ધતિઓ

સીડડ઼રેસર દ્વારા: બીજના વધુ જથ્થાને એક સાથે પટ આપવો હોય તો સીડડ઼રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ડ્રમ પોણા ભાગનું ભરાય તેટલા બીજને લઇ જરૂરી દવા ઉમેરી ઢાંકણ બંધ કરી ડ્રમને ૧૦ થી ૧૫ મીનીટ ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આમ કરવાથી બીજની ફરતે દવાનો એક સરખો પટ લાગી જશે ત્યારબાદ કાંટી લઇ વાવણીનાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રવાહી દવા દ્વારા: બીજને પ્રવાહી દવાની માવજત આપવા માટે જરૂરી દવાનો જથ્થો લઈ પ્રમાણસરના પાણીના જથ્થામાં ભેળવી બરોબર મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તૈયાર કરેલ દ્રાવણમાં પ્રમાણસરનો બીજનો જથ્થો લઇ નિયત સમય સુધી દ્રાવણમાં બોળી, બીજને કાઢી લઇ સુકવવા જોઇએ અને ત્યારબાદ તેનો વાવેતર માટે ઉપયોગ કરવો.

પેપર બેગ દ્વારા: આ રીતનો ઉપયોગ બીજનો જથ્થો ઓછો હોય. બીજ કિંમતી હોય, બીજ નાના હોય ત્યારે કરવામાં આવે છે. આ માટે બીજને કાગળની કોથળીમાં કે નાના બોકસમાં ભરી, પ્રમાણસર દવા ભેળવી બોકસ કે કોથળીને ધીમે ધીમે હલાવવામાં આવે છે. જેથી બીજને એક સરખો પટ લાગે છે. આ રીતે શાકભાજીના પાકો જેવાકે, રીંગણી, મરચી, ટામેટી વગેરેમાં બીજ માવજત આપવામાં આવે છે.

માટલા દ્વારા: સીડડ઼રેસર ઉપલબ્ધ ન હોય ત્યારે તેની અવેજીમાં અને બીજનો જથ્થો ઓછો હોય ત્યારે આ પદ્ધતિથી માવજત આપી શકાય છે. આા માટે માટલામાં 3/4 ભાગના બીજ ભરી, જરૂરી દવા ભેળવી માટલાનું ઢાંકણ બંધ કરીને પ થી ૧૦ મીનીટ સુધી માટલાને બરાબર હલાવવામાં આવે છે. ત્યારબાદ બીજને વાવેતરના ઉપયોગમાં લઇ શકાય છે. આ રીત ઘણી જ અનુકૂળ અને સરળ છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.