૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે?

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.

(A) બ્લોક નંબર

જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો. જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧િ/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી. બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય. આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા. એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.

(B) સર્વે નંબર

જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.

(C) જમીનનો સત્તા પ્રકાર

આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.

(D) ખેતરનું નામ

ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.

(E) ખેડવા લાયક જમીન

ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.

(અ) જરાયત જમીન – આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.

(બ) બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.

(ક) કયારી – જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.

(F) પોત ખરાબ

પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.

(G) આાકર/જુરી

આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવાલાયક / વપરાશલાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.

(H) ગણાતીયાના નામ

જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.

(I)

# નામંજૂર – ખાતેદાર જયારે ૭/૧ર માં માલિક હકક ફેરફાર કે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે તેની એન્ટ્રી પડે છે અને આ એન્ટ્રી જયારે ચકાસવામાં આવે ત્યારે પૂરતા પુરાવા રજુ ન થાય તો તે એન્ટ્રી નામંજૂર થાય છે.

$ તકરારી – ખાતેદાર જયારે પુરાવાઓના આધારે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે જે સરકારશ્રી તરફથી વાંધો લેવામાં આવે કે સહમાલિકો કે અન્ય ત્રાહિત વ્યક્તિ તરફથી વાંધો લેવામાં આવે કે કોર્ટ મેટર થાય ત્યારે પડેલી એન્ટ્રી તકરારી એન્ટ્રી તરીકે ઓળખાય છે અને જયાં સુધી તકરારી મેટર પતે નહીં ત્યાં સુધી એ પેન્ડીંગ રહે છે.

રદ : જયારે ૭/૧ર માં કે હકક પત્રક કે માલિકી હકક ફેરફાર કે અન્ય હકકો માટે એન્ટ્રી પાડવામાં આવેલ હોય પરંતુ તેની કાર્યવાહી પૂર્ણ ન થાય તો તે એન્ટ્રી રદ થાય છે.

(J) ખાતા નંબર

જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.

(K) મોજ જે તે ગામનું નામ

ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.

(L) કબજેદારનું નામ

અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.

(M) નોંધ નંબરો

જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આાંકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.

(N) બીજા હકકો અને બોજાની વિગત

સદરહુ જમીનમાં મૂળ માલિકનો તો હકક હોય જ છે પરંતુ સાથે સાથે કોઇક ભૂતકાળના લખાણથી અન્ય કોઇકનો પણ તેમાં લાભ / ભાગ / હકક / હિસ્સો પ્રસ્થાપિત થતો હોય તો તેની વિગતની જાણકારી અહીં લખેલી હોય છે. વધુમાં સદરહુ જમીન પર કોઇ લોન / બોજો લીધેલો હોય કે જમીન તારણમાં હોય, જમીન ગીરવે મુકેલ હોય તો તેની વિગત પણ અહીં દર્શાવેલી હોય છે. આને આપણે આર.સી. બુક સાથે સરખાવી શકીએ.

(O) બાંધકામ સી.ઓ.પી.

જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.

(P) ખેતી વિષયક માહિતી

અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.

મિત્રો, તમે તમારો  ૭/૧ર નો ઉતારો હવે ઓનલાઇન https://anyror.gujarat.gov.in/Info712Page.aspx પર જોઇ શકો છો.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.